એકબીજા પર હેલ્મેટ, કચરાના ડબ્બા તેમ જ પોલીસ-સ્ટેશનમાં રાખેલી ચીજો ફેંકવામાં આવી : વધારાની ફોર્સની મદદ લઈને મામલો શાંત પાડવામાં આવ્યો
કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં મારઝૂડમાં જખમી થયેલી વ્યક્તિ અને પોલીસ-સ્ટેશનની બહાર ભેગી થયેલી પબ્લિક.
થાણે-ઘોડબંદર રોડ પર આવેલા કાસારવડવલી પોલીસ-સ્ટેશનની અંદર શુક્રવારે રાત્રે ફરિયાદ કરવા આવેલા બે પરિવાર વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. એમાં બન્ને પરિવારના સભ્યો દ્વારા એક બીજા પર હેલ્મેટ, કચરાના ડબ્બા તેમ જ પોલીસ-સ્ટેશનમાં રાખેલી ચીજો ફેંકવામાં આવતાં પોલીસે મામલો નિયંત્રણમાં લેવા માટે વધારાનો પોલીસ-બંદોબસ્ત બોલાવવો પડ્યો હતો. એમ છતાં આશરે બે કલાક ચાલેલા ડ્રામા બાદ પોલીસે તમામ ઘટના પર કન્ટ્રોલ મેળવી લીધો હતો. આ મામલે પોલીસે બન્ને પરિવારના સભ્યો સામે ક્રૉસ ફરિયાદ નોંધી હતી. આ ઉપરાંત પોલીસ-સ્ટેશનમાં પડેલી ચીજો ફેંકવાની શરૂઆત કરનાર સામે સેપરેટ ફરિયાદ નોંધવામાં આવી છે.
કાસારવડવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાસારવડવલીની એક સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષના નીલેશ પવાર અને તેની પત્ની અનીતા વચ્ચે થોડા વખત પહેલાં વિવાદ થયો હોવાથી નીલેશ તેના પિતાના ઘરે કુર્લામાં રહેવા માટે ગયો હતો. બે દિવસ પહેલાં નીલેશની ૩ વર્ષની પુત્રી તેની પાસે કુર્લામાં રહેવા ગઈ હતી. દરમ્યાન શુક્રવારે નીલેશ તેના કાસારવડવલીની એક સોસાયટીના ઘરે સામાન લેવા આવ્યો હતો ત્યારે પતિ-પત્ની વચ્ચે ફરી એક વાર જોરદાર વિવાદ થયો હતો. આ વિવાદ મારઝૂડ સુધી પહોંચ્યો હતો. એમાં બન્નેના પરિવારના સભ્યોએ પણ એકબીજાની મારઝૂડ કરી હોવાથી મામલાની જાણ પોલીસ કન્ટ્રોલને કરવામાં આવતાં બન્ને પરિવારના સભ્યોને પોલીસ-સ્ટેશન પર ફરિયાદ માટે લાવવામાં આવ્યા હતા. એ સમયે બન્ને પરિવારના સભ્યોએ પોલીસ-સ્ટેશનની અંદર વિવાદ શરૂ કરીને મારઝૂડ ચાલુ કરી દીધી હતી. આ સમયે હેલ્મેટ અને અન્ય ચીજોથી મારવામાં આવતાં ત્રણથી ૪ લોકોના માથામાંથી લોહી નીકળ્યું હતું. આ સમયે એક પણ વ્યક્તિ સાંભળવા તૈયાર ન હોવાથી અમારે વધારાની ફોર્સની મદદ લેવી પડી હતી. અંતે બે કલાક બાદ તમામને સમજાવીને અલગ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ-સ્ટેશનની અંદર પણ લોહી ફેલાઈ ગયું હતું તેમ જ કેટલીક ચીજોને નુકસાન થયું હતું. બન્ને પરિવારના સભ્યો સામે અમે ક્રૉસ ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરવામાં આવી હતી.’


