પ્રિયંકા ગાંધીએ પલટવાર કરતાં કહ્યું, ૧૫૦ વર્ષથી આ ગીત દેશની આત્માનો હિસ્સો છે, આજે જ કેમ એની ચર્ચા થાય છે? કેમ કે બંગાળમાં ચૂંટણી આવી રહી છે
ગઈ કાલે લોકસભામાં નરેન્દ્ર મોદીએ વન્દે માતરમ્ રાષ્ટ્રીય ગીત માટે કૉન્ગ્રેસના ડરપોક વલણને વખોડ્યું હતું.
રાષ્ટ્રીય ગીત વન્દે માતરમ્ને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ગઈ કાલે લોકસભામાં એની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ૬૦ મિનિટના ભાષણમાં ૧૩ વાર કૉન્ગ્રેસ, ૭ વાર નેહરુ અને ત્રણ વાર જિન્નાહનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે ‘અંગ્રેજોને અપાયેલો કડક જવાબ હતો વન્દે માતરમ્. આ નારો આજે પણ પ્રેરણા આપે છે. આઝાદી વખતે મહાત્મા ગાંધીને પણ એ પસંદ હતો. જોકે છેલ્લા કેટલાક દાયકાઓમાં આ ગીત સાથે ખૂબ અન્યાય થયો છે. ૧૯૩૬ની ૧૫ ઑક્ટોબરે મોહમ્મદ અલી જિન્નાહે વન્દે માતરમ્ના વિરોધમાં બોલવાનું શરૂ કર્યું હતું અને કૉન્ગ્રેસના તત્કાલીન અધ્યક્ષ જવાહરલાલ નેહરુને પોતાનું સિંહાસન ડોલતું દેખાયું. નેહરુએ મુસ્લિમ લીગનાં આધારહીન નિવેદનોને કડક જવાબ આપવા અને નિંદા કરવાને બદલે તેમણે ખુદ આ ગીત વિશે જાંચપડતાલ શરૂ કરી દીધી. નેહરુએ મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેકવી દીધાં. તેમણે નેતાજીને પત્ર લખ્યો જેમાં જિન્નાહની ભાવના સાથે સહમતી દર્શાવતાં લખ્યું હતું કે આ વન્દે માતરમ્ની આનંદમઠવાળી પૃષ્ઠભૂમિથી મુસ્લિમોને ઠેસ પહોંચી શકે છે, આ બૅકગ્રાઉન્ડથી મુસ્લિમો ભડકશે. એ પછી કૉન્ગ્રેસની કાર્યસમિતિએ વન્દે માતરમ્ના ટુકડા કરી દીધા. આમજનતાએ પ્રભાતફેરીઓ કાઢી, પણ ઇતિહાસ પુરાવો આપે છે કે કૉન્ગ્રેસ મુસ્લિમ લીગ સામે ઘૂંટણિયે બેસી ગઈ.
વન્દે માતરમ રાષ્ટ્રભક્તો માટે એનર્જી છે તો કેટલાક માટે ઍલર્જી. હવે જિન્નાહના મુન્નાને વન્દે માતરમ્થી તકલીફ પડવા લાગી છે. - અનુરાગ ઠાકુર, સંસદસભ્ય, BJP
ADVERTISEMENT
જે વન્દે માતરમ્ ગીતે આઝાદીના આંદોલનને જોડવાનું કામ કર્યું આજે દરારવાદી લોકો એનાથી જ દેશને તોડવા માગે છે. વન્દે માતરમ્ માત્ર ગાવા માટે નથી, એનો અર્થ જીવવા માટે છે. - અખિલેશ યાદવ, સંસદસભ્ય, સમાજવાદી પાર્ટી
નરેન્દ્ર મોદીએ બીજું શું-શું કહ્યું?
વન્દે માતરમ્નાં ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે દેશ ગુલામીની બેડીઓમાં જકડાયેલો હતો. જ્યારે ૧૦૦ વર્ષ પૂરાં થયાં ત્યારે દેશ ઇમર્જન્સીના અંધારામાં હતો. હવે જ્યારે એને ૧૫૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે ભારત વિશ્વની સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ ચર્ચા સદનની પ્રતિબદ્ધતા તો દર્શાવશે જ, પણ આવનારી પેઢીઓ માટે શિક્ષાનું કારણ બનશે. આ એ જ વન્દે માતરમ્ છે જેણે ૧૯૪૭માં દેશને આઝાદી અપાવી હતી. અહીં કોઈ પક્ષ-વિપક્ષ નથી. આ વન્દે માતરમ્નું જ પરિણામ છે કે આજે આપણે બધા અહીં બેઠા છીએ. આજે એનો ઋણસ્વીકાર કરવાનો પાવનપર્વ છે. આ માત્ર રાજનીતિક આઝાદીની લડાઈનો મંત્ર નહોતો, આ મહાન સાંસ્કૃતિક પરંપરાનો આધુનિક અવતાર છે.
અંગ્રેજોએ વિભાજન કરીને રાજ કરવાનો રસ્તો અપનાવ્યો હતો. એ વખતે વન્દે માતરમ્એ કરોડો દેશવાસીઓને અહેસાસ કરાવ્યો હતો કે લડાઈ માત્ર જમીનના ટુકડા માટે નથી, માત્ર સત્તાના સિંહાસન પર કબજો કરવા માટે નથી, આઝાદીનો પૂરો પડાવ વન્દે માતરમ્ નારાથી પાર થયો છે. આવું ભવ્ય કાવ્ય કદાચ દુનિયામાં ક્યાંય નહીં બન્યું હોય.
અંગ્રેજો જાણતા હતા કે બંગાળ તૂટી જશે તો દેશ તૂટી જશે. ૧૯૦૫માં અંગ્રેજોએ બંગાળનું વિભાજન કર્યું, પરંતુ જ્યારે આ પાપ થયું ત્યારે વન્દે માતરમ્નો નારો ચટ્ટાનની જેમ ઊભો હતો. બંગાળની એકતા માટે ગલીએ-ગલીએ આ નાદ બની ગયો હતો. બંકિમદાએ જે ભાવથી આ તૈયાર કર્યું હતું એના દ્વારા અંગ્રેજો હલી ગયા હતા. વિચારો અંગ્રેજો કેટલા કમજોર હશે કે તેઓએ ગીત પર પ્રતિબંધ લગાવવા મજબૂર થવું પડ્યું. આ ગીત ગાવા કે છાપવા પર પ્રતિબંધ લગાવી દીધો.
યુવાનો માટે આ સ્વતંત્રતાનો મંત્ર હતો. ખુદીરામ બોઝ, રોશન સિંહ, રાજેન્દ્રનાથ લહરી, રામકૃષ્ણ વિશ્વાસ જેવા અગણિત સ્વતંત્રતાસેનાનીઓ છે જેમણે વન્દે માતરમ્ના નારા સાથે ફાંસીના ફંદાને હસતાં-હસતાં ગળે લગાવી લીધો હતો.
રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતનાં પહેલાં બે પદ લેવાનું જ કહેલું : મહુઆ મોઇત્રા
તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે ‘બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘વન્દે માતરમ્’ના માત્ર બે અંતરા ૧૮૭૫માં લખ્યા હતા. એ પછી ૧૮૮૨માં પોતાના પુસ્તકમાં બીજા ચાર અંતરા જોડ્યા. પહેલા બે અંતરા દેશની ખૂબસૂરતીને વર્ણવે છે જ્યારે પછીના અંતરા લડાયક ભાવનાવાળા છે. ૧૮૯૬માં રવીન્દ્રનાથ ટાગોરે પહેલી વાર એને સાર્વજનિક રૂપે ગાયું હતું. ૧૯૩૭માં કૉન્ગ્રેસે ટાગોરને પૂછ્યું હતું કે કયાં પદોનો ઉપયોગ કરવામાં આવે? ત્યારે તેમણે સાફ કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા માટે માત્ર પહેલાં બે પદ જ લેવામાં આવે. હવે ચૂંટણીનો સમય છે એટલે BJP આ વાતનો મુદ્દો બનાવી રહી છે. ખરેખર તેમને સાચે જ આ ગીત માટે સન્માન હોત તો અમારા લોકોને તેમનાં રાજ્યોમાં મારીને અમારી ભાષાને ‘બંગલાદેશી’ ન કહેતા હોત.’


