ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીપ્રચારમાં એકનાથ શિંદેને ગદ્દાર ગણાવીને મતદારોને આકર્ષિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભાની બુધવારે યોજાયેલી ચૂંટણીમાં પહેલી વખત ઉદ્ધવ ઠાકરેની શિવસેના સામે એકનાથ શિંદેની શિવસેનાની સામસામે લડાઈ થઈ હતી. રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકમાંથી ૬૦ બેઠક પર બન્ને શિવસેનાનો મુકાબલો છે. આથી આ બેઠકો પર જે બાજી મારશે એના પરથી અસલી શિવસેના કઈ છે એ નક્કી થશે.
૬૦ બેઠકોમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની ૧૯, મુંબઈ ટાઉન અને સબર્બ્સની ૧૧, મરાઠવાડાની ૮, કોંકણની ૮, વિદર્ભની ૬, ઉત્તર મહારાષ્ટ્રની ૪ અને પશ્ચિમ મહારાષ્ટ્રની ૪ બેઠકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આગામી સરકારની સ્થાપનામાં સોદાબાજીની નજરે જોઈએ તો ૬૦ બેઠકમાં એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરેમાંથી જેમનો હાથ ઉપર રહેશે તેઓ વધુ પદ મેળવવાનો પ્રયાસ કરશે. બીજું, મુંબઈમાં જે શિવસેનાની બેઠકો વધુ હશે એનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આગામી ચૂંટણી માટે મહત્ત્વ વધશે.
ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીપ્રચારમાં એકનાથ શિંદેને ગદ્દાર ગણાવીને મતદારોને આકર્ષિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો તો એકનાથ શિંદેએ કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબના હિન્દુત્વના વિચાર ત્યજી દઈને હિન્દુઓને તરછોડી દેવાની સાથે અપમાન કર્યું હોવાનું કહીને શિવસૈનિકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થઈ જશે એટલે શિવસૈનિકો કઈ શિવસેનાને સાચી માને છે એનો ફેંસલો થઈ જશે.