ખાર રાખીને બીજા દિવસે ઘાટકોપર સ્ટેશન પર ટિટવાલાના યુવાનની હત્યા, સગીર આરોપી અને તેનો ભાઈ પકડાયા
પ્રતીકાત્મક તસવીર
ટ્રેનમાં સીટને લઈને થયેલી મચમચમાં ઘાટકોપર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ચાર પર ૧૫ નવેમ્બરે એક યુવાન પર ચાકુથી હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. એ ઘટનામાં કુર્લા રેલવે પોલીસે હત્યા કરનાર ૧૬ વર્ષના સગીર અને તેના ભાઈને બુધવારે પકડ્યા હતા. સગીરને બાળસુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો, જ્યારે પુરાવા છુપાવવા બદલ તેના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી.
ટિટવાલામાં રહેતા અંકુશ ભગવાન ભાલેરાવે ૧૪ નવેમ્બરે સવારના ઘાટકોપર જવા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જતી ફાસ્ટ લોકલ પકડી હતી. ટ્રેનમાં સીટને લઈને તેનો સગીર આરોપી સાથે ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈને અંકુશે એ વખતે સગીરને લાફો મારી દીધો હતો. એ બાબતનો ખાર સગીરે રાખ્યો હતો.
ADVERTISEMENT
બીજા દિવસે ૧૫ નવેમ્બરે અંકુશે ઘાટકોપર જવા એ જ ટ્રેન પકડી હતી. તે ઘાટકોપર ઊતરીને પ્લૅટફૉર્મ પર ચાલી રહ્યો હતો ત્યારે સગીરે તેના પર ચાકુથી હુમલો કરીને આડેધડ વાર કર્યા હતા અને નાસી ગયો હતો. લોહી નીકળતી હાલતમાં અંકુશને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. એ પછી આ બાબતે કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં કેસ નોંધાતાં પોલીસે તપાસ ચાલુ કરી હતી.
કુર્લા GRP ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસીને આખરે સગીર આરોપી અને તેના ભાઈ સુધી પહોંચી હતી અને તેમની ધરપકડ કરી હતી. સગીર આરોપીએ કબૂલ કર્યું હતું કે તેણે અંકુશની હત્યા કરી હતી અને પછી ચાકુ તેણે તેના ઘરની છત પર છુપાવી દીધું હતું તથા ઓળખ છુપાવવા વાળ પણ કપાવી નાખ્યા હતા. પુરાવા છુપાવવા બદલ પોલીસે સગીર આરોપીના ભાઈની ધરપકડ કરી હતી, જ્યારે સગીર આરોપીને બાળસુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે.