ટાંકીનું ઢાંકણું તૂટી ગયું હોવાથી ઉપર માત્ર લાકડાનું પાટિયું ઢાંકેલું હતું, અકસ્માત્ એમાં પડી ગયો હોવાની શંકા
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારા-ઈસ્ટમાં ગઈ કાલે એક બિલ્ડિંગની પાણીની ટાંકીમાંથી ૮ વર્ષના છોકરાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ છોકરો ૩ ડિસેમ્બરથી ગુમ હતો. ૩ ડિસેમ્બરે બપોરે આ છોકરો મમ્મી-પપ્પાને કહ્યા વગર ઘરમાંથી ગયો હતો અને પાછો નહોતો આવ્યો. પરિવારે ઘણી શોધખોળ કરી હોવા છતાં તેનો કોઈ પત્તો નહોતો લાગ્યો. ૪ ડિસેમ્બરે પરિવારે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે આ બાળકનો પરિવાર જે બિલ્ડિંગમાં રહેતો હતો એ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં આવેલી પાણીની ટાંકીમાંથી ગઈ કાલે ભારે દુર્ગંધ આવતી હતી. જ્યારે રહેવાસીઓએ ટાંકી ખોલીને જોયું તો એમાં બાળકનો મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.
શું કહે છે પોલીસ?
આ બાબતે પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટાંકીનું લોખંડનું ઢાંકણ તૂટી ગયું હોવાથી કામચલાઉ રીતે એના પર લાકડાનું પાટિયું મૂક્યું હતું એને કારણે આ છોકરો આકસ્મિક રીતે આ ટાંકીમાં પડી ગયો હશે એવી સંભાવના છે. આ મામલે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને તપાસ ચાલી રહી છે.’


