Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉન, રસીકરણ અને માસ્ક માટે સખતાઈના વિરોધમાં આજે મહારૅલી

લૉકડાઉન, રસીકરણ અને માસ્ક માટે સખતાઈના વિરોધમાં આજે મહારૅલી

26 January, 2022 10:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેમાં બપોરે બે વાગ્યે સ્વદેશી સેના અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા આયોજિત આ રૅલીમાં વેપારીઓ, સામાજિક કાર્યકર્તાઓ, આરટીઆઇ ઍક્ટિવિસ્ટો, વકીલો, ડૉક્ટરો, કલાકારો અને જાગરૂક નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે

સ્વેદેશી સેના દ્વારા આયોજિત મહારૅલીનું બૅનર

સ્વેદેશી સેના દ્વારા આયોજિત મહારૅલીનું બૅનર


થાણેમાં આજે બપોરે બે વાગ્યે સ્વદેશી સેના અને અન્ય સામાજિક સંગઠનો તરફથી લૉકડાઉન, રસીકરણ અને માસ્ક માટે કરવામાં આવતી સખતાઈના વિરોધમાં મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલીના આયોજકો માને છે કે ‘દરેક વ્યક્તિના અમુક મૂળભૂત અધિકાર છે. તેણે કઈ અને ક્યારે મેડિકલ ટ્રીટમેન્ટ લેવી એ બંધારણની કલમ ૨૧ મુજબ તેની અંગત પસંદગી છે. ભારતીય નાગરિક માટે બંધારણીય અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિને તેની સંમતિ વિના સારવારના હેતુથી દવા અથવા રસી આપી શકાય નહીં. આ માટે ભારતમાં કોઈ સંસ્થા અથવા આપણા દેશનું કોઈ પણ પ્રશાસન તેને ફોર્સ કરી શકે નહીં.’ 
આ બાબતની માહિતી આપતાં સ્વદેશી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મદન દુબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્ય અને સ્થાનિક સરકારો આઇસીએમઆર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આરટીઆઇમાં આવેલા જવાબો તેમ જ કેન્દ્ર સરકારની માહિતીને અનુસરી રહી નથી. આ જ કારણે તેઓ રસીકરણ, આરટી-પીસીઆર પરીક્ષણ, સ્વચ્છતા, માસ્ક માટે બળજબરીથી દંડ વસૂલ કરવો અને લૉકડાઉન જેવાં કડક પગલાંઓ લઈ રહી છે. કોઈ પણ નક્કર વૈજ્ઞાનિક પુરાવા અથવા સંશોધન વિના આમ કરવા માટે તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ત્યારે અધિકૃત છે જ્યારે તે વ્યક્તિની સંમતિ હોય અને એ તેની ઇચ્છા વિરુદ્ધ ન હોય. તે વ્યક્તિને બળજબરીથી આપવામાં આવતી રસીની કે અન્ય દવાઓની આડઅસર, ઈજાઓ અને ત્યાર બાદ મૃત્યુ વિશેની જાણકારીથી તે વાકેફ હોવી જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રસી લેવાની ફરજ પાડવામાં આવવી ન જોઈએ. તે વ્યક્તિને ખાતરી હોવી જોઈએ કે તેના પર કરવામાં આવતા શારીરિક કે માનસિક દબાણથી તેને કોઈ નુકસાન પહોંચશે નહીં. નહીંતર બંધારણ અને કાયદા અનુસાર એ દીવાની અને ફોજદારી ગુનો છે.’ ભારત સરકારના નિર્દેશો પ્રમાણે વૅક્સિન લેવી સ્વૈચ્છિક છે અને એનાથી કોઈ પણ વ્યક્તિને કોઈ શારીરિક કે માનસિક નુકસાન થાય તો તેને કોઈ જ વળતર આપવામાં આવતું નથી એમ જણાવીને મદન દુબેએ કહ્યું હતું કે ‘આનાથી સ્પષ્ટ થાય છે કે વૅક્સિનને લીધે શારીરિક ઈજાઓ અને મૃત્યુને કારણે થતી પ્રતિકૂળ આડઅસરો માટે કોઈ પણ સંબંધિત અધિકૃત વ્યક્તિ, સંસ્થા અને સરકારની સુરક્ષા, ખાતરી કે વળતરી કોઈ જ જવાબદારી નથી.’
સરકાર કે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી વૅક્સિન, આરટી-પીસીઆર ટેસ્ટ, સ્વચ્છતા એટલે કે સૅનિટાઇઝેશન, માસ્કમાં જબરદસ્તીથી દંડ વસૂલ કરવો કે લૉકડાઉન જેવાં કડક પગલાં લેવાં એ બંધારણીય રીતે ગેરબંધારણીય છે એમ જણાવતાં મદન દુબેએ કહ્યું હતું કે ‘સરકાર અને મહાનગરપાલિકાની અત્યારની નીતિનો વિરોધ કરવા માટે આજે બપોરે બે વાગ્યે થાણે સ્ટેશનની અશોક ટૉકીઝ પાસેથી થાણે સ્ટેશનથી કોર્ટ નાકા, ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા સુધી સ્વદેશી સેના અને અન્ય સામાજિક સંગઠનો તરફથી મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સામાજિક કાર્યકર્તાઓ, આરટીઆઇ ઍક્ટિવિસ્ટો, વેપારીઓ, વકીલો, ડૉક્ટરો, કલાકારો અને જાગરૂક નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે.’
આ રૅલીમાં થાણેના વ્યાપારી મંડળના કમલેશ હેમાણી, વિનય શાહ અને અશોક મંગલા ઉપસ્થિત રહેશે એમ જણાવીને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનને લીધે વેપારીઓએ બહુ મોટા પાયે આર્થિક નુકસાની કરી છે. સરકાર પાસે આ નુકસાનીના વળતરની માગણી કરવાના ઉદ્દેશથી થાણે અને આસપાસના વેપારીઓ પણ આ રૅલીમાં મોટી સંખ્યામાં હાજરી આપશે.’


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2022 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK