Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈગરાનો આર્થિક ભાર વધારશે સૂર્યદેવ?

મુંબઈગરાનો આર્થિક ભાર વધારશે સૂર્યદેવ?

02 May, 2022 09:34 AM IST | Mumbai
Prakash Bambhrolia

ગરમીને લીધે થઈ રહેલા વીજવપરાશમાં હજી વધારો થશે તો પાવર કંપનીઓ આપણી પાસેથી લાઇટબિલમાં વસૂલવામાં આવતા ફ્યુઅલ ઍડ્જસ્ટમેન્ટ ચાર્જમાં કરશે વધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉનાળો તપી રહ્યો છે ત્યારે મુંબઈમાં પાવરકટની સમસ્યા સામે આવવાથી લોકો પરેશાન થઈ ગયા છે. અચાનક એવું તે શું થઈ ગયું કે પાવર સપ્લાય કરતી કંપનીઓએ પાવરકટ કરવો પડી રહ્યો છે. મુંબઈમાં અચાનક ગરમીમાં વધારો થવાને લીધે વીજળીના વપરાશમાં પણ ધરખમ વધારો થયો છે. સપ્લાયની સામે ડિમાન્ડ વધવાથી શહેરના કેટલાક ભાગમાં વીજળી કટ થઈ રહી છે. રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે કોલાસાની કિંમતમાં ધરખમ વધારો થયો હોવાથી વીજકંપનીઓએ વધારે રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. અત્યારે તો મુંબઈમાં વીજળી સપ્લાય કરતી કંપનીઓ બેસ્ટ, તાતા અને અદાણી ગ્રાહકો પાસેથી ફ્યુઅલ ઍડ્જસ્ટમેન્ટ ચાર્જ (એફએસી) લે છે એનાથી થઈ રહેલું નુકસાન ભરપાઈ કરશે એમ કહી રહી છે. જોકે ઉનાળો પૂરો થવાને હજી દોઢ મહિનો બાકી છે અને વીજળીનો વપરાશ વધી જશે તો મુંબઈગરાઓનાં વીજળીનાં બિલ વધી શકે છે.

મુંબઈમાં બેસ્ટ, તાતા અને અદાણી પાવર કંપનીઓ દરરોજ સરેરાશ ૩૨૦૦થી ૩૩૦૦ મેગાવૉટ વીજળી સપ્લાય કરે છે. જોકે ગુરુવારે અચાનક ૬૦૦ મેગાવૉટ એટલે કે ૧૫ ટકા જેટલો વપરાશમાં વધારો થવાથી મુંબઈનાં કેટલાંક સ્થળોમાં પાવરકટ લાગુ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે પણ દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારમાં પાવરકટ કરવામાં આવ્યો હતો. 



સામાન્ય રીતે મુંબઈમાં પાવરકટ નથી થતો તો અત્યારે અચાનક એવું તે શું બન્યું કે વીજળીની ખેંચ અનુભવાઈ રહી છે? એવા સવાલના જવાબમાં એનર્જી એક્સપર્ટ અશોક પેન્ડસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં તાપમાનમાં વધારો થાય છે ત્યારે વીજળીના વપરાશમાં પણ મોટો ફરક પડે છે. બે ડિગ્રી પારો ઊંચકાય તો ૧૫૦થી ૨૦૦ મેગાવૉટ વીજળીનો વપરાશ વધી જાય. કોરોના મહામારી બાદ મુંબઈ ફરી ધમધમતું થયું છે. સાથે ગરમીમાં પણ વધારો થયો હોવાથી દરરોજ જ્યાં ૩૨૦૦થી ૩૩૦૦ મેગાવૉટ વીજળીની મુંબઈમાં જરૂર રહે છે એની સામે ગુરુવારે ૩૮૦૦ મેગાવૉટ વીજળીની જરૂર પડી હતી. અંદાજે ૧૫ ટકા વીજળીની ખપત અચાનક વધી જવાથી કેટલાક વિસ્તારોમાં પાવરકટ થયો હતો. બીજાં શહેરોની સરખામણીએ મુંબઈની સ્થિતિ જુદી છે. અહીં સૌથી વધુ વીજળીનો વપરાશ ઑફિસ અને શૉપિંગ મૉલ્સમાં થાય છે. સવારના ૧૧ વાગ્યાથી સાંજના સાડાપાંચ વાગ્યા દરમ્યાન મોટા પ્રમાણમાં ઍરકન્ડિશનરો ચાલતાં હોવાથી સૌથી વધુ વીજળી અહીં ખર્ચાય છે. એક-બે કલાક નહીં પણ છ કલાક સતત ઍરકન્ડિશનરો ચાલતાં હોય છે. અહીં જ આખા દિવસની સરેરાશ વીજળીનો વપરાશ થઈ જતો હોવાથી વીજળી પૂરી પાડતી કંપનીઓ પાસે પાવર જ ન રહેતો હોવાથી તેમણે કેટલાક વિસ્તારમાં પાવરકટ કરવો પડે છે.’


બિલમાં વધારો થશે?
મુંબઈમાં વીજળી પૂરી પાડતી કંપનીઓ બેસ્ટ, તાતા અને અદાણી પાવર ૧૭૦૦ મેગાવૉટ વીજળી મુંબઈ અને આસપાસમાંથી મેળવે છે, જ્યારે બાકીની ૧૨૦૦થી ૧૫૦૦ કે એથી વધુ મેગાવૉટ વીજળી અન્ય કંપનીઓ પાસેથી ખરીદીને સપ્લાય કરે છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં કોલાસાના ભાવમાં વધઘટ થતી હોય છે એ ઍડ્જસ્ટ કરવા માટે વીજળી કંપનીઓ ફ્યુઅલ ઍડ્જસ્ટમેન્ટ ચાર્જ ગ્રાહકો પાસેથી લે છે. આ વિશે અશોક પેન્ડસેએ કહ્યું હતું કે ‘બેસ્ટ, તાતા કે અદાણી પાવર જેવી મુંબઈમાં વીજળી સપ્લાય કરતી કંપનીઓ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ ઍડ્જસ્ટમેન્ટ ચાર્જના રૂપમાં અમુક રકમ ગ્રાહકો પાસેથી દર મહિને લે છે. અત્યારે તેઓ કહી રહ્યા છે કે વીજળીના યુનિટના વધેલા ભાવ સાથે તેઓ ઍડ્જસ્ટ કરી લેશે એટલે વીજળીના બિલમાં વધારો નહીં કરે. જોકે તેમણે વીજળી ખરીદવા માટે વધુ રૂપિયા આપવા પડશે તો ભવિષ્યમાં આ બોજો ગ્રાહકના માથે નાખી શકે છે.’

હાલત કફોડી બની શકે
પાવર એક્સપર્ટ અશોક પેન્ડસેએ અત્યારની સ્થિતિ વિશે ઉમેર્યું હતું કે ‘મુંબઈમાં વીજળી સપ્લાય કરવાની ટ્રાન્સમિશન સિસ્ટમ બાબા આદમના જમાનાની છે. કંપનીઓ મેઇન્ટેનન્સ નથી કરતી અને ટેક્નૉલૉજી ઉપલબ્ધ હોવા છતાં એનો ઉપયોગ નથી કરતી. ટ્રાન્સમિશનને મજબૂત નહીં બનાવાય તો મુંબઈમાં ગમે ત્યારે અંધારપટ છવાઈ શકે છે. સરકાર અને વીજળી કંપનીઓએ મુંબઈ માટે ટ્રાન્સમિશનની નવી સિસ્ટમ ડેવલપ કરવાની સખત જરૂર છે. રાજ્ય સરકાર અને વીજળી કંપનીઓએ આના પર ગંભીરતાથી વિચાર કરવો પડશે. અત્યારે જ્યાં ૩૨૦૦ કે ૩૩૦૦ મેગાવૉટની શહેરમાં જરૂર પડી રહી છે એની સામે મે મહિનામાં અને જૂનનાં બે અઠવાડિયાંમાં ગરમીમાં વધારો થશે ત્યારે ૪૦૦૦થી ૪૨૦૦ મેગાવૉટ વીજળીની જરૂરિયાત ઊભી થશે ત્યારે હાલત કફોડી બની શકે છે.’


લેવાલ અનેક, વેચનાર કોઈ નહીં
આપણા નેતાઓ કહે છે કે હવે આપણે વીજળીના મામલે સધ્ધર થયા છીએ, પણ હકીકત જુદી છે. આજે દેશનાં ૧૫ રાજ્યોમાં વીજળીના અભાવે લોડશેડિંગ કરાઈ રહ્યું છે. આ વિશે અશોક પેન્ડસેએ કહ્યું હતું કે ‘વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓ પહેલાં યુનિટદીઠ ૨૦ રૂપિયા ચાર્જ કરતી હતી. વધુ ભાવની ફરિયાદ મળ્યા બાદ વીજળીના સેન્ટ્રલ બોર્ડે યુનિટનો ભાવ ૧૨ રૂપિયા કરી નાખ્યો હતો. મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં વીજળીની કમી વર્તાવા લાગતાં એમણે સામે ચાલીને વીજળી બનાવતી કંપનીઓને ૧૫ રૂપિયા પ્રતિ યુનિટ આપવાના કરાર કરીને બે-ત્રણ મહિના માટેનો વીજળીનો સ્ટૉક કરી લીધો. આને લીધે સ્થિતિ એવી ઊભી થઈ છે કે કોઈ કંપની પાસે આજે વીજળી નથી અને લેનારા અનેક છે. ગુરુવારે મહારાષ્ટ્રે ૬૦૦૦ મેગાવૉટ વીજળી બહારથી ખરીદવી હતી, પરંતુ એના હિસ્સામાં ૧૮૦૦ મેગાવૉટ જ આવી હતી. આને લીધે મુંબઈ સહિત રાજ્યના અનેક ભાગમાં પાવરકટ થઈ રહ્યો છે.’


પાવર કંપનીએ ચોરી કરનારાને પકડીને ૫૦૦ મેગાવૉટ પાવર બચાવાયો
રાજ્ય પાવરની ગંભીર તંગી અનુભવી રહ્યું છે ત્યારે રાજ્યની મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ ગયા મહિનાના મધ્યમાં પાવરની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. વીજળીના વાયર સાથે લોખંડના હુક લટકાવીને લોકો ગેરકાયદે વીજળી મેળવતા હોવાનું ધ્યાનમાં આવતાં કંપનીએ આવા ૪૬,૦૦૦ હુક દૂર કરીને ૫૦૦ મેગાવૉટ વીજળી બચાવી હોવાનું જાણવા મળ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2022 09:34 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK