બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે પાંચ વર્ષની બાળકીના અપહરણ અને માનવતસ્કરીના ગુના હેઠળ પકડાયેલા લેસ્બિયન કપલના જામીન મંજૂર કર્યા હતા
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે પાંચ વર્ષની બાળકીના અપહરણ અને માનવતસ્કરીના ગુના હેઠળ પકડાયેલા લેસ્બિયન કપલના જામીન મંજૂર કર્યા હતા. હાઈ કોર્ટે જામીન આપતાં કહ્યું હતું કે ‘આ કપલ બાળક પેદા કરી શકે એમ નથી. વર્ષોથી તેમને પોતાનું બાળક હોવાની ઇચ્છા હતી એથી તેમણે ગેરકાયદે માર્ગ અપનાવ્યો હતો એ ખરું, પણ તેમણે એ બાળકને કોઈ જાતીય નુકસાન પહોંચાડ્યું નથી કે તેને માનવતસ્કરીમાં ધકેલ્યું નથી એટલે તેમના જામીન મંજૂર કરવામાં આવે છે.’
અપહરણની આ ઘટના ૧૮ માર્ચે ઘાટકોપરમાં બની હતી. પાંચ વર્ષની બાળકી મિસિંગ હતી. એ વખતે બાળકીની શોધ કરતાં પોલીસતપાસમાં બહાર આવ્યું હતું કે લેસ્બિયન કપલે એ બાળકી માટે ૯૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. એ પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
બચાવ પક્ષના વકીલે આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે બાળકીનું અપહરણ કરવા પાછળ આ કપલનો ઇરાદો તેને કોઈ નુકસાન પહોંચાડવાનો નહોતો, પણ બાળક મેળવવાનો હતો. જોકે સામા પક્ષે સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે તેમની સામે માનવતસ્કરીનો ગુનો બને છે, કારણ કે તેમણે બાળકીનાં માતા-પિતાને પૈસા આપ્યા હતા.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ મનીષ પિતલેએ તેમના ૧૯ નવેમ્બરે જામીન મંજૂર કરતાં કહ્યું હતું કે ‘મંદિરમાં લગ્ન કરીને છેલ્લાં ૧૦ વર્ષથી આ કપલ સાથે રહે છે. તેઓ પોતે બાળક પેદા કરી શકે એમ નથી અને લેસ્બિયન કપલ હોવાને કારણે તેમને બાળક દત્તક લેવામાં પણ કાયદાકીય અડચણો આવી રહી હતી. એથી તેમણે આ માર્ગ અપનાવ્યો હતો એવું જણાઈ રહ્યું છે. તેમની સામે અપહરણનો ગુનો બને છે એ ખરું, પણ માનવતસ્કરીના ગુના માટે મૂળભૂત રીતે સેક્સ્યુઅલ એક્સ્પ્લોઇટેશનનો મુદ્દો હોય છે જે આ કેસમાં અપાયેલા પુરાવાને નજરમાં રાખતાં સાબિત થતો નથી.’