Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈનોની જીવદયાને સલામ

જૈનોની જીવદયાને સલામ

09 November, 2022 09:02 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

છેલ્લાં ૪૫ વર્ષથી જૈનો બોરીવલીના નૅશનલ પાર્કમાં પટ્ટદર્શન કરતા હતા, પણ આ વર્ષે વિરાધના-આશાતનાને બદલે જીવદયાના સિદ્ધાંતોનું પાલન

બોરીવલીની જાંબલી ગલીમાં આવેલી શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢીના ઉપાશ્રયમાં ગઈ કાલે શત્રુંજય પટ્ટદર્શન કરવા ઊમટેલા ભાવિકો

બોરીવલીની જાંબલી ગલીમાં આવેલી શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢીના ઉપાશ્રયમાં ગઈ કાલે શત્રુંજય પટ્ટદર્શન કરવા ઊમટેલા ભાવિકો


મૂક જીવો પગ નીચે આવી ન જાય એ માટે ગાંધી ટેકડી પર નહીં, પણ જાંબલી ગલીના શ્રી સંભવનાથ જૈન દેરાસરના ઉપાશ્રયમાં આ વર્ષે થયું શત્રુંજય પટ્ટદર્શનનું આયોજન

બોરીવલી-વેસ્ટની જાંબલી ગલીમાં આવેલી શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢી છેલ્લાં ૪૫ વર્ષથી કારતક સુદ ૧૫ના દિવસે શ્રી સંઘ તરફથી નૅશનલ પાર્ક ગાંધી સ્મૃતિ (ગાંધી ટેકડી) પર ભાવનગર પાસે આવેલા જૈનોના તીર્થ શત્રુંજયની આબેહૂબ કૃતિ જેવા પટ્ટદર્શનની વ્યવસ્થા કરતી આવી છે. એનો અંદાજે મુંબઈના ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ જૈનો લાભ લેતા હતા. જોકે ગઈ કાલથી આ સંઘ તરફથી ગાંધી ટેકડી પર પટ્ટદર્શનની કરવામાં આવતી વ્યવસ્થાને બંધ કરીને શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢી, ઉપાશ્રયના પહેલા માળે પટ્ટદર્શનની શરૂઆત કરવામાં આવી હતી.



સંભવનાથ જૈન દેરાસર પેઢી ૪૫ વર્ષથી કારતક સુદ પૂનમના દિવસે નૅશનલ પાર્કની ટેકડી પર પટ્ટદર્શનની વ્યવસ્થા કરતી હતી. મુંબઈભરના જૈનો જેઓ શત્રુંજય તીર્થ સુધી પહોંચી શકતા નહોતા તેઓ ટેકડી પર જાણે આદીશ્વર દાદાએ વાસ કર્યો હોય એવા અહેસાસ અને ભાવ સાથે પટ્ટદર્શન કરવા વહેલી સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી એનો લાભ લેતા હતા. આ ભાવિકો માટે સંઘ તરફથી સાકરનું પાણી, કેસરિયા દૂધ અને મોટા લાડુની પ્રભાવના કરવામાં આવતી હતી. દર વર્ષે ઓછામાં ઓછા ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ લાડુ પ્રભાવનામાં જતા હતા. આ દિવસે ગાંધી ટેકડી શત્રુંજય તીર્થમાં પરિવર્તિત થઈ જતી હતી. આ આખા આયોજનમાં  બોરીવલીના ૨૭ સંઘો સાથે જોડાતા હતા અને ગાંધી ટેકડી પર અલૌકિક દૃશ્ય નિર્માણ થતું હતું.


અમને આટલાં વર્ષો પછી એવી ફીલિંગ થઈ કે ગાંધી ટેકડી પર પટ્ટદર્શનનું આયોજન કરીને અમે જૈનોના જીવદયાના સિદ્ધાંતોનું પાલન કરવાને બદલે વિરાધના અને આશાતના કરી રહ્યા છીએ એમ જણાવતાં શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટી સ્નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ટેકડી પર જે કાર્પેટ પાથરતા હતા એના પર ભાવિકો પટ્ટનાં દર્શન કરવા ચાલીને આવતા હતા. એની નીચે અસંખ્ય જીવોની અમારાથી અજાણતાં હત્યા થતી હતી. અમે ટેકડી પર રસોડું ચલાવતા હતા. સાકરના પાણી અને કેસરિયા દૂધના સ્ટૉલો ઊભા કરતા હતા જેને કારણે ટેકડી પર અસંખ્ય જીવોની ઉત્પત્તિ થતી હતી. અમારાથી આરાધના કરવા કરતાં વિરાધના થઈ જતી હતી. આ બાબત પર કોઈ ગુરુભગવંતે અમારું ધ્યાન ખેંચતાં અમે ગઈ કાલની કારતક પૂનમથી હવે અમારા સંઘના ઉપાશ્રયમાં જ પટ્ટદર્શનની વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો હતો. અમારી સાથે વર્ષોથી બુંદીના કાયમી આદેશના લાભાર્થી મૂળ રાજસ્થાનના શેઠ શ્રી રંગરાજજી પ્રેમચંદજી મહેતા પરિવાર અને સેવના કાયમી આદેશના લાભાર્થી માતુશ્રી જયાવંતબેન રતનજી માણેકચંદ પરિવાર અમારી સાથે સહમત થયા હતા. એને પરિણામે આજ પછી અમારા ૨૭ સંઘો જાંબલી ગલીના શ્રી સંભવનાથ જૈન દેરાસરના ઉપાશ્રયમાં જ ભવ્યાતિભવ્ય રીતે શત્રુંજય પટ્ટદર્શનનું આયોજન કરશે.’


જગ્યાનું પરિવર્તન થવાથી ભાવિકોના ભાવ અને ઉત્સાહમાં તસુભરનો પણ ફરક પડ્યો નથી એમ જણાવતાં સ્નેહલ શાહે કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે છ વાગ્યાથી જાંબલી ગલીના ઉપાશ્રયમાં ગાંધી ટેકડીની જેમ જ ભાવિકોની ભીડ જામી હતી. સાંજ સુધીમાં અમને ૧૩,૦૦૦ લાડુની પ્રભાવનાનો લાભ મળ્યો હતો. આવતી કારતક પૂનમે આનાથી પણ વધુ ભાવિકો જાંબલી ગલીમાં પટ્ટદર્શનનો લાભ લેવા પધારશે.’ 

30-35
દર વર્ષે આટલા હજાર લોકો નૅશનલ પાર્કમાં પટ્ટદર્શન માટે જતા હતા

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2022 09:02 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK