વેપારી દિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાંબાની માળા આપીને મારી પાસેથી ૨૫ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટના સોમવારી બજારમાં હોમ અપ્લાયન્સિસની દુકાન ધરાવતા ૫૧ વર્ષના દિનેશ મહેતાને ૯૦૦ ગ્રામ સોનાની માળા વેચવાના નામે તાંબાની માળા પકડાવી દઈ ત્રણ જણ પચીસ લાખ રૂપિયા પડાવી ગયા હતા. આ મામલે મલાડ પોલીસે શનિવારે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નાશિકમાં જમીન ખોદતી વખતે સોનાની માળા મળી હોવાનો દાવો કરી આરોપીએ વેપારીનો વિશ્વાસ જીતવા સોનાની માળામાંથી બે મોતી કાઢી એને તપાસવાનું કહ્યું હતું. એ મોતી સોનાનાં હોવાની ખાતરી થતાં વેપારી માળા ખરીદવા તૈયાર થયો હતો. ત્યાર બાદ માળા ઘરે લાવીને ચેક કરતાં એ તાંબાની હોવાની જાણ થઈ હતી.
મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવેમ્બરના અંતમાં એક વૃદ્ધ વ્યક્તિ દુકાનામાં ગ્લાસ ખરીદવાના બહાને આવ્યો હતો. બીજા દિવસે ફરી પાછો એ વૃદ્ધ આવ્યો ત્યારે તેણે વેપારીને વાતોમાં ભોળવીને નાશિકમાં જમીન ખોદતી વખતે એક માળા મળી હોવાનું કહીને માળા દેખાડી હતી. એ સમયે લખતાં-વાંચતાં આવડતું ન હોવાનો દાવો કરીને એ માળા વેચવાનું કહીને એમાંથી બે મોતી વેપારીને આપીને ચકાસવાનું કહ્યું હતું. વેપારીએ મોતીની ચકાસણી કરાવતાં એ સાચાં હોવાની ખાતરી થતાં વેપારીએ માળા ખરીદવાની તૈયારી બતાવતાં ૨૫ લાખ રૂપિયામાં ડીલ ફિક્સ થઈ હતી. શુક્રવારે સાંજે વેપારીએ પોતાની તમામ જમાપૂંજી અને સગાંસંબંધીઓ પાસેથી લઈને ૨૫ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ત્યાર બાદ વેપારી માળા લેવા સંજય ગાંધી નૅશનલ પાર્ક નજીક ગયો હતો. ત્યાં એક મહિલા સહિત ત્રણ જણે વેપારીને થેલીમાં રાખેલી સોનાની માળા બતાવીને ૨૫ લાખ રૂપિયા લીધા હતા. એ પછી વેપારી માળા લઈને ઘરે ગયો હતો. વેપારીએ જ્યારે એ માળા જ્વેલર પાસે ચેક કરાવતાં એ તાંબાની હોવાનું જણાયું હતું. એ પછી ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીની શોધખોળ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
વેપારીએ શું કહ્યું?
વેપારી દિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાંબાની માળા આપીને મારી પાસેથી ૨૫ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ખરીદી કરવા આવનાર વ્યક્તિએ પહેલાં મને માળામાંથી બે મોતી આપ્યાં હતાં જે તપાસતાં એ સાચાં હોવાની ખાતરી થતાં હું માળા ખરીદવા તૈયાર થયો હતો. મેં પોલીસ-ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીઓને શોધી રહી છે.’


