પવઈના સ્ટુડિયોમાં રોહિત આર્યનો સામનો કરનાર ૭૫ વર્ષનાં મંગલ પાટણકર કહે છે...
પુણેમાં અંતિમ સંસ્કાર રોહિત આર્યના અંતિમ સંસ્કાર ગઈ કાલે પુણેમાં કરવામાં આવ્યા હતા.
૭૫ વર્ષનાં મંગલ પાટણકર કોલ્હાપુરથી એક વેબ-સિરીઝના ઑડિશન માટે તેમની દોહિત્રીને લઈને મુંબઈ આવ્યાં ત્યારે તેમણે એટલું જ ધાર્યું હતું કે સેટ પર થોડા નર્વસ કલાકો પસાર કરવા પડશે. પવઈના રા સ્ટુડિયોમાં રોહિત આર્યએ મચાવેલા આતંકનો સામનો કરવો પડશે એવી તો તેમણે કલ્પના પણ નહોતી કરી. તેમને માથા અને હાથ પર ઈજા થઈ હોવાથી અત્યારે તેઓ પવઈની હૉસ્પિટલમાં છે.
દાદી મંગલ પાટણકરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘તે ધીમેથી વાત કરતો હતો. તેણે પેરન્ટ્સને પણ ગોળી મારવાની ધમકી આપી હતી. તેણે ૪ બાળકોના પેરન્ટ્સને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે જો તેઓ તેમનાં બાળકોને જીવતાં જોવા માગતા હોય તો એક કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે.’
ADVERTISEMENT
એ દિવસે બધું વિચિત્ર હતું, કોઈ સ્ક્રિપ્ટ નહોતી કે કોઈ દિશા નહોતી એવું જણાવતાં મંગલ પાટણકરે કહ્યું હતું કે એ લોકોએ ફક્ત બાળકોને નાચવાનું, રમવાનું અને ખાવાનું કહ્યું હતું. પ્રિયંકા નામની એક યુવતી હતી, પણ તે કોઈ પ્રશ્નોના જવાબ નહોતી આપતી. બારીઓ પર કાળા પડદા લગાવેલા હતા. મંગલ પાટણકરે પડદાનો એક ખૂણો ફાડી નાખ્યો હતો. તેમને દેખાયું કે બહાર માતા-પિતા રડતાં હતાં, જાણે કોઈ મરી ગયું હોય. તેમણે તેમની દીકરીને ફોન કર્યો અને જણાવ્યું કે બાળકો સલામત છે.
મંગલ પાટણકરે પ્રિયંકાને ફોટો પાડી આપવા કહ્યું, જેથી તેઓ તેમની દીકરીને એ મોકલીને આશ્વાસન આપી શકે. જોકે પ્રિયંકા પહેલાં ખચકાઈ, પણ પછી માની ગઈ. મંગલ પાટણકરે કહ્યું હતું કે મેં બાળકોને સમજાવ્યું કે ડરતાં નહીં, શૂટિંગ હજી પણ ચાલુ છે.
મંગલ પાટણકરને પછી ખબર પડી કે આર્ય પાસે કેરોસીનનો ડબ્બો અને ફટાકડાની થેલી છે. તેમણે જણાવ્યું હતું કે તે વેબ-સિરીઝ દ્વારા બે કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે બડબડાટ કરી રહ્યો હતો. પોલીસે સ્ટુડિયો પર હુમલો કર્યો ત્યારે મંગલ પાટણકરને ચક્કર આવવા લાગ્યાં અને કાચ તૂટી જતાં તેઓ પડી ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે તે લોકોએ બાળકોને લાઇનમાં બહાર કાઢ્યાં ત્યારે જ અમને સમજાયું કે અમે ખરેખર કેવી મુસીબતમાંથી બચીને બહાર આવ્યાં હતાં.


