BJPએ દાવો કર્યો હતો કે વિપક્ષો મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલાં ફેક નૅરેટિવ્ઝ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વિરોધ પક્ષોના મોરચાના વિરોધમાં BJPના નેતાઓ અને કાર્યકરોએ ગઈ કાલે ગિરગામ ચોપાટી પાસે મૌન વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
મહા વિકાસ આઘાડી (MVA)ના ‘સત્યચા મોરચા’નો વિરોધ કરવા માટે મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે મૌન આંદોલન કર્યું હતું. BJPએ દાવો કર્યો હતો કે વિપક્ષો મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલાં ફેક નૅરેટિવ્ઝ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈ કાલે ગિરગામ વિસ્તારમાં BJPના નેતાઓ અને કાર્યકરોએ મોં પર કાળી પટ્ટી બાંધીને આંદોલન કર્યું હતું.
પત્રકારો સાથે વાત કરતાં મહારાષ્ટ્ર BJPના પ્રમુખ રવીન્દ્ર ચવાણે જણાવ્યું હતું કે ‘અમારા આ વિરોધનો હેતુ વિપક્ષોના પ્રયાસોનો પર્દાફાશ કરવાનો છે. તેઓ ચૂંટણીઓ પહેલાં માત્ર ખોટી વાતો ફેલાવવાનો પ્રયાસ કરે છે.’
MVAના નેતાઓએ દરેક ચૂંટણી પહેલાં લોકોને સતત ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે એવું જણાવીને રવીન્દ્ર ચવાણે કહ્યું હતું કે ‘૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે આ લોકોએ જાણીજોઈને બંધારણમાં ફેરફાર માટે ખોટા દાવા કર્યા હતા.’
ADVERTISEMENT
રવીન્દ્ર ચવાણે એવો પણ આરોપ મૂક્યો હતો કે કેટલાક વિપક્ષી નેતાઓ વિદેશમાં રહેતી વ્યક્તિઓ અને નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગનાઇઝેશન (NGO) સાથે મળીને ખોટી માહિતી દ્વારા સમાજ અને સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
MVAના નેતાઓ આ જ મતદારયાદી અને આ જ EVMથી ચૂંટાઈ આવેલા : BJP
મતદારયાદીમાં કથિત ગેરરીતિઓના આરોપો મૂકવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ મહા વિકાસ આઘાડી (MVA) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં એકસરખા ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) દ્વારા વિપક્ષના આ નેતાઓ પણ લોકસભામાં ચૂંટાયા હતા. શું MVAના એ ચૂંટાયેલા નેતાઓ પણ મતચોરીમાં સામેલ હતા? આજે જે મતદારયાદીઓ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે એનો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં પણ થયો હતો. ત્યારે આ જ MVAના સંસદસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પણ આ જ EVM અને આ જ મતદારયાદી દ્વારા જીત્યા હતા.’


