રાજસ્થાનમાં અતિશય વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત : ૬ જિલ્લાઓમાં રેડ અલર્ટ, ૪ જિલ્લાઓમાં સ્કૂલોમાં રજા જાહેર
અજમેરનો જળબંબાકાર રસ્તો
બંગાળની ખાડી પર રચાયેલી નીચા દબાણની સિસ્ટમ હવે ડિપ્રેશનમાં તીવ્ર બની જવાની અસરથી ગઈ કાલે રાજસ્થાનમાં અજમેર, રાજસમંદ, પાલી, કોટા, પ્રતાપગઢ, જોધપુર અને ધોળપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. પ્રતાપગઢ અને ધોળપુરમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી અજમેર અને પુષ્કરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે ઝાલાવાડ, અજમેર, બુંદી અને રાજસમંદમાં સ્કૂલો બંધ રહેશે.
અજમેરમાં જનજીવન અસ્તવ્યસ્ત
ADVERTISEMENT
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અજમેર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ખ્વાજા ગરીબ નવાઝ દરગાહની આસપાસનો વિસ્તાર જળબંબાકાર છે જેને કારણે અહીં દર્શને આવતા યાત્રાળુઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અજમેરની જવાહરલાલ નેહરુ હૉસ્પિટલ પણ પાણીમાં ડૂબી ગઈ છે. હૉસ્પિટલના ઘણા વૉર્ડમાં અને ઑપરેશન થિયેટરમાં પાણી ભરાઈ ગયાં છે જેને કારણે દરદીઓ અને તેમના પરિવારોને ભારે અસુવિધા થઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક વૉર્ડમાં વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
રાજસમંદમાં તળાવ ફાટ્યું
રાજસમંદમાં તળાવ ફાટવાથી ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે ઓડા ગામ (કુંભલગઢ)માં સ્કૂલનાં ત્રણ બાળકો સહિત ૭ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયાં હતાં. લગભગ બે કલાકની બચાવ-કામગીરી બાદ બધાને સલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં.
બિસલપુર ડૅમ ૮૦ ટકા ભરાયો
સતત વરસાદને કારણે બિસલપુર ડૅમ ૮૦ ટકા ભરાઈ ગયો હતો. બાલોત્રાના લોકોએ લુણી નદીમાં પાણી આવતાં નાચગાન કરીને ઉજવણી કરી હતી.
પુષ્કરમાં પૂર જેવી પરિસ્થિતિ
પુષ્કરમાં ઘણા કલાકો સુધી સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનો અને ઘરો ડૂબી ગયાં છે અને વાહનો રસ્તાઓ પર તરતાં હતાં. પુષ્કરમાં વરાહ ઘાટ, નરસિંહ ઘાટ, પુરાણા ગંજી મંદિર, માલી મોહલ્લા, મિશ્રા કા મોહલ્લા, સાવિત્રી રોડ અને ગુરુદ્વારા વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા.
ભારે વરસાદની આગાહી
રાજસ્થાનના કોટા, અજમેર, જોધપુર અને ઉદયપુર વિભાગના ઘણા જિલ્લાઓમાં આજથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. કુલ ૨૩ જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાંથી ૬ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે સ્કૂલોમાં રજા જાહેર કરી છે.
રાજસ્થાનના અન્ય વિસ્તારો જેમ કે પુષ્કર, બુંદી અને કોટામાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્રે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. કોટામાં સતત વરસાદને પગલે વધારાનું પાણી છોડવા માટે ગઈ કાલે ફરીથી કોટા બૅરેજના દરવાજા ખોલવામાં આવ્યા હતા. સીકરમાં ગઈ કાલે સવારે લગભગ ૨૦ મિનિટ સુધી પડેલા ભારે વરસાદને કારણે લોહારુ બસ-સ્ટૅન્ડ અને મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
૨૧ લોકોએ જીવ ગુમાવ્યો
છેલ્લા ચાર દિવસમાં રાજસ્થાનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં કોટામાં સૌથી વધુ મૃત્યુ નોંધાયાં હતાં.

