પોલીસે પરવાનગી ન આપી તો પણ ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, શરદ પવાર અને કૉન્ગ્રેસના નેતાઓએ ભેગા થઈને BJP પર પ્રહાર કર્યા; BJPએ વિપક્ષ પર ફેક નૅરેટિવ ફેલાવવાનો આરોપ મૂક્યો
ગઈ કાલે ‘સત્યાચા મોર્ચા’માં MNS અને MVAના હજારો કાર્યકરો ઊમટ્યા હતા. BMC હેડક્વૉર્ટર્સ પાસે સભાસ્થળે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, શરદ પવાર, બાળાસાહેબ થોરાત અને જયંત પાટીલ સહિત વિપક્ષના અગ્રણી નેતાઓ એક સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા.(તસવીરો : આશિષ રાજે, અતુલ કાંબળે)
કૉન્ગ્રેસ, શિવસેના (UBT) અને NCP (SP)ના ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA)એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે મળીને ગઈ કાલે મુંબઈમાં વિશાળ ‘સત્યાચા મોર્ચા’નું આયોજન કર્યું હતું. તેમણે મતદારયાદીમાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાઓ હોવાના આરોપ સાથે આ વિરોધ-મોરચો યોજ્યો હતો અને આ ગેરરીતિઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને મદદ કરી રહી હોવાનો દાવો પણ કર્યો હતો. વિપક્ષોના આ સહિયારા મોરચામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટ્યા હતા.
મતદારયાદીમાં એકથી વધુ એન્ટ્રીઓ, ખોટી રીતે કાઢી નાખવામાં આવેલાં કે ઉમેરવામાં આવેલાં નામો જેવી અનેક ફરિયાદો સામે ચૂંટણીપંચ આંખ આડા કાન કરતું હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો હતો.
ADVERTISEMENT
વિપક્ષોનો આ મોરચો ફૅશન સ્ટ્રીટથી બપોરે એક વાગ્યે શરૂ થયો હતો અને મેટ્રો સિનેમા પાસેથી પસાર થઈને BMCના મુખ્યાલય તરફ આગળ વધ્યો હતો. BMCના મુખ્યાલય પાસે એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જ્યાં વિપક્ષના બધા પક્ષોના નેતાઓએ ભાષણ આપ્યું હતું. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, MNS-પ્રમુખ રાજ ઠાકરે, NCP (SP)ના સુપ્રીમો શરદ પવાર, સંસદસભ્ય સુપ્રિયા સુળે, કૉન્ગ્રેસના નેતા બાળાસાહેબ થોરાત, જયંત પાટીલ અને અનેક નેતાઓ આ મોરચામાં સામેલ થયાં હતાં.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઈ કાલે વિપક્ષોના સંયુક્ત મોરચામાં ભાગ લેવા માટે દાદરથી ચર્ચગેટ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ કારણે થોડી વાર માટે સ્ટેશન પર અને ટ્રેનની અંદર ભારે ઊહાપોહ અને રાજના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ ઠાકરે સહિત MNSના ૫૦ જેટલા નેતાઓએ લોકલ ટ્રેનમાં ટિકિટ કઢાવીને પ્રવાસ કર્યો હતો. તેમણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવી હતી.
આ ઘટનાને કારણે વેસ્ટર્ન લાઇન પરનાં કેટલાંક સ્ટેશનો પર મુસાફરો અને MNSના સમર્થકોની ભારે ભીડ જામી હતી. દાદરમાં ઉત્સાહી મુસાફરો રાજ ઠાકરેને મળવા ઊમટી પડ્યા હતા. કેટલાકે તેમનો ઑટોગ્રાફ લીધો હતો. ભીડ-નિયંત્રણ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ ઠાકરેના આગમન પહેલાં ચર્ચગેટ સ્ટેશન પર ભારે પોલીસ-બંદોબસ્ત જોવા મળ્યો હતો.

શું બોલ્યા રાજ ઠાકરે?
મુંબઈમાં લાખો ડબલ મતદારો છે. તમે બધા એની ઝીણવટપૂર્વક તપાસ કરજો.
જ્યાં પણ ડબલ મતદાર મળે, પહેલાં તેની પીટાઈ કરજો અને પછી તેને પોલીસને આપી દેજો.
કલ્યાણ ગ્રામીણ વિધાનસભામાં અને મલબાર હિલ વિધાનસભામાં લગભગ ૪૫૦૦ બોગસ મતદારોએ મતદાન કર્યું છે. આ બોગસ મતદારયાદી સાથે ચૂંટણીની શી જરૂર છે? આ યાદીને સુધારી લો અને એ પછી જ ઇલેક્શન કરાવો.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પાંચ વર્ષથી તો પાછી ઠેલાઈ જ છે. એમાં વધુ એક વર્ષ થશે તો કોઈ સમસ્યા નથી.


વિરોધ પક્ષોના કાર્યકરોએ ગઈ કાલના મોરચામાં EVMનું પ્રતીકાત્મક પિંડદાન કર્યું હતું અને મતદારયાદી સાથે સ્મશાનયાત્રા પણ કાઢી હતી.
શું બોલ્યા ઉદ્ધવ ઠાકરે?
પચીસ કોસ દૂર જબ બચ્ચા રોતા હૈ તો મા કહતી હૈ, સો જાઓ, નહીં તો ગબ્બર આ જાએગા...આ ડાયલૉગની જેમ હું પણ તમને બધાને કહેવા માગું છું કે જાગતા રહેજો, નહીંતર ઍનાકૉન્ડા આવી જશે.
વિપક્ષ ઇચ્છે છે કે ચૂંટણી થાય, કારણ કે અમે સત્તાધારી ગઠબંધનને હરાવવા માટે ઉત્સુક છીએ.
તમે મારી પાર્ટી, પાર્ટીનું સિમ્બૉલ, મારા પિતાનું નામ બધું ચોરી લીધું અને હવે તમે મતચોરી કરવા માગો છો.
હું અને રાજ મરાઠી હિન્દુઓ અને મહારાષ્ટ્રની જનતા માટે સાથે આવ્યા છીએ.
શું બોલ્યા શરદ પવાર?
સંયુક્ત મહારાષ્ટ્રનો મોરચો વિશિષ્ટ હતો. એ પછી આજના આ મોરચામાં એવી જબરદસ્ત એકતા જોવા મળી રહી છે.
પાછલા સમયમાં જે રીતે ચૂંટણીઓ થઈ છે, એમાં સામાન્ય નાગરિકનો સંસદીય લોકશાહી પરનો વિશ્વાસ ડગમગી ગયો છે.
વિચારધારા જુદી હોય, રાજકીય મતભેદ હોય; પણ જો દેશની સંસદીય લોકશાહી ટકાવી રાખવી હશે, મતનો અધિકાર ટકાવી રાખવો હશે તો તમારે અને મારે એક થવું પડશે.
વિપક્ષોના સત્યાચા મોર્ચા...

ગરમ રાજકીય માહોલમાં ચાંપતો પોલીસ-બંદોબસ્ત
વિપક્ષોના આ મોરચા માટે પોલીસે શનિવારે સાંજ સુધી પરવાનગી આપી નહોતી. જોકે પોલીસની પરવાનગી વગર પણ વિપક્ષોએ મોરચો કાઢ્યો હતો. તેમની સામે BJPના નેતાઓએ પણ મૌન વિરોધ-પ્રદર્શન યોજ્યું હતું. આ કારણે ગઈ કાલે શહેરનો રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો. આ સ્થિતિમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે મુંબઈ પોલીસે ૩૫૦થી વધારે પોલીસ-જવાનો અને ૭૦થી વધારે અધિકારીઓને તહેનાત કરી દીધા હતા. આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના ૮૦ અધિકારીઓ સાથેની ચાર પ્લૅટૂનને પણ તહેનાત રાખવામાં આવી હતી.


