Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવી કાતિલ બસોને BEST કેમ કહેવાય?

આવી કાતિલ બસોને BEST કેમ કહેવાય?

Published : 09 June, 2026 08:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે દાદરમાં કૉન્ટ્રૅક્ટ પરની બસના બેકાબૂ ડ્રાઇવરે જીવ લઈ લીધો એક ડિલિવરી બૉયનો, ઉત્તર પ્રદેશના ગામ જઈને બે-ત્રણ મહિનામાં લગ્ન કરવાનો હતો નિયાઝ અહમદ

બસની નીચે આવી ગયેલી ડિલિવરી-બૉય નિયાઝ અહમદની બાઇક (તસવીરઃ આશિષ રાજે)

બસની નીચે આવી ગયેલી ડિલિવરી-બૉય નિયાઝ અહમદની બાઇક (તસવીરઃ આશિષ રાજે)


દાદરના પ્લાઝા સિનેમા પાસે ગઈ કાલે સવારે ૧૦.૪૫ વાગ્યે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની કૉન્ટ્રૅક્ટની રૂટ-નંબર ૪૬૩ (વીર કોતવાલ ઉદ્યાનથી ધારાવી ડેપો)ની બસના ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવીને બે ટૂ-વ્હીલર, એક કાર અને એક કાળીપીળી ટૅક્સીને અડફેટે લીધાં હતાં. આ આખી ઘટના ત્યાં લગાડવામાં આવેલા CCTV કૅમેરામાં ઝીલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય ૬ વ્યક્તિ ઘાયલ થઈ છે.

અકસ્માતની વિગતો મુજબ પાછળથી પૂરઝડપે આવતી બસ પહેલાં બે ટૂ-વ્હીલરને અડફેટે લે છે, ત્યાર બાદ એક કાર અને છેલ્લે એક કાળીપીળી ટૅક્સી અને રાહદારીઓને અડફેટે લઈ રાઇટ ટર્ન માટે રોડ પર લગાડેલાં બૅરિકેડ્સ સાથે અથડાય છે અને ખાડો ખોદવા માટે વપરાતી ટ્રક સાથે અથડાઈને ઊભી રહી જાય છે. આ અકસ્માતને કારણે એ વખતે સ્પૉટ પર  હાજર અન્ય વાહનચાલકો અને રાહદારીઓ બધા જ ચોંકી ઊઠ્યા હતા. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને ત્યાર બાદ સાયન હૉસ્પિટલ લઈ જવાયા હતા.



સાયન હૉસ્પિટલના અસિસટન્ટ મેડિકલ ઑફિસર ડૉક્ટર રણધીરે જણાવ્યું હતું કે ૪ ઘાયલોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. એમાંથી ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવી રહેલા ૨૮  વર્ષના નિયાઝ અહમદનું દાખલ કરતાં પહેલાં જ મોત થયું હતું. બાવીસ વર્ષના વૃષભ ગુપ્તાને માથામાં ગંભીર ઈજા થઈ હતી, તેની હાલત ગંભીર છે. ચાલીને જઈ રહેલા ૪૧ વર્ષના અમિત મ્હાત્રેને સારવાર અપાઈ રહી છે, તેની હાલત સ્ટેબલ છે. BESTના ૪૮ વર્ષના સતીશ વાઘમારેને છાતીમાં અને થાપામાં ઈજા થઈ છે, જ્યારે ૫૦ વર્ષના મહેશ ડોઇફોડેને ડાબા ખભામાં મૂઢમાર લાગ્યો છે. ૪૨ વર્ષના બસ-ડ્રાઇવર વિકાસ પાડાવેને પણ ઈજા થતાં તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો, તેની કન્ડિશન સ્ટેબલ છે. ૫૭ વર્ષના બસ-કંડક્ટર રાજેન્દ્ર પેળેકરની પણ કન્ડિશન સ્ટેબલ હોવાનું હૉસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે.              


આ ઘટનામાં બસ-ડ્રાઇવરની ભૂલ હતી કે તેણે કન્ટ્રોલ ગુમાવ્યો હતો કે પછી બસમાં કોઈ ટેક્નિકલ ફૉલ્ટ હતો એ બાબતે ડ્રાઇવરને તાબામાં લઈ તપાસ ચાલુ કરવામાં આવી હતી. એ પછી શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં બસ-ડ્રાઇવર વિકાસ પાડાવે સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી ચાલુ કરાઈ હતી. 

જીવ ગુમાવનાર નિયાઝનાં બે-ત્રણ મહિનામાં લગ્ન થવાનાં હતાં


બસ-ઍક્સિડન્ટની આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિયાઝ અહમદ શેખ વિશે માહિતી આપતાં તેના કાકાએ કહ્યું હતું કે નિયાઝ મૂળ ઉત્તર પ્રદેશનો હતો. તે છેલ્લાં પાંચ વર્ષથી મુંબઈના નળ બજાર વિસ્તારમાં રહેતો હતો. અહીં તે સ્વિગીમાં ડિલિવરી બૉય તરીકે જૉબ કરતો હતો. ૧૭ જૂને તે પોતાના ગામ જવાનો હતો. આવનાર ૨-૩ મહિનામાં તેનાં લગ્ન થવાનાં હતાં અને એ માટે તેણે મહેનત કરીને પાઈ-પાઈ બચાવી હતી. ગઈ કાલે પણ તે ડિલિવરી માટે જ બહાર નીકળ્યો હતો અને અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. 

BESTનું શું કહેવું છે?

BEST દ્વારા આ વિશે માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે એ બસ કૉન્ટ્રૅક્ટર મેસર્સ એવરી ટ્રાન્સ (ઑલેક્ટ્રા), ધારાવી ડેપોની હતી અને વીર કોતવાલ ઉદ્યાન (દાદર પ્લાઝા)થી ધારાવી ડેપો જઈ રહી હતી. ઘટનાની જણા થતાં BESTના પદાધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. આ બસનો ડ્રાઇવર વિકાસ પાડાવે જાન્યુઆરી ૨૦૨૦ સુધી મેસર્સ SMTATPLમાં ડ્રાઇવર હતો. એ પછી તે મેસર્સ એવરી ટ્રાન્સ (ઑલેક્ટ્રા)માં જોડાયો હતો. વળી તેને આવી બસ ચલાવવાનો સારો એવો અનુભવ હતો. ઘટનાની ગંભીરતા જોતાં BESTએ ચાર સિનિયર ઑફિસરોની કમિટી બનાવીને તેમને આ કેસની તપાસ સોંપી છે. એ ઉપરાંત BEST કમિટીના ચૅરમૅને લીઝ ઑપરેટરોની એક બેઠક બોલાવી હતી જેમાં અકસ્માત ટાળવા અને બસના પૅસેન્જરોની અને સાથે જ રાહદારીઓની સેફ્ટી જાળવવા કડક ચેતવણી આપવામાં આવી હતી.

સાચું કહું તો મારો પણ લીઝ ઑપરેટર્સ પરથી ભરોસો ઊઠી ગયો છે: તૃષ્ણા વિશ્વાસરાવ,  BESTનાં ચૅરપર્સન

દાદરના આ ગોઝારા અકસ્માત બાદ ‘મિડ-ડે’ને BESTનાં ચૅરપર્સન તૃષ્ણા વિશ્વાસરાવે કહ્યું હતું કે ‘સાચું કહું તો વેટ લીઝ ઑપરેટર પરથી મારો પણ ભરોસો ઊઠી ગયો છે. મેં તેમની ઇમર્જન્સી મીટિંગ બોલાવી હતી. મેં તેમને અકસ્માત ન થાય એ માટે અને પૅસેન્જર અને રાહદરીઓની સેફ્ટી જળવાય એ માટે કડક ચેતવણી આપી છે. આવી બેદરકારી ચલાવી નહીં લેવાય. અમે કેસની તપાસ માટે ૪ મેમ્બરની કમિટી બનાવી છે. જોકે સાથે એ પણ નોંધવું જોઈએ કે વેટ લીઝ પરની બસના અકસ્માત વધુ થાય છે, કારણ કે કાફલામાં તેમની બસો વધુ છે. વળી દરેક ડ્રાઇવર ૯ કલાક કામ કરે છે અને એ પછી તેને રેસ્ટ પર મોકલી દેવાય છે. અમે જોયું છે કે કેટલાક વેટ લીઝના ડ્રાઇવર અહીંની જૉબ પતાવ્યા પછી વધારાનું કામ કરે છે અને પ્રાઇવેટ કંપનીની કૅબ ચલાવે છે એને કારણે તેમના થાકમાં વધારો થાય છે. આનું મુખ્ય કારણ એ છે કે તેઓ તેમને BEST જેટલો પગાર આપતા નથી. મેં તેમને કહ્યું છે કે ડ્રાઇવરોને યોગ્ય પગાર આપો જેથી તેમણે વધારાની કમાણી કરવા માટે આવાં કામ ન કરવાં પડે. એ ઉપરાંત અમે નવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) હેઠળ દરેક બસ ડેપોમાંથી નીકળે એ પહેલાં એ BESTની હોય કે વેટ લીઝની હોય એ ચેક કરવામાં આવશે અને દર મહિને અને દર ૩૦,૦૦૦ કિલોમીટર પછી એનું ડીટેઇલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે.’

આ વર્ષે થયેલી બસની દુર્ઘટનાઓ 

૮ જૂન – દાદરમાં પ્લાઝા પાસે બસે અડફેટે લેતાં એકનું મોત, ૩ ઘાયલ
૪ જૂન – મલાડ-ઈસ્ટમાં પાર્ક કરાયેલી કૅબના ડ્રાઇવરને બસે અડફેટે લેતાં મોત
૨૫ મે - પ્રતીક્ષા નગરમાં પાર્ક કરેલી બસમાં આગ ફાટી નીકળી     
૨૧ મે – વર્સોવા લિન્ક રોડ પર ટૂ-વ્હીલર અને રિક્ષાને અડફેટે લીધાં હતાં બસે   
૧૪ મે – અંધેરીમાં બસે અડફેટે લેતાં કન્ડક્ટરનું મોત
૩ મે – કુર્લા ડેપોમાં ખાલી બસમાં આગ લાગી   
૨૬ માર્ચ - વરલીમાં બસ ડિવાઇડર પર ચડી ગઈ
૧૭ ફેબ્રુઆરી -  કાંદિવલીમાં CNG બસમાં આગ લાગી  

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK