દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ અને ઇન્દિરા ગાંધી ઍરપોર્ટનું નામ ઇન્દ્રપ્રસ્થ ઍરપોર્ટ રાખવાની BJPના સંસદસભ્યની માગણી
દિલ્હી રેલ્વેસ્ટેશન
દિલ્હીના ચાંદની ચોકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલે દિલ્હીનું નામ ‘ઇન્દ્રપ્રસ્થ’, જૂની દિલ્હી સ્ટેશનનું નામ ‘ઇન્દ્રપ્રસ્થ જંક્શન’ અને ઇન્દિરા ગાંધી ઍરપોર્ટનું નામ ‘ઇન્દ્રપ્રસ્થ ઍરપોર્ટ’ રાખવાની માગણી કરી છે. તેમણે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે અને એની કૉપી દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ અને કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતને મોકલી છે. તેમણે દિલ્હીમાં એક અગ્રણી સ્થાન પર પાંડવોની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવા પણ વિનંતી કરી છે.
આ મુદ્દે બોલતાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ‘ભારતની રાજધાની દિલ્હીનું નામ એના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના મૂળને ધ્યાનમાં રાખીને ‘ઇન્દ્રપ્રસ્થ’ રાખવું જોઈએ. દિલ્હીનો ઇતિહાસ ફક્ત હજારો વર્ષ જૂનો નથી, એ ભારતીય સંસ્કૃતિના આત્મા અને પાંડવો દ્વારા સ્થાપિત ‘ઇન્દ્રપ્રસ્થ’ શહેરની જીવંત પરંપરાનું પણ પ્રતીક છે. જ્યારે દેશનાં અન્ય ઐતિહાસિક શહેરો, જેમ કે પ્રયાગરાજ, અયોધ્યા, ઉજ્જૈન અને વારાણસી એમની પ્રાચીન ઓળખ સાથે ફરી જોડાઈ રહ્યાં છે ત્યારે દિલ્હીને એના મૂળ સ્વરૂપ ઇન્દ્રપ્રસ્થ તરીકે પણ માન આપવું જોઈએ. આ ફેરફાર માત્ર એક ઐતિહાસિક સમર્થન નથી, સાંસ્કૃતિક પુનર્જાગરણ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું પણ છે. દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ રાખવાથી ઇતિહાસ પુનઃ સ્થાપિત થશે. ભારતની રાજધાનીનું પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. એને ફરીથી અપનાવવું એ એક ઐતિહાસિક સમર્થન અને સાંસ્કૃતિક સન્માન બન્ને છે. આ સાંસ્કૃતિક ગૌરવમાં વધારો કરશે. ઇન્દ્રપ્રસ્થ નામ ભારતની સભ્યતા, નીતિમત્તા અને ન્યાયી શાસનની ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે આધુનિક ભારતની આત્મા સાથે પડઘો પાડે છે.’
ADVERTISEMENT
પ્રવીણ ખંડેલવાલે એવો પણ આગ્રહ કર્યો હતો કે આપણા રાષ્ટ્રીય ચરિત્ર, બલિદાન, હિંમત, ન્યાય અને સચ્ચાઈનું પ્રતીક એવા પાંડવોની ભવ્ય પ્રતિમાઓ દિલ્હીમાં એક અગ્રણી સ્થાને સ્થાપિત કરવામાં આવે.
૧૯૫૬ની પહેલી નવેમ્બરે રાજ્ય પુનર્ગઠન કાયદા દ્વારા દિલ્હીને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી પહેલી નવેમ્બર દિલ્હીનો સ્થાપના-દિવસ છે.


