પેલાએ શરીર સંબંધના ફોટો પાડી લીધા અને પૈસા પડાવ્યા
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટના સાંઈનાથનગરમાં રહેતી ૪૦ વર્ષની એક મહિલા સાથેના પ્રાઇવેટ ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવનાર ૩૧ વર્ષના નદીમ ઇનામદાર સામે ઘાટકોપર પોલીસે રવિવારે ફરિયાદ નોંધી છે. બ્યુટી-પાર્લર ચલાવતી મહિલા પાસે નદીમ આયુર્વેદિક બ્યુટી-પ્રોડક્ટ વેચવાનું કામ કરતો હતો. નદીમે સારો પર્ફોર્મન્સ આપીને મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો અને તેની સાથે પ્રેમનું નાટક કરી શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે એ સમયે તેણે મહિલા સાથે મોબાઇલમાં પ્રાઇવેટ ફોટો પાડી લીધા હતા. એ પછી ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને ૪૫,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. એ પછી સતત પૈસાની માગણી કરતાં મહિલાએ તેના પતિને ઘટનાની જાણ કરી હતી અને એ પછી ઘાટકોપર-પોલીસે ફરિયાદ નોંધી હતી.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરના સાંઈનાથનગરમાં રહીને બ્યુટી-પાર્લર ચલાવતી એક મહિલાને આયુર્વેદિક બ્યુટી-પ્રોડક્ટ વેચવા માટે માણસની જરૂર હતી. એ દરમ્યાન ૨૦૨૪માં પોતાની પાસે નોકરી કરતી એક યુવતીના ભાઈ નદીમને તેણે નોકરીએ રાખ્યો હતો. નદીમે ટૂંક સમયમાં સારો પર્ફોર્મન્સ દેખાડી ઘણી પ્રોડક્ટ વેચી આપી હતી. એ ઉપરાંત મહિલાના ઘરકામમાં પણ તે મદદ કરતો હોવાથી મહિલા તેના ઘરની અંગત વાતો નદીમ સાથે શૅર કરવા માંડી હતી. થોડા સમયમાં બન્ને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. જોકે એ વખતે નદીમે તેના ફોનમાં મહિલા સાથેના અંગત ફોટો પાડી લીધા હતા. સપ્ટેમ્બરના અંતમાં નદીમે મહિલા પાસે પહેલી વાર ૨૫,૦૦૦ રૂપિયા માગ્યા હતા, પણ મહિલાએ પૈસા આપવાની ના પાડતાં નદીમે તેને વૉટ્સઍપ પર અંગત ફોટો મોકલીને વાઇરલ કરવાની ધમકી આપી હતી. જોકે ત્યારે ગભરાઈ ગયેલી મહિલાએ ૨૫,૦૦૦ રૂપિયા આપી દીધા હતા. થોડા સમય પાછી પાછા ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરતાં મહિલાએ આપવાનો ઇનકાર કરતાં નદીમે તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયા પડાવી લીધા હતા. એ પછી પણ નદીમે એક વાર ૧૦,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. જોકે નદીમે ત્યાર બાદ પણ વારંવાર પૈસાની માગણી કરતાં શનિવારે રાતે મહિલાએ પતિને ઘટનાની જાણ કરી હતી. એ પછી મહિલાએ નદીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ વધુ માહિતી જાણવા મળશે.’


