૪૦ મિનિટ ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓ અકળાયા
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ માટે વધુ એક અઠવાડિયાની શરૂઆત પ્લૅટફૉર્મ પર ટ્રેનની રાહ જોવાથી થઈ હતી. સોમવારે સવારે સેન્ટ્રલ રેલવેની ટ્રેનો લગભગ ૩૦થી ૪૦ મિનિટ મોડી પડી હતી, જેને કારણે હજારો ઑફિસ જનારાઓ પીક અવર્સ દરમ્યાન અટવાઈ ગયા હતા. વહેલી સવારે ટ્રેનો મોડી પડવાનું શરૂ થતાં પાછળની ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાયું હતું જેને પરિણામે પ્લૅટફૉર્મ પર મુસાફરોની ભીડ વધી હતી. ગયા અઠવાડિયે પણ સળંગ ત્રણ દિવસ સેન્ટ્રલ રેલવેના આ જ ધાંધિયા હોવાને લીધે અકળાયેલા પ્રવાસીઓએ સોશ્યલ મીડિયા પર સેન્ટ્રલ રેલવે હૅન્ડલને ટૅગ કરીને બળાપો કાઢ્યો હતો. સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનો છાશવારે મોડી પડવાને કારણે અનેક પ્રવાસીઓએ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવી અપીલ કરી હતી.


