માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ટસના મસ નથી થવા માગતા : સરકાર સાથે ગઈ કાલે મીટિંગ થઈ, પણ આગળની ચર્ચા સીધી મંગળવારે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હડતાળ પર ઊતરી ગયેલા ઓલા અને ઉબરના ડ્રાઇવરો ગઈ કાલે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મળ્યા હતા, પણ તેમને વધુ ચર્ચા માટે મંગળવાર સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. એને પગલે આ કૅબ-ડ્રાઇવરોની હડતાળ હજી પણ ચાલુ રહેશે.
કૅબ-કંપનીઓ સામેની ફરિયાદ ડ્રાઇવરો પાસેથી સાંભળ્યા પછી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ યુનિયનને કહ્યું હતું કે તમારે અમને કંપનીઓ સાથે વાત કરવા થોડો સમય આપવો પડશે.
ADVERTISEMENT
આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા ડ્રાઇવરોએ કહ્યું હતું કે અમારું આંદોલન ચાલુ રહેશે અને અમે જે લોકો કૅબ ચલાવી રહ્યા છે તેમને પણ રોકીશું.
આ આંદોલનના અગ્રણી મહારાષ્ટ્ર કામગાર સભાના પ્રેસિડન્ટ કેશવ નાના ક્ષીરસાગરે કહ્યું હતું કે અમને ફરી મંગળવારે બોલાવ્યા છે, ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
કૅબ-ડ્રાઇવરો મીટરવાળી ટૅક્સીની સરખામણીમાં ભાડું મળે, બાઇક-ટૅક્સીને પરમિશન ન આપવામાં આવે, કૅબ અને ઑટો પરમિટ પર મર્યાદા મૂકવામાં આવે જેવી માગણીઓ કરી રહ્યા છે.

