મમ્મી-પપ્પાને મારતા માનસિક રીતે અક્ષમ દીકરાને પાડોશીઓએ બાંધી દીધો ત્યારે તેને જીવલેણ હાર્ટ-અટૅક આવી ગયો
મુલુંડનો લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સ અને જે બિલ્ડિંગમાં ઘટના બની હતી એ B-2 ટાવર.
મુલુંડ-વેસ્ટના લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સના B-2 ટાવરમાં ત્રીજા માળે રહેતા માનસિક રીતે બીમાર જસવિન્દર સિંહે શુક્રવારે ઉશ્કેરાઈને પોતાનાં માતા-પિતા પર હુમલો કર્યા હતો. જોકે એ વખતે બચાવ માટે જસવિન્દરને બાંધી રાખવામાં આવતાં તેને હાર્ટ-અટૅક આવ્યો હતો જેમાં તેનું મોત થયું હતું. આ મામલે મુલુંડ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લાં ૧૭ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા ૩૭ વર્ષના જસવિન્દરે શુક્રવારે સવારે તેનાં મમ્મી-પપ્પા પર હુમલો કર્યો હતો જેમાં બૂમાબૂમ થતાં સોસાયટીમાં રહેતા લોકો મદદે દોડી આવ્યા હતા. તેમણે જસવિન્દરનાં મમ્મી-પપ્પાને બચાવવામાં મદદ કરીને જસવિન્દરને દોરડી વડે બાંધી દીધો હતો. એ પછી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે જસવિન્દરનું મૃત્યુ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આ કૉમ્પ્લેક્સમાં મોટા ભાગના ગુજરાતી-કચ્છી પરિવાર રહે છે જે મુલુંડનો પ્રીમિયમ અને શાંત કૉમ્પ્લેક્સમાંનો એક ગણાય છે.
મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે પોલીસ કન્ટ્રોલ પર લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સના B-2 ટાવરમાં મારઝૂડ થતી હોવાનો કૉલ આવતાં અમારા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે એક યુવકને બાંધી રાખવામાં આવ્યો હતો. ચેક કરવામાં આવતાં તેનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી. એ પછી તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરે યુવકને હાર્ટ-અટૅક આવતાં તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ મામલે વધુ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે જસવિન્દર સિંહની માનસિક હાલત ખરાબ હતી જેને કારણે ઉશ્કેરાઈને તે અવારનવાર મમ્મી-પપ્પા પર હુમલો કરતો હતો. શુક્રવારે સવારે પણ તેણે મમ્મી-પપ્પા પર હુમલો કર્યો હતો. જોકે એ વખતે તેનાં મમ્મી-પપ્પાની બચાવો-બચાવોની બૂમ સાંભળીને પાડોશીઓ તેમની મદદે દોડી ગયા હતા અને જસવિન્દરને પકડીને સોફા સાથે બાંધી દીધો હતો. દરમ્યાન જસવિન્દરનું શુગર-લેવલ વધતાં તેને હાર્ટ-અટૅક આવી ગયો જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ બાદ વધુ માહિતી ક્લિયર થશે. આ કેસમાં હાલમાં અમે આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે.’


