મોબાઇલ અને કૅશ ઉપરાંત ક્યારેક તો ટૂ-વ્હીલર પણ લૂંટી લેતી હતી આ ગૅન્ગ
ઇલસ્ટ્રેશન
ઘાટકોપર પોલીસે મોડી રાતે ચાકુની અણીએ બાઇકરોનાં મોબાઇલ, કૅશ અને ટૂ-વ્હીલર પણ લૂંટીને ફરાર થઈ જતી ત્રિપુટીની ગૅન્ગને ઝડપી લીધી છે અને તેમની પાસેથી કેટલીક લૂંટવામાં આવેલી મતા પણ હસ્તગત કરવામાં આવી છે.
ઘાટકોપર પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ ગૅન્ગનો સૂત્રધાર હુસેન અસલમ મેમણ ઉર્ફે ગેંડા, તેના સાગરીતો મુન્ના રામવિલાસ શર્મા અને દિલશાદુદ્દીન શેખને ઝડપી લેવાયા છે. તેઓ મોડી રાતે ટેમ્પોમાં આંટા મારતા રહેતા અને એકલદોકલ ટૂ-વ્હીલર પર જતી કોઈ વ્યક્તિ દેખાય તો તક ઝડપીને તેને ચાકુની અણીએ લૂંટી લેતા હતા. સોમવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યે ઘાટકોપરના હોમગાર્ડ ટ્રેઇનિંગ સેન્ટર સામે ૨૪ વર્ષના સૂરજ મહાદેવ દેઠેને રોકી તેને ચાકુથી ડરાવી-ધમકાવી તેની સ્કૂટી અને મોબાઇલ લૂંટીને નાસી ગયા હતા. સૂરજ દેઠેએ એથી ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને એની આજુબાજુના CCTV કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરી આખરે એ ત્રણેયને ઝડપી લીધા હતા.’ તપાસ દરમ્યાન હુસેન મેમણે કહ્યું હતું કે ‘તેઓ આ રીતે લૂંટ ચલાવતા અને ટૂ-વ્હીલર ટેમ્પોમાં નાખીને લઈ જતા. ત્યાર બાદ એ ટૂ-વ્હીલરના બધા જ પાર્ટ્સ છૂટા કરી અલગ-અલગ વેચી દેવાતા હતા. હુસેન મેમણ પહેલાં ઘાટકોપરમાં રહેતો હતો અને તેની સામે આ જ પ્રકારના કેસ મુંબઈ અને થાણેમાં આ પહેલાં પણ નોંધાયા હતા.’


