છત્તીસગઢમાં ૧ કરોડનું ઇનામ ધરાવતા રામધેર મજ્જી અને તેના ૧૧ સાથીદારોનું આત્મસમર્પણ
છત્તીસગઢના બકરકટ્ટાના નક્સલી કમાન્ડર રામધેર મજ્જી અને તેના સાથીઓએ હથિયાર સાથે આત્મસમર્પણ કર્યું હતું.
છત્તીસગઢના બકરકટ્ટા વિસ્તારમાં કુખ્યાત નક્સલી કમાન્ડર રામધેર મજ્જીએ તેના ૧૧ જણના આખા જૂથ સાથે પોલીસ સમક્ષ ગઈ કાલે સવારે ખૈરાગઢમાં આત્મસમર્પણ કર્યું હતું. આમાં ૬ મહિલા નક્સલીઓનો પણ સમાવેશ છે. રામધેર મજ્જીને લાંબા સમયથી નક્સલી સંગઠનનો ટોચનો નેતા માનવામાં આવતો હતો. તે થોડા સમય પહેલાં ઠાર થયેલા માડવી હિડમા કરતાં પણ વધારે શક્તિશાળી હતો. સુરક્ષા-એજન્સીઓએ તેના પર ૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. માડવી હિડમાના એન્કાઉન્ટર બાદ તેણે શરણાગતિ સ્વીકારી લીધી હતી. તેની શરણાગતિને સુરક્ષાદળો માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ પહેલી વાર છે જ્યારે આટલા હાઈ-પ્રોફાઇલ નક્સલીએ હથિયાર સાથે આત્મસમર્પણ કર્યું છે.
હિડમાના એન્કાઉન્ટર બાદ નક્સલવાદીઓ ભયભીત છે. નક્સલવાદીઓએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને ૧૫ ફેબ્રુઆરી સુધીનો સમય માગ્યો હતો. તેમણે શરણાગતિ સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે ત્રણેય રાજ્યોના અગ્રણી નક્સલવાદીઓએ શરણાગતિ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ હવે લગભગ નક્સલ-મુક્ત
રામધેર મજજી અને તેના સાથીઓની શરણાગતિ પછી એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે MMC ઝોન (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ) હવે લગભગ નક્સલ-મુક્ત છે.


