૧૫ લોકોને કાટમાળમાંથી બચાવવામાં આવ્યા
તસવીર સૌજન્ય : મિડ-ડે ફોટોગ્રાફર્સ
બાંદરા-ઈસ્ટમાં ભારતનગરમાં આવેલી ચાલી નંબર-૩૭નું ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું. શુક્રવારે સવારે ૫.૫૬ વાગ્યે નમાજ કમિટી મસ્જિદ પાસેના આ બિલ્ડિંગના એક ઘરમાં ગૅસનું સિલિન્ડર બ્લાસ્ટ થવાને લીધે બિલ્ડિંગનો મોટો હિસ્સો પડી ગયો હતો. એના કાટમાળ નીચે ફસાયેલા ૧૫ લોકોને ફાયર-બ્રિગેડે બચાવીને બહાર કાઢ્યા હતા. બિલ્ડિંગના અમુક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે ઍર-કન્ડિશન્ડ (AC)ના કૉમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાને કારણે આ દુર્ઘટના બની હતી. જોકે ફાયર-બ્રિગેડના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે ગૅસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને લીધે બિલ્ડિંગ પડી ગયું હતું.
વહેલી સવારે બે માળનું સિમેન્ટનાં પતરાંવાળું બિલ્ડિંગ અચાનક ધડાકાભેર ધસી પડ્યું હતું. નાસભાગ અને ચીસાચીસ વચ્ચે કાટમાળમાં દટાયેલા લોકોની મદદ માટેની બૂમો સંભળાઈ હતી. બચાવ-કામગીરી દરમ્યાન કુલ ૧૫ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. એમાં ૭ પુરુષ, ૭ મહિલા અને ૮ વર્ષના એક બાળકનો સમાવેશ થાય છે. ૧૨ લોકોને ભાભા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રેહાના અને મોહમ્મદ અન્સારી નામની બે વ્યક્તિઓનું શરીર સિલિન્ડર-બ્લાસ્ટ થતાં ૫૦ ટકા દાઝી ગયું હતું એટલે તેમને ભાભા હૉસ્પિટલમાંથી KEM હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ મુંબઈ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનાં ડેપ્યુટી ચીફ ઑફિસર નીલિમા હુંબરેએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
મોડી રાત સુધી બિલ્ડિંગનો કાટમાળ હટાવવાનું કામ ચાલુ હતું. આ બિલ્ડિંગ ભયજનક બિલ્ડિંગની કૅટેગરીમાં હતું કે નહીં એની તપાસ ચાલી રહી હોવાનું નીલિમા હુંબરેએ કહ્યું હતું.

