શરદ પવારના પક્ષને રાહત, ચૂંટણીપંચ માત્ર ટ્રમ્પેટનું સિમ્બૉલ કોઈને નહીં ફાળવે
તુતારીવાદક અને ટ્રમ્પેટ એવાં બે એક જેવાં દેખાતાં ચૂંટણી-સિમ્બૉલ.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માંથી અજિત પવાર મોટા ભાગના સભ્યો સાથે મહાયુતિ સરકારમાં જોડાઈ ગયા એ પછી ઇલેક્શન કમિશને પાર્ટીનું નામ અને સિમ્બૉલ ‘ઘડિયાળ’ તેમને આપ્યાં હતાં. પાર્ટીના બાકી રહેલા જૂથને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP-SP) નામ અને તુતારી વગાડતા માણસનું ચૂંટણીચિહ્ન આપવામાં આવ્યું હતું. જોકે એ પછી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને ટ્રમ્પેટનું સિમ્બૉલ ફાળવવામાં આવ્યું હતું. એ બાબતે એકસરખાં દેખાતાં આ બે સિમ્બૉલને કારણે લોકોમાં અસમંજસ સર્જાઈ હોવાનો દાવો NCP (SP) દ્વારા ઇલેક્શન કમિશનની સામે કરવામાં આવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે ‘એક જેવા સિમ્બૉલને કારણે NCP (SP)ના ઘણા મતો અપક્ષ ઉમેદવારોને ગયા હતા અને એને લીધે NCP (SP)ના ઓછામાં ઓછા ૧૯ ઉમેદવારોને નુકસાન થયું હતું. આ કારણથી માત્ર શરણાઈનું ચૂંટણીચિહ્ન રદ કરવામાં આવે.’ ચૂંટણીપંચે તેમની આ અરજી માન્ય રાખી છે અને માત્ર ટ્રમ્પેટનું ચિહ્ન રદ કર્યું છે.


