અકસ્માત સર્જનાર સિમેન્ટ મિક્સરના ૪૦ વર્ષના ડ્રાઇવર જવાહીર યાદવને મુલુંડની નવઘર પોલીસે ઝડપી લીધો છે
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-ઈસ્ટમાં રહેતાં અને માટુંગામાં જૉબ કરતાં ૪૯ વર્ષનાં શુભાંગી મગરેએ શનિવારે ઑફિસ જવા માટે રૅપિડો બાઇક ટૅક્સી બુક કરી હતી. એ પછી તેઓ મુલુંડથી બહાર નીકળ્યાં ત્યારે સવારે ૧૧ વાગ્યે ઐરોલી બ્રિજ નીચેના જંક્શન પર એક સિમેન્ટ ટ્રકે તેમને અડફેટે લેતાં રૅપિડો બાઇકનો ૨૫ વર્ષનો ડ્રાઇવર ગણેશ માધવ અને શુભાંગી મગરે બન્ને જમીન પર પટકાયાં હતાં. એમાં ગણેશ જખમી થયો હતો અને શુંભાગીને ગંભીર ઈજા થઈ હતી. બન્નેને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. ડૉક્ટરોએ શુંભાગીને મૃત જાહેર કર્યાં હતાં, જ્યારે ગણેશને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં ઍડ્મિટ કર્યો છે. અકસ્માત સર્જનાર સિમેન્ટ મિક્સરના ૪૦ વર્ષના ડ્રાઇવર જવાહીર યાદવને મુલુંડની નવઘર પોલીસે ઝડપી લીધો છે અને તેની સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોત નિપજાવ્યાનો ગુનો નોંધ્યો છે.
ફુટપાથ પર ચડી ગયેલી બસે ભાઈ-બહેનના જીવ લીધા
ADVERTISEMENT
સોમવારે સાંજે પુણેના હિંજવડી વિસ્તારમાં એક બસ ફુટપાથ પર ચડી જતાં ૬ વર્ષના છોકરા અને તેની ૮ વર્ષની બહેને જીવ ગુમાવ્યા હતા. ઉપરાંત તેમની નાની બહેન સહિત ત્રણ લોકોને ઈજા થઈ હતી. બસ-ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાતાં પોલીસે તેની ધરપકડ કરી છે. સોમવારે સાંજે એક પ્રાઇવેટ બસ ફુટપાથ પર ચડી ગઈ અને ફુટપાથ પર ચાલી રહેલા પાંચ જણને ઉડાડ્યા હતા, જેમાં સ્કૂલથી પાછા આવતાં ત્રણ ભાઈ-બહેન પણ હતાં. અકસ્માતમાં ભાઈ-બહેને જીવ ગુમાવ્યા હતા અને તેમની નાની બહેનને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડ્યા હતા.


