કન્સ્ટ્રક્શન-સાઇટ્સને સ્ટૉપ વર્કની નોટિસ આપવાનું હાલપૂરતું મુલતવી રાખ્યું BMCએ
BMC ભલે કહે કે હવાની ગુણવત્તા સુધરી છે, પણ ગઈ કાલે મરીન ડ્રાઇવ પરનું વાતાવરણ કંઈક જુદી જ હકીકત બયાન કરી રહ્યું હતું. તસવીર : આશિષ રાજે
મુંબઈનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) કથળી રહ્યો હતો અને જોખમી બની રહ્યો હતો એટલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ બાબતે પગલાં લેવાની શરૂઆત કરી હતી. એ પછી જે જગ્યાએ ઍર-પૉલ્યુશનને લગતી ગાઇડલાઇન ફૉલો ન થતી હોય કે નિયમો ન પાળવામાં આવતા હોય એવી કન્સ્ટ્રક્શન સાઇટ્સને સ્ટૉપ વર્ક નોટિસ મોકલાવવાનું ચાલુ કર્યું હતું. એટલું જ નહીં, આ માટે કાયદાકીય જોગવાઈ ધરાવતાં સ્ટ્રિક્ટ પગલાંના ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન સ્ટેજ–4 (GRAP-4)ને પણ અમલમાં મૂકવાનું વિચારાઈ ગયું હતું. જોકે ગઈ કાલે BMC કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે ‘ઍર-પૉલ્યુશન ખાળવા ૨૬ નવેમ્બરથી અનેક પગલાં લેવાયાં હોવાથી મુંબઈની ઍર-ક્વૉલિટીમાં સુધારો થયો છે. એથી હવે GRAP-4 જેવાં કડક પગલાં હાલ લેવાં જરૂર નથી. એમ છતાં ઑફિસરોને કહેવામાં આવ્યું છે કે હાલ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન સાઇટ અને સરકારી અને નૉન-સરકારી પ્રોજેક્ટ પર પણ જો ૨૮ પૉઇન્ટની ડસ્ટ ઍન્ડ મિટિગેશન ગાઇડલાઇન ફૉલો ન કરવામાં આવે તો તેમની સામે કડક પગલાં લેવાં.’
BMC દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલી પ્રેસ-રિલીઝમાં કહેવાયું છે કે પવનની ઝડપ વધી છે અને એ ઉપરાંત નિયમો ન પાળતી કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ મોકલવાને લીધે, પાણીનો છંટકાવ કરવાને લીધે, રોડ ધોવાને લીધે, અવેરનેસ ડ્રાઇવને લીધે અને ખાસ તો બેકરી અને સ્મશાનગૃહોમાં લાકડાંનો ઉપયોગ ટાળવા જેવાં પગલાં લેવાથી મુંબઈનો AQI છેલ્લા ૪૮ કલાકમાં સુધર્યો છે. ૨૮ નવેમ્બર પહેલાં પવન ફક્ત ત્રણથી ૪ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. વળી એ વખતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ બહુ જ હતું. હવે પવનની ગતિ વધી છે અને એ ૧૦-૧૮ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે એથી ઍર-પૉલ્યુશનમાં ઘટાડો નોંધાયો છે.


