Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Short: દાર્જીલિંગમાં મમતાએ લીધી ચાની ચૂસકી

News In Short: દાર્જીલિંગમાં મમતાએ લીધી ચાની ચૂસકી

28 October, 2021 01:10 PM IST | New Delhi
Agency

મુખ્ય પ્રધાન તેમના પ્રધાનો અરૂપ બિશ્વાસ અને ઇન્દ્રનીલ સેન સાથે રસ્તામાં કીટલીવાળાની ચા પીતાં પણ નજરે પડ્યાં હતાં. ઇન્દ્રનીલ સેને મુખ્ય પ્રધાનની વિનંતી પર કેટલાંક ગીતો પણ ગાઈ સંભળાવ્યાં હતાં.

દાર્જીલિંગમાં મમતાએ લીધી ચાની ચૂસકી

દાર્જીલિંગમાં મમતાએ લીધી ચાની ચૂસકી


પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનર્જી બુધવારે દાર્જીલિંગથી ૩૨ કિલોમીટર દૂર આવેલા કુર્સેઓંગમાં મૉર્નિંગ-વૉક માટે નીકળ્યાં હતાં. મમતા બૅનરજીએ ચાલીને ૮ કિલોમીટર લાંબો પ્રવાસ ખેડ્યો હતો. મુખ્ય પ્રધાન તેમના પ્રધાનો અરૂપ બિશ્વાસ અને ઇન્દ્રનીલ સેન સાથે રસ્તામાં કીટલીવાળાની ચા પીતાં પણ નજરે પડ્યાં હતાં. ઇન્દ્રનીલ સેને મુખ્ય પ્રધાનની વિનંતી પર કેટલાંક ગીતો પણ ગાઈ સંભળાવ્યાં હતાં.

બીજિંગ ઑલિમ્પિક્સને કોરાના વાઇરસથી બચાવવી મોટો પડકાર



કોરોનાએ ફરીથી ઉછાળો મારતાં ચીને ૧૧ જેટલા પ્રાંતોમાં માસ ટેસ્ટિંગ શરૂ કર્યું, રેલમાર્ગ તથા રસ્તાઓને તેમ જ ૮૦૦થી વધુ સ્કૂલોને ફરી બંધ કરી


આવતા વર્ષે ચીનના બીજિંગમાં ઑલિમ્પિક્સ યોજાવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી રમતગમત સ્પર્ધા ઑલિમ્પિક્સનું યજમાન બનનાર ચીન કોરોનાના નવા સંક્રમણને કારણે ચિંતામાં મૂક્યું છે. ઑલિમ્પિક્સ શરૂ થવાના ૧૦૦ દિવસ બાકી છે ત્યારે રાજધાની બીજિંગમાં તંત્રએ સંક્રમણનો વ્યાપ ખાળવા લાખો લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપેલી છે. ફેબ્રુઆરીમાં ઑલિમ્પિક્સનો પ્રારંભ થવાનો છે. એ સાથે ચીનનું બીજિંગ સમર અને વિન્ટર બન્ને ઑલિમ્પિક્સનું યજમાન બનનારું વિશ્વમાં પહેલું શહેર બનશે. ગયા અઠવાડિયે જ ઑલિમ્પિક્સની વિખ્યાત મશાલ સામાન્ય કાર્યક્રમ સાથે ચીનમાં લાવવામાં આવી છે.
અસરગ્રસ્ત ૧૧ પ્રાંતોમાં ચીને માસ ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને રેલમાર્ગ તથા રસ્તાઓને બંધ કરી દીધા છે. ૮૦૦થી વધુ સ્કૂલોને ફરી બંધ કરી દીધી છે અને ૩૫ લાખ લોકોનું ફરી ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. ૪૦ લાખ લોકોને ઇમર્જન્સી સિવાય ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. અનેક વિસ્તારોમાં સંપૂર્ણ લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. પ્રેસ-કૉન્ફરન્સમાં ઑલિમ્પિક્સના આયોજન સાથે સંકળાયેલા મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે આયોજન સામે અત્યારે કોરોના મહામારી સૌથી મોટો પડકાર છે. ઑલિમ્પિક્સના આયોજનને લઈને ચીન ઝીરો-કોવિડની નીતિ અમલમાં મૂકી સઘન પગલાં ભરી રહ્યું છે.

સરકારી કચેરીઓમાં ફાઇલોનું સફાઈ અભિયાન


મોદીના આદેશ બાદ બે મહિનામાં ખાલી થશે બે રાષ્ટ્રપતિભવન જેટલી જગ્યા

ઑક્ટોબરના અંત સુધીમાં સરકારી કચેરીઓમાં ફાઇલોની સફાઈ કરીને લગભગ બે રાષ્ટ્રપતિ ભવનના વિસ્તાર જેટલી જગ્યા ખાલી કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઑક્ટોબર મહિનામાં સરકારી કચેરીઓમાં ફાઇલો દૂર કરવાની કામગીરીનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
બીજી ઑક્ટોબરથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધી ૭.૩ લાખ ફાઇલોનો નાશ કરવામાં આવ્યો છે અને એનાથી ૩.૧૮ લાખ ચોરસફુટ જેટલી જગ્યા ખાલી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિભવનનો વિસ્તાર બે લાખ ચોરસફુટ છે, એનાથી બમણી જગ્યા આ ફાઇલોનો નાશ કરીને ખાલી કરવામાં આવશે. એક ઉચ્ચાધિકારીના જણાવ્યા પ્રમાણે ૯,૩૧,૪૪૨ જૂની થઈ ગયેલી ફાઇલોનો નાશ કરવા માટે આદેશ મળી ગયો છે. એમાંથી ૭૮ ટકા કામ પૂરું પણ થઈ ગયું છે અને બાકી આ મહિનાના અંત સુધીમાં પૂરું થઈ જશે.

દિલ્હીવાસીઓને કરાવાશે મફતમાં અયોધ્યા યાત્રા

કૅબિનેટની મંજૂરી મળ્યા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુખ્ય મંત્રી તીર્થ કલ્યાણ યોજનામાં અયોધ્યાનો સમાવેશ કર્યાની જાહેરાત કરી હતી. મુખ્ય મંત્રી તીર્થ કલ્યાણ યોજનામાં જગન્નાથપુરી, ઉજ્જૈન, શિર્ડી,  અમ્રિ​તસર, જમ્મુ, દ્વારકા, મથુરા, તિરૂપતિ, રામેશ્વરમ, હરિદ્વાર અને બોધગયા ઉપરાંત હવે અયોધ્યાનો પણ સમાવેશ કર્યો છે. અયોધ્યામાં નિ:શુલ્ક રામલલ્લાનાં દર્શન કરવા માગતા ભાવિકોને દિલ્હી સરકાર તમામ પ્રકારની સહાય કરશે એવું મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું.

વિરોધ-પ્રદર્શનને રોકવા ઇસ્લામાબાદ સીલ

પાકિસ્તાનમાં રાવલપિંડી અને ઇસ્લામાબાદનું જિલ્લા વહીવટી તંત્ર વિરોધ-પ્રદર્શનકારીઓના કાફલાને આવતો રોકવા કમર કસી રહ્યું છે. તંત્રએ ફૈઝાબાદ તરફના રસ્તાને બંધ કરી દીધો છે અને મુખ્ય વિસ્તારો તેમ જ રસ્તાઓને સીલ કરવામાં આવી રહ્યા છે. તહરિક-એ-લબાઇક-પાકિસ્તાન (ટીએલપી)ના કાર્યકરો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.
પાકિસ્તાની પ્રશાસને ટીએલપી પક્ષ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને રાવલપિંડીના પક્ષના આગેવાનોની ધરપકડ કરવાના પ્રયાસ કર્યા હતા, પણ તેઓ પકડાઈ શક્યા નહોતા. જોકે ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાંથી પાંચેક નેતાઓને ચર્ચાવિચારણા પછી છોડવામાં પણ આવ્યા છે. ટીએલપી દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે ફ્રાન્સના રાજદૂતને દેશમાંથી હાકી કાઢવામાં આવે, તેની સામે પાકિસ્તાનના મંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર તે માગણી સ્વીકારી શકે તેમ નથી. આ જાહેરાત બાદ ટીએલપીના કાર્યકરો ઇસ્લામાબાદમાં ધસી આવશે તેવી પક્ષે ચીમકી ઉચ્ચારી હતી. તેના પગલે વહીવટી તંત્રએ સજ્જ થઈને સુરક્ષા વધારી દીધી છે અને વિસ્તારોને સીલ કરવાની શરૂઆત કરી દીધી છે.

ચીનના નવા જમીન સરહદ કાયદા પર ભારતે ચિંતા વ્યક્ત કરી

બીજિંગે દેશની સરહદના વિસ્તારોનું રક્ષણ કરવા તેમ જ એનો લાભ ઉઠાવવા માટે શનિવારે અપનાવેલા ચીનના નવા જમીન સરહદ કાયદા પર ભારતે ગઈ કાલે ચિંતા દર્શાવી હતી. 
ચીનના જમીન સરહદ કાયદા પર મીડિયા દ્વારા કરાયેલા પ્રશ્નોના ઉત્તરમાં વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘નવો કાયદો લાવવાનો ચીનનો એકપક્ષીય નિર્ણય જેની અસર આપણી સરહદની દેખરેખની દ્વિપક્ષીય વ્યવસ્થા પર તેમ જ સરહદના પ્રશ્નો પર પડે છે, એ અમારા માટે ચિંતાનો વિષય છે.’   
અરિંદમ બાગચીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘આ નવો કાયદો પસાર થવાથી ભારત સરકાર જેને સતત ગેરકાયદે અને ગેરમાન્ય કરાર જણાવી રહી છે એ કહેવાતા વર્ષ ૧૯૬૩ના ચીન-પાકિસ્તાન સરહદ કરારની કાયદેસરતાને સ્વીકૃતિ મળતી નથી.’ 
નવો કાયદો વર્ષ ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીથી અમલી બનશે. ધારાશાસ્ત્રીઓએ નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીના વિધાનસભા સત્રના અંતમાં કાયદાને મંજૂર કર્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 01:10 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK