ફુટપાથ પર બાઇક દોડાવીને રાહદારીઓને કનડતા યુવાનને ખખડાવી નાખ્યો ૭૨ વર્ષનાં સુષમા જોશીએ; કહ્યું કે કોલ્હાપુરી ચંપલ જેટલો જ પાવર છે મારાં શૂઝમાં, એનો સ્વાદ ચાખવા કરતાં નિયમોનું પાલન કરતાં શીખી જા
બોરીવલી-વેસ્ટમાં જાંબલી ગલીની ફુટપાથ પર બાઇક દોડાવતા ગઠિયાનો રસ્તો રોકીને સુષમા જોશીએ તેને પાઠ ભણાવ્યો હતો. તસવીર : નિમેશ દવે
રસ્તા પર જ નહીં પણ ફુટપાથ પર પણ બેફામ બાઇક ચલાવનારા લોકોનું દૂષણ વધતું જાય છે એની સામે મોટા ભાગના લોકો કંઈ બોલતા નથી ત્યારે બોરીવલીના શિંપોલીમાં રહેતાં ૭૨ વર્ષનાં સુષમા જોશીએ આવા એક બાઇકરને સીધોદોર કરીને હિંમતનો પરચો આપ્યો છે.
બોરીવલીની જાંબલી ગલીમાંથી પસાર થતાં અમુક વાર તેમણે જોયું હતું કે નજીકની દુકાનોના ડિલિવરીબૉય ફુટપાથ પરથી બાઇક દોડાવીને જાય છે એને લીધે ફુટપાથ પરથી ચાલતા રાહદારીઓ માટે મુસીબત ઊભી થાય છે. તાજેતરમાં સાંકડી ફુટપાથ પર સ્પીડમાં બાઇક દોડાવતો બાઇકર કોઈને અડફેટે લઈને ઈજા ન પહોંચાડે એટલે સુષમાબહેન પોતે જ એ બાઇકરનો રસ્તો રોકીને ઊભાં રહી ગયાં હતાં એટલું જ નહીં, તેમણે કડક શબ્દોમાં બાઇકરને ખખડાવતાં કહી દીધું, ‘આ રસ્તો રાહદારીઓ માટે છે, બાઇક ચલાવવા માટે નથી. વારંવાર તમને કહેવામાં આવે છે પણ તમે સુધરતા નથી. કોલ્હાપુરી ચંપલ જેટલો જ પાવર છે મારાં શૂઝમાં. એનો સ્વાદ ચાખવા કરતાં નિયમનું પાલન કરતાં શીખી જા.’
ADVERTISEMENT
સુષમાબહેને કડક ભાષામાં આપેલી આ ચેતવણીને લીધે કદાચ હવે તે બાઇકર આવી હરકત કરવાની હિંમત ક્યારેય નહીં કરે. આવાં જાગ્રત નાગરિકને સલામ.
- નિમેશ દવે


