દેશમાં સૌથી વધુ વક્ફ પ્રૉપર્ટી ઉત્તર પ્રદેશમાં છે જ્યાં સુન્ની અને શિયા બોર્ડ હેઠળ આશરે ૨.૪ લાખ પ્રૉપર્ટી નોંધાયેલી છે.
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે વક્ફ પ્રૉપર્ટીના ડિજિટલ રજિસ્ટ્રેશન માટે નક્કી કરેલી ટાઇમલાઇન શનિવારે રાત્રે પૂરી થઈ ગઈ હતી. ડેટા દર્શાવે છે કે દેશભરમાં આશરે ૮.૮ લાખ વક્ફ પ્રૉપર્ટીમાંથી ફક્ત ૨.૧૬ લાખ પ્રૉપર્ટી જ યુનિફાઇડ વક્ફ મૅનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી ઍન્ડ ડેવલપમેન્ટ (UMEED) પોર્ટલ પર નોંધાઈ છે. આનો અર્થ એ થયો કે કુલ મિલકતોમાંથી માત્ર એક ચતુર્થાંશ પ્રૉપર્ટીનું જ ડિજિટલ રજિસ્ટ્રેશન થયું છે, જ્યારે બાકીની લાખો મિલકતોનું ભવિષ્ય હવે અંધકારમાં લટકતું હોય એવું લાગે છે.
કેન્દ્ર સરકારે ૬ જૂને વક્ફ (સુધારા) કાયદા હેઠળ UMEED પોર્ટલ શરૂ કર્યું હતું. એનો હેતુ દેશભરની વક્ફ પ્રૉપર્ટીને કેન્દ્રીય ડિજિટલ ડેટાબેઝમાં લાવવાનો, તેમને જિઓ-ટૅગ કરવાનો અને ડૉક્યુમેન્ટેશન દ્વારા ટ્રાન્સપરન્સી સુનિશ્ચિત કરવાનો હતો. જોકે વાસ્તવિકતા એ છે કે નિર્ધારિત સમય સુધીમાં મોટી સંખ્યામાં પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું નથી.
ADVERTISEMENT
ક્યાં કેટલું રજિસ્ટ્રેશન?
પોર્ટલ પર કુલ ૫.૧૭ લાખ અરજીઓ સબમિટ કરવામાં આવી હતી, જેમાંથી ૧૦,૮૭૨ અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. કર્ણાટક ૬૫,૨૪૨માંથી ૫૨,૯૧૭ પ્રૉપર્ટી અથવા લગભગ ૮૧ ટકા રજિસ્ટ્રેશન સાથે આગળ રહ્યું હતું. ત્યાર બાદ પંજાબ ૯૦ ટકા, જમ્મુ અને કાશ્મીર ૭૭ ટકા અને ગુજરાત ૬૧ ટકા સાથે આવે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ ૮૦,૪૮૦ વક્ફ પ્રૉપર્ટીમાંથી ફક્ત ૭૧૬ જ રજિસ્ટર થઈ હતી, જે એક ટકાથી પણ ઓછી હતી. ઉત્તર પ્રદેશમાં સુન્ની વક્ફ બોર્ડની ૧૨,૯૮૨ પ્રૉપર્ટીમાંથી માત્ર ૧૧ ટકા રજિસ્ટર થઈ હતી, જ્યારે શિયા વક્ફ બોર્ડની ૭૮૯ પ્રૉપર્ટી અથવા લગભગ પાંચ ટકા રજિસ્ટર થઈ હતી. મહારાષ્ટ્રમાં ૩૬,૭૦૦માંથી ૧૭,૯૭૧ પ્રૉપર્ટી રજિસ્ટર થઈ હતી.
દેશમાં કેટલી વક્ફ પ્રૉપર્ટી છે?
દેશમાં સૌથી વધુ વક્ફ પ્રૉપર્ટી ઉત્તર પ્રદેશમાં છે જ્યાં સુન્ની અને શિયા બોર્ડ હેઠળ આશરે ૨.૪ લાખ પ્રૉપર્ટી નોંધાયેલી છે. આ પછી પશ્ચિમ બંગાળ, પંજાબ, તામિલનાડુ અને કર્ણાટકનો ક્રમ આવે છે. પરિણામે કરોડો રૂપિયાની કિંમતની આ પ્રૉપર્ટીને ડિજિટલી રેકૉર્ડ કરવામાં અસમર્થતા સરકાર માટે એક મહત્ત્વપૂર્ણ પડકાર બની ગઈ છે.


