Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમે જે ફ્લૅટ ખરીદો છો એ બિલ્ડરે બીજા કોઈને પણ વેચી દીધો હોય એવું તો નથીને?

તમે જે ફ્લૅટ ખરીદો છો એ બિલ્ડરે બીજા કોઈને પણ વેચી દીધો હોય એવું તો નથીને?

20 June, 2022 09:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલેથી વેચી નાખેલા ફ્લૅટ બીજા લોકોને પધરાવવાના આરોપસર ત્રણ ગુજરાતી બિલ્ડરની ધરપકડ : એકથી વધુ લોકોએ ફરિયાદ નોંધાવ્યા બાદ ઈઓડબ્લ્યુએ કરી કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


કાંદિવલીમાં એક પ્રોજેક્ટમાં એકથી વધુ લોકોને પહેલેથી વેચી નાખેલા ફ્લૅટ બીજાઓને વેચીને છેતરપિંડી કરવાના આરોપસર મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે (ઈઓડબ્લ્યુ) ત્રણ બિલ્ડરની શનિવારે ધરપકડ કરી હતી. આરોપી બિલ્ડરોએ કાંદિવલીમાં બાબરેકરનગરમાં આવેલી રાજ શિવગંગા નામની ઇમારતમાં સાત ફ્લૅટ પહેલેથી વેચી નાખ્યા હોવા છતાં બીજાઓને વેચીને ચીટિંગ કરવામાં આવી હોવાની ફરિયાદ ચારકોપ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ શનિવારે પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી અનિલ હલદનકરે કાંદિવલી-વેસ્ટમાં બાબરેકરનગરમાં આવેલી રાજ શિવગંગા નામની સોસાયટીમાં ૨૦૬ નંબરનો ફ્લૅટ કાયદેસર રજિસ્ટર કરીને ૭૬ લાખ રૂપિયામાં વેચાણથી લીધો હતો. બાદમાં ફરિયાદીને ખ્યાલ આવ્યો હતો કે આ ફ્લૅટ મેસર્સ રાજ આર્કેડ ઍન્ડ એન્ક્લેવના સંચાલકો રાજેશ ધનજી સાવલા, અશ્વિન મધુસૂદન મિસ્ત્રી અને જયેશ વૃજલાલ રામીએ પહેલેથી જ કોઈકને વેચી નાખ્યો હતો અને ફ્લૅટ પર કોટક મહિન્દ્ર બૅન્કમાંથી લોન લેવામાં આવી છે. આમ છતાં બિલ્ડરોએ આ જ ફ્લૅટ પોતાને વેચીને છેતરપિંડી કરી હોવાની જાણ થતાં ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીઓ સામે અન્ય છ લોકોએ પણ આવી જ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી, જેમાં કોર્ટે આપેલા આદેશ મુજબ મુંબઈ પોલીસની ઈઓડબ્લ્યુએ પણ બાદમાં ફરિયાદ નોંધી હતી.



મુંબઈ પોલીસના જૉઇન્ટ પોલીસ કમિશનર પ્રવીણ પડવળ (ઈઓડબ્લ્યુ)ના જણાવ્યા મુજબ કાંદિવલીમાં રહેતા રાજ આર્કેડ ઍન્ડ એન્ક્લેવના સંચાલકો રાજેશ ધનજી સાવલા, અશ્વિન મધુસૂદન મિસ્ત્રી અને જયેશ વૃજલાલ રામીની શનિવારે ચીટિંગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ૭૬ લાખ રૂપિયાની ચીટિંગ કરવાની ફરિયાદ છે એને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની સામે આવી જ રીતની ચીટિંગની બીજી છ ફરિયાદ હોવાથી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી રાજેશ સાવલા પોલીસથી બચવા માટે ચારકોપમાં ફ્લૅટ ભાડે રાખીને રહેતો હતો. પોલીસની ટીમ તેની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેણે દરવાજો નહોતો ખોલ્યો.’


બૅન્કની નોટિસથી મામલો ખૂલ્યો
ફરિયાદી અનિલ હલદનકરે પોલીસમાં નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે રાજ શિવગંગા સોસાયટીમાં ૨૬૦ નંબરનો ફ્લૅટ ખરીદ્યો હતો. બિલ્ડરે ફ્લૅટનો તાબો આપ્યા બાદ તેઓ અહીં રહેતા હતા. ૨ ઑગસ્ટ ૨૦૨૧ના રોજ કોટક મહિન્દ્ર બૅન્કની નોટિસ મળી હતી, જેમાં જણાવ્યું હતું કે મહેશ સાવલા અને હિરલ મહેશ સાવલાએ આ ફ્લૅટ પર ૫૬,૮૦,૦૦૦ લાખ રૂપિયાની લોન લીધી છે. પોતે એ સમયે પુણેમાં હતા એટલે બૅન્કે નોટિસ ફ્લૅટના દરવાજે ચીપકાવી દીધી હતી. નોટિસ મળ્યા બાદ વકીલને એ બતાવતાં ખ્યાલ આવ્યો હતો કે બિલ્ડરોએ આ ફ્લૅટ પહેલેથી મહેશ સાવલા અને હિરલ સાવલાને વેચી દીધો હતો અને તેમણે બૅન્કમાંથી લોન પણ લીધી હતી.

બિલ્ડર જયેશ શાહ અને મંગેશ સાવંતની પણ ધરપકડ
ઈઓડબ્લ્યુએ શનિવારે સાંઈ લી ડેવલપર્સના મંગેશ સાવંતની પણ ધરપકડ કરી હતી. તેમના પર આરોપ છે કે તેઓ બિલ્ડિંગનું બાંધકામ કરશે ત્યારે એમાં ૧.૨૫ લાખ ચોરસ ફીટ જગ્યા આપશે એમ કહીને ફરિયાદી પાસેથી ૧૫ કરોડ રૂપિયા લીધા હતા. જોકે ઇમારતનું બાંધકામ નથી થયું અને કામ પણ આગળ ન વધતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શનિવારે ગુજરાતી બિલ્ડર જયેશ શાહની પણ ૩૦ લોકો સાથે ૧૨.૧૪ કરોડની ચીટિંગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બિલ્ડરે ઓશિવરામાં ગૌરવ લેજન્ડ નામના પ્રોજેક્ટમાં ફ્લૅટ આપવા માટે માટે ૩૦ લોકો પાસેથી આટલી રકમ લીધી હતી. આરોપીને બાંધકામની પરવાનગી ન મળતાં કામ શરૂ નહોતું થયું અને રૂપિયા પણ પાછા નહોતા આપ્યા. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK