શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને BJPની આ સંસ્કૃતિ છે? : સંજય રાઉત
સંજય રાઉત
વિધાનભવનમાં ગુરુવારે થયેલી મારામારી સંદર્ભે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે–UBT)એ કહ્યું હતું કે ‘વિધાનભવનની એ ઘટના ગૅન્ગવૉર હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગંભીર ક્રિમિનલ રેકૉર્ડ ધરાવતા લોકોને પાર્ટીમાં સામેલ કર્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની સરકારનું રાજીનામું આપી દેવું જોઈએ અને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવું જોઈએ.’
એ ઘટનાનો ઉલ્લેખ કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘આ વિધાનભવનમાં થયેલી ગૅન્ગવૉર હતી. હત્યા, લૂંટ, અને મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) અંતર્ગત જેમની સામે ગુનો નોંધાયો છે એવા લોકો પણ ત્યાં હાજર હતા. શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને BJPની આ સંસ્કૃતિ છે? ગંભીર ગુનાહિત બૅકગ્રાઉન્ડ ધરાવનારાઓને પાર્ટીમાં સામેલ કરવા એ શું BJPનું કલ્ચર છે? શિવસેના-UBTનું માનવું છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવું જોઈએ. આ ફક્ત કમનસીબ, દુ:ખદ કે પછી ચોંકાવનારી જ ઘટના નથી પણ મહારાષ્ટ્રના રાજકારણ માટે શરમજનક ઘટના છે. જો ગવર્નર ખરેખર કાયદાના રક્ષક હોય તો તેમણે આ બાબતે ગૃહખાતા પાસેથી રિપોર્ટ મગાવવો જોઈએ અને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદી દેવું જોઈએ.’

