ત્રીસમા દિવસે પણ થતા અકસ્માતો સંપૂર્ણપણે વીમા હેઠળ આવરી લેવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ એની સમાપ્તિ પછીના ૩૦ દિવસ સુધી માન્ય રહે છે. ત્રીસમા દિવસે પણ થતા અકસ્માતો સંપૂર્ણપણે વીમા હેઠળ આવરી લેવામાં આવશે. હાઈ કોર્ટે વીમાકંપની દ્વારા દાવો નકારવાના પ્રયાસ સામે ચુકાદો આપ્યો હતો, કારણ કે અકસ્માત ૩૦ દિવસના ગ્રેસ પિરિયડમાં થયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે મોટર વાહન અધિનિયમ સ્પષ્ટપણે ૩૦ દિવસનો ગ્રેસ પિરિયડ આપે છે જે દરમ્યાન સમાપ્ત થયેલું લાઇસન્સ માન્ય રહે છે.
જે અકસ્માત થયો હતો તે ડ્રાઇવરનું લાઇસન્સ ૨૦૦૧ની ૪ જૂને સમાપ્ત થઈ ગયું હતું, જ્યારે અકસ્માત ૨૦૦૧ની ૪ જુલાઈએ થયો હતો અને લાઇસન્સનું રિન્યુઅલ ૨૦૦૧ની ૬ ઑગસ્ટે કરવામાં આવ્યું હતું. આ આધારે વીમાકંપનીએ દલીલ કરી હતી કે ડ્રાઇવર અકસ્માતની તારીખે યોગ્ય રીતે લાઇસન્સ ધરાવતો નહોતો. જોકે કોર્ટે કહ્યું હતું કે અકસ્માત ૨૦૦૧ની ૪ જુલાઈએ સવારે ૧૦.૪૫ વાગ્યે થયો હતો જે કાનૂની માન્યતાની અંદર હતો.


