Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Short: મુંબઈમાં એકતાદોડ

News In Short: મુંબઈમાં એકતાદોડ

Published : 01 November, 2025 04:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ પ્રિન્સિપાલ જેવાં અનેક પારિતોષિક પ્રાપ્ત કરનાર લેખિકા ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી લિખિત-સંપાદિત બે પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના ઉપક્રમે રવિવારે બીજી નવેમ્બરે સવારે ૧૦.૩૦ વાગ્યે યોજાવાનો છે.

મુંબઈમાં એકતાદોડ

મુંબઈમાં એકતાદોડ


ગઈ કાલે મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયા પર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનોએ ‘રન ફૉર યુનિટી’માં ભાગ લીધો હતો.

ઝરૂખોમાં આજે વિશ્વની પુરસ્કૃત ટૂંકી વાર્તાઓ વિશે વાત થશે
બોરીવલીમાં યોજાતી સાહિત્યિક સાંજ ‘ઝરૂખો’માં આજે યોજાનારા કાર્યક્રમમાં વિશ્વની પુરસ્કૃત ટૂંકી વાર્તાઓ વિશે વાત થશે. ટૂંકી વાર્તા ભાવકને એક અલગ વિશ્વનો પ્રવાસ કરાવે છે. ચેખોવ અને ઑ હેન્રીની વાર્તાઓ વિશે જાણીતા વાર્તાકાર સતીશ વ્યાસ વાત કરશે અને લેખિકા માના વ્યાસ બુકર પારિતોષિક વિજેતા ભારતીય લેખિકા બાનુ મુસ્તાકની વાર્તાઓ વિશે વા‌ત કરશે. અભિનેત્રી પ્રીતા પંડ્યા એક વાર્તાનું વાચિકમ કરશે. સાઇલીલા વે‍લ્ફેર ટ્રસ્ટના ઉપક્રમે અને સંજય પંડ્યાના સંચાલનમાં યોજાનારા આ જાહેર કાર્યક્રમમાં બેઠકવ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે છે. વધુ માહિતી માટે 98210 60943 નંબર પર સંપર્ક કરવો. સ્થળ : સાંઈબાબા મંદિર, બીજા માળે, સાંઈબાબાનગર, બોરીવલી-વેસ્ટમાં સાંજે ૭.૨૦ વાગ્યે.



ભવન્સ-અંધેરીમાં રવિવારે ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધીનાં બે પુસ્તકનું લોકાર્પણ
શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ પ્રિન્સિપાલ જેવાં અનેક પારિતોષિક પ્રાપ્ત કરનાર લેખિકા ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી લિખિત-સંપાદિત બે પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના ઉપક્રમે રવિવારે બીજી નવેમ્બરે સવારે ૧૦.૩૦ વાગ્યે યોજાવાનો છે. વિવિધ ક્ષેત્રની મહિલાઓએ પોતાના પતિ પર લખેલા લેખોનો સમાવેશ કરતા ‘અમારા એ : જેવા છે તેવા’ પુસ્તકનું લોકાર્પણ પદ્‍મશ્રી ડૉ. પ્રકાશ કોઠારી તથા શૈશવ અને ઘડતરકાળનાં સંસ્મરણોનો સમાવેશ કરતા ‘શૈશવથી યુવાવસ્થા : યાદોના હિલ્લોળે’ પુસ્તકનું લોકાર્પણ સ્નેહલ મુઝુમદારના હસ્તે થશે. 
પ્રકાશન અવસરે વાચિકમ્, કેફિયત અને પ્રતિભાવમાં અવનિ ભટ્ટ, અક્ષય અંતાણી, કનુભાઈ સૂચક, તરુ મેઘાણી કજારિયા, ડૉ. પ્રીતિ જરીવાલા, ડૉ. મંજરી મુઝુમદાર, વર્ષા ભુતા, હેમંત ઠક્કર અને હિતેન આનંદપરા સહભાગી થશે. 
સ્થળ : એસ. પી. જૈન ઑડિટોરિયમ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (વેસ્ટ).


શ્રી જલારામ મંદિર બોરીવલીમાં રવિવારે તુલસીવિવાહ ઉત્સવ
બોરીવલી-ઈસ્ટમાં કાર્ટર રોડ નંબર પાંચ પર ઓમ શ્રી સિદ્ધેશ્વર સોસાયટીમાં આવેલા શ્રી જલારામ મંદિરમાં રવિવારે બીજી નવેમ્બરે તુલસીવિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૮ વાગ્યે કૃષ્ણ ભગવાનનો વરઘોડો શ્રી જલારામ મંદિરથી નીકળીને શ્રી અંબાજી મંદિર, શ્રી મેલડી માતા મંદિર થઈને શ્રી જલારામ મંદિરે આવશે. હસ્તમેળાપ રાતે ૧૦.૩૦ વાગ્યે થશે. સર્વે ભક્તોને હાર્દિક આમંત્રણ છે. 

બોરીવલીના શ્રી મોટા અંબાજી આશ્રમમાં શ્રીમદ ભાગવતકથાનું આયોજન
શ્રી ‌શિવશક્તિ મંડળ દ્વારા બોરીવલી-ઈસ્ટમાં કાર્ટર રોડ નંબર ૩ પર આવેલા શ્રી મોટા અંબાજી આશ્રમમાં શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા પ્રારંભ કારતક વદ ૩, મંગળવારે ૧૧ નવેમ્બરે થશે અને કથાવિરામ કારતક વદ તેરસે સોમવારે ૧૭ નવેમ્બરે થશે. કથાનું રસપાન જયદેવ બાપુ દેવમુરારી (દેવલીવાલા) કરાવશે. કથાનો સમય દરરોજ બપોરે ૩થી સાંજે ૬.૩૦ વાગ્યાનો રહેશે.


કચ્છ યુવક સંઘ, બોરીવલી-દહિસર શાખા દ્વારા ૧૬ નવેમ્બરે ઇન્ડોર સ્પોર્ટ્‌સ સ્પર્ધાનું આયોજન
કચ્છ યુવક સંઘ, બોરીવલી-દહિસર શાખા દ્વારા બોરીવલીમાં રવિવારે ૧૬ નવેમ્બરે ચતુર્થ ઇન્ડોર સ્પોર્ટ્‌સ સ્પર્ધા ‘અંતરંગ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ચેસ, કૅરમ, સુડોકુ તથા નોટ્રમ જેવી રમતોની સ્પર્ધા રાખવામાં આવી છે. સ્પર્ધામાં ભાગ લેવા ૩૧ ઑક્ટોબર પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધાઓ બોરીવલી એજ્યુકેશન સોસાયટી બેઝમેન્ટ, ફૅક્ટરી લેન, બોરીવલી-વેસ્ટમાં રમાડવામાં આવશે.
વિવિધ એજ-ગ્રુપ બનાવીને આ સ્પર્ધા રમાડવામાં આવશે. મુંબઈ અને બહારગામ રહેતી કોઈ પણ કચ્છી વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વિજેતાઓને આકર્ષક ઇનામો અને સર્ટિફિકેટ આપવામાં આવશે. કૅરમમાં સિંગલ્સ અને ડબલ્સ બન્ને રમાડવામાં આવશે. ચેસ અને સુડોકુ માટે ૮ વર્ષ અને એનાથી વધુ ઉંમરના તથા કૅરમ સિંગલ્સ માટે ૧૦ વર્ષ અને એનાથી વધુ ઉંમરના સ્પર્ધક નામ નોંધાવી શકે છે. ડબલ્સ માટે બન્ને પાર્ટનરની ઉંમરનો સરવાળો ૫૫ અથવા એનાથી અધિક હોવો જરૂરી છે. એમાં પાર્ટનર બન્ને પુરુષ અથવા સ્ત્રી અથવા સ્ત્રી-પુરુષની જોડી પણ હોઈ શકે. નોટ્રમ માટે બન્ને પાર્ટનર માટે કોઈ વયમર્યાદા રાખવામાં આવી નથી. એ ઓપન ગ્રુપ હશે. કૅરમ ડબલ્સ અને નોટ્રમ માટે પાર્ટનર સાથે જ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. નોટ્રમ અને કૅરમ સિંગલ્સ અથવા ડબલ્સના પ્લેયર્સ બીજી કોઈ પણ રમત માટે ભાગ લઈ શકશે નહીં. રજિસ્ટ્રેશન માટે https://bit.ly/kysindoor લિન્ક પર નામ રજિસ્ટર કરવાનું રહેશે. 
વધુ માહિતી માટે ભવ્ય સાલિયાનો 98705 59495 અથવા અવનિ સાલિયાનો 98191 79587 નંબર પર સંપર્ક કરવો.

કચ્છ યુવક સંઘ દ્વારા ૧૪ ડિસેમ્બરે માટુંગામાં ફનફેરનું આયોજન

કચ્છી સમાજનાં બાળકોમાં વ્યાપારની કુનેહ લોહીમાં વહેતી હોય છે. એને એક પ્લૅટફૉર્મ આપીને તેમની પ્રતિભાને બહાર કાઢવાના હેતુથી કચ્છ યુવક સંઘ દ્વારા એક અનોખા ફનફેર ‘ઉમંગ-૦૨’નું આયોજન કરવામાં આવ્યુ છે. આ ફનફેર રવિવારે, ૧૪ ડિસેમ્બરે સાંજે ૪થી ૯ વાગ્યા દરમ્યાન શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ - સી.વી.ઓ. જૈન છાત્રાલય, માટુંગામાં યોજાશે. ગયા પ્રથમ વર્ષે મળેલી ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખીને આ વખતે મોટી જગ્યામાં વધારે સ્ટૉલ રાખવામાં આવ્યા છે. ૬થી ૧૫ વર્ષ સુધીનાં બાળકો આ આયોજનમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય અને પ્રતિભા દર્શાવશે. 
આ ફનફેરમાં સ્ટૉલનું સંપૂર્ણપણે બાળકો દ્વારા  સંચાલન કરવામાં આવશે (વડીલોને પરવાનગી નથી). એનાથી બાળકોમાં આત્મવિશ્વાસ નિર્માણ થશે જે તેમના ઘડતરમાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. ૧૫૦૦ રૂપિયા ભરીને એક સ્ટૉલ બુક કરાવી શકાશે, જેમાં એક ટેબલ અને બે ખુરસી આપવામાં આવશે. આ સ્ટૉલ પર ખાણી-પીણીની કોઈ પણ આઇટમ, ગેમ અથવા બાળકો દ્વારા બનાવેલી કલાકૃતિ અથવા સ્ટેશનરીની આઇટમ વેચી શકશે. ખાણી-પીણી અને ગેમ્સ ૧૦થી ૧૦૦ રૂપિયાની વચ્ચે હોવી જરૂરી છે તેમ જ બાળકો દ્વારા નિર્મિત કલાકૃતિ અને સ્ટેશનરી માટે ૧૦થી ૨૦૦ રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે. મર્યાદિત સ્ટૉલ હોવાથી વહેલો તે પહેલોના ધોરણે આપવામાં આવશે. વધુ વિગત અને રજિસ્ટ્રેશન માટે શીતલ ગાલાનો 98191 82276 નંબર પર અથવા સ્નેહા સાવલાનો 99302 02324 નંબર પર સંપર્ક કરવો.

કચ્છ યુવક સંઘ, ડોમ્બિવલી શાખા દ્વારા પિકલ બૉલ - સીઝન ૨નું આયોજન
કચ્છ યુવક સંઘ, ડોમ્બિવલી શાખા દ્વારા રવિવારે, ૪ જાન્યુઆરીએ ‘પિકલ બૉલ - સીઝન ૨’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા બેલગ્રેવ સ્ટેડિયમ, રીજન્સી અનંતમ, ડોમ્બિવલી-ઈસ્ટમાં રમાડવામાં આવશે. આ વર્ષે આ સ્પર્ધા માટે અલગ-અલગ ટીમ-ઓનર નક્કી કરી, રજિસ્ટર થયેલા સ્પર્ધકોનું ઑક્શન કરીને ટીમો બનાવવામાં આવશે. ફક્ત ૧૪ વર્ષ અને એથી ઉપરની વયના પ્લેયર્સ ઑક્શન માટે પોતાનું નામ રજિસ્ટર કરાવી શકશે. ૭ ડિસેમ્બરે સાંજે ૭ વાગ્યે ઑક્શન રાખવામાં આવ્યું છે. એ પહેલાં રવિવારે, ૩૦ નવેમ્બરે સાંજે ૬ વાગ્યે એક ડેમો સેશન રાખવામાં આવ્યું છે, જેમાં રજિસ્ટર થયેલા પ્લેયર્સ પોતાનું કૌશલ બતાવી શકશે અને એ જ વખતે ટીમ-ઓનર્સ ઑક્શન વખતે કયા-કયા પ્લેયર્સ લેવા એ નક્કી કરી શકશે. ઑક્શન ફક્ત રજિસ્ટર થયેલા પ્લેયર્સનું જ થશે. જે પ્લેયર ઑક્શનમાં સિલેક્ટ થાય તેણે ૫૦૦ રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો કોઈ રજિસ્ટર થયેલો પ્લેયર અનસોલ્ડ રહી જાય છે તો તેને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવશે જેથી સંજોગવશાત્ કોઈ ઑક્શનમાં સિલેક્ટ થયેલો પ્લેયર નથી રમી શકતો તો વેઇટિંગ લિસ્ટમાં રહેલા પ્લેયરનો ચાન્સ લાગશે. ઑક્શન બાદ સિલેક્ટ થયેલા પ્લેયર્સને ટી-શર્ટ, કૅપ અને સ્પર્ધાના દિવસે સવારે ચા-નાસ્તો, લંચ, હાઈ ટી અને ડિનર આપવામાં આવશે. સ્પર્ધામાં ટીમ-ઓનર આવકાર્ય છે. રજિસ્ટ્રેશન અને વધુ વિગતો માટે ચિરાગ લાલનનો 99674 34034 નંબર પર અથવા વિરલ ગાલાનો 99678 સેશન 76419 નંબર પર સંપર્ક કરવો.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2025 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK