બે વર્ષની તપાસ બાદ લેવાયો નિર્ણય, માત્ર ૭૨૦૦ રૂપિયામાં બ્લુ ટિક વેચવાનું ભારે પડ્યું
ઈલૉન મસ્ક
યુરોપિયન યુનિયન (EU)એ ઈલૉન મસ્કના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ૧૨૦ મિલ્યન યુરો (આશરે ૧૨૫૬ કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. બે વર્ષની તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ડિજિટલ સર્વિસિસ ઍક્ટ (DSA)ની ઘણી જોગવાઈઓનું ઍક્સ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
EUની પહેલી નૉન-કમ્પ્લાયન્સ કાર્યવાહી
૨૭ દેશોના બનેલા EUમાં DSA હેઠળ કોઈ પ્લૅટફૉર્મ સામે નૉન-કમ્પ્લાયન્સ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોય એવું પહેલી વાર બન્યું છે. DSA હેઠળ સોશ્યલ મીડિયા કંપનીઓ યુઝર્સની સલામતી, ખોટી માહિતી દૂર કરવા અને ગેરકાયદે સામગ્રી દૂર કરવા માટે જવાબદાર છે. ઉલ્લંઘન માટે ભારે દંડ થાય છે.
ADVERTISEMENT
બ્લુ ટિક વિવાદનું મુખ્ય કારણ
EU કમિશન અનુસાર ઍક્સની બ્લુ ટિક સિસ્ટમ ભ્રામક ડિઝાઇનનો ઉપયોગ કરે છે જેને કારણે છેતરપિંડી અને ખોટી માહિતીનું જોખમ વધી જાય છે. યુનિયનનું કહેવું છે કે અગાઉ બ્લુ ટિક ફક્ત રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને વેરિફાઇડ અકાઉન્ટ્સને જ આપવામાં આવતી હતી; પરંતુ હવે કોઈ પણ ૮ ડૉલર (આશરે ૭૨૦૦ રૂપિયા) ચૂકવીને બેજ મેળવી શકે છે. કમિશને જણાવ્યું હતું કે આ સિસ્ટમ વાસ્તવિક યુઝર્સની ચકાસણી કરતી નથી જેને કારણે નકલી અકાઉન્ટ્સ ઓળખવાનું મુશ્કેલ બને છે.
જાહેરાત ડેટાબેઝમાં પારદર્શિતાનો અભાવ
DSA હેઠળ પ્લૅટફૉર્મ્સે દરેક જાહેરાત વિશેની જાણકારી જેવી કે એના માટે કોણે ચુકવણી કરી અને ટાર્ગેટેડ ઑડિયન્સ કોણ છે જેવી માહિતી જાહેર ડેટાબેઝમાં જાળવી રાખવાની જરૂર છે. જોકે EU જણાવે છે કે ઍક્સનો જાહેરાત ડેટાબેઝ પૂરતી માહિતી આપતો નથી અને અસંખ્ય ટેક્નિકલ અવરોધો રિસર્ચરોને ડેટા ઍક્સેસ કરવાથી અટકાવે છે. આનાથી નકલી જાહેરાતો અને દુષ્પ્રચાર અભિયાનોની ઓળખ કરવી મુશ્કેલ બને છે.
અમેરિકન વાઇસ પ્રેેસિડન્ટનો વિરોધ
આ વિષય પર અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વાન્સે કહ્યું હતું કે EUએ આવી ક્ષુલ્લક બાબતોના મુદ્દે અમેરિકન કંપનીઓ પર હુમલો ન કરીને વાણીસ્વાતંયને સમર્થન આપવું જોઈએ.


