Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

30 November, 2021 09:19 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત બાયોટેકે કોવૅક્સિનની નિકાસ શરૂ કરી; ભારતમાં એક પણ કેસ નહીં છતાં સરકાર સતર્ક; કોવિડથી થયેલાં મૃત્યુ પર મળનારા વળતરનો પ્રચાર કરો; દિલ્હીમાં નિર્માણકાર્ય પર પ્રતિબંધ અને વધુ સમાચાર

સંસદમાં સેલ્ફી વિવાદ ગઈ કાલે એક તરફ સંસદમાં કૃષિ કાયદાને મામલે ભારે હંગામો હતો તો બીજી તરફ સવારે શશી થરૂરે છ મહિલા સંસદસભ્યો સાથે સંસદના પરિસરમાં એક સેલ્ફી લીધો હતો. તેમ જ ટ્વીટ કરતાં કહ્યું હતું કે કોણે કહ્યું કે લોકસભા એક કામ કરવા માટે સારું સ્થળ નથી. આ મામલે દિવસભર સોશ્યલ મીડિયામાં ભારે વિવાદ થતાં થરૂરે છેવટે માફી પણ માગી હતી. થરૂર સાથે સેલ્ફીમાં સુપ્રિયા સુળે, પ્રિનિત કૌર, થામીઝાચી થંગપાન્ડિયન, મિમી ચક્રવર્તી, નુસરત જહાન રૂહી અને જ્યોતિમણિ. (તસવીર : પી.ટી.આઇ.)

સંસદમાં સેલ્ફી વિવાદ ગઈ કાલે એક તરફ સંસદમાં કૃષિ કાયદાને મામલે ભારે હંગામો હતો તો બીજી તરફ સવારે શશી થરૂરે છ મહિલા સંસદસભ્યો સાથે સંસદના પરિસરમાં એક સેલ્ફી લીધો હતો. તેમ જ ટ્વીટ કરતાં કહ્યું હતું કે કોણે કહ્યું કે લોકસભા એક કામ કરવા માટે સારું સ્થળ નથી. આ મામલે દિવસભર સોશ્યલ મીડિયામાં ભારે વિવાદ થતાં થરૂરે છેવટે માફી પણ માગી હતી. થરૂર સાથે સેલ્ફીમાં સુપ્રિયા સુળે, પ્રિનિત કૌર, થામીઝાચી થંગપાન્ડિયન, મિમી ચક્રવર્તી, નુસરત જહાન રૂહી અને જ્યોતિમણિ. (તસવીર : પી.ટી.આઇ.)


ભારત બાયોટેકે કોવૅક્સિનની નિકાસ શરૂ કરી

હૈદરાબાદ : હૈદરાબાદસ્થિત ભારત બાયોટેકે ગઈ કાલે કોવિડ-19 વૅક્સિન કોવૅક્સિનની નિકાસ શરૂ કર્યાની જાહેરાત કરી હતી.
કોવૅક્સિનના લાંબા સમયથી પેન્ડિંગ પડેલા ઑર્ડર્સ નવેમ્બર મહિનામાં પૂરા કરવામાં આવ્યા હતા તથા આગામી મહિનાઓ દરમ્યાન વધુ ઑર્ડર લેવામાં તેમ જ પૂરા કરવામાં આવશે એમ જણાવતા કંપનીએ કહ્યું હતું કે વધુ દેશો કોવૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી રહ્યા હોવાથી ડિસેમ્બર મહિનાથી અન્ય દેશોમાં પણ નિકાસ શરૂ કરાશે. વૅક્સિનની નિકાસને મંજૂરી આપવા બદલ ભારત સરકારનો આભાર માનતા કંપનીએ કહ્યું હતું કે હવે મહામારીના સમયગાળામાં કોવૅક્સિન વૅક્સિન વૈશ્વિક ફ્લાઇટ્સનો અભિન્ન હિસ્સો બની રહેશે. અગાઉ કંપનીએ જણાવ્યું હતું કે તે વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં કોવૅક્સિનની વાર્ષિક ઉત્પાદનક્ષમતા એક અબજ ડોઝની કરવા સુસજ્જ છે. 



 


ભારતમાં એક પણ કેસ નહીં છતાં સરકાર સતર્ક

નવી દિલ્હી : ભારતીય અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશમાં હજી સુધી કોરોના વાઇરસનો ઘાતક ઑમિક્રૉન વેરિઅન્ટ દેખાયો નથી. ઑમિક્રૉન વેરિઅન્ટ ગયા સપ્તાહે સૌથી પહેલાં સાઉથ આફ્રિકામાં નોંધાયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને ચિંતાના વિષય સમાન ગણાવ્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ દેશમાં આ વેરિઅન્ટનો એક પણ કેસ નોંધાયો નથી, તેમ છતાં વિદેશથી આ‍વતા સંક્રમિત પ્રવાસીઓનાં સૅમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ચેપી વેરિઅન્ટ ઘણા બધા દેશોમાં પ્રસરે એવી શક્યતા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા આ વાઇરસ જ્યાં ફેલાયો છે એવા દેશોમાં જનાર તેમ જ આ‍વનાર લોકોને ચેતવણી આપી છે. વળી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ફરી શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવાનું પણ નક્કી કર્યું છે. 


 

કોવિડથી થયેલાં મૃત્યુ પર મળનારા વળતરનો પ્રચાર કરો : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : કોવિડ-19 મૃત્યુ બાદ વળતર માટે દાવો કરનારાઓની સંખ્યા ઓછી હોવા બાબતે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે વળતરની યોજના વિશે પૂરતી જાહેરાત કરવામાં આવી છે કે નહીં તે વિશે માહિતી આપવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ. આર. શાહ અને બી. વી. નાગરત્નની બૅન્ચે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને  રાજ્યમાં થયેલાં કોવિડ મૃત્યુ, વળતરના મળેલા દાવાઓ તેમ જ કેટલી વ્યક્તિને વળતર ચૂકવાયું તેની વિસ્તૃત માહિતી આપવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને એવા પણ આદેશ આપ્યા હતા કે તમામ રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રીવન્સીસ રિડ્રેસલ કમિટીનું ગઠન થયું છે કે નહીં તથા કોવિડ મૃત્યુ પર મળનારા વળતર વિશે લોકોમાં વ્યાપક માહિતીનો પ્રસાર કરવામાં આવ્યો છે કે નહીં તેની પણ જાણકારી આપવા કહ્યું હતું. આ તમામ માહિતી ૩ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં ગૃહ મંત્રાલય, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા કે એનડીએમએને સુપરત કરવાના નિર્દેશ આપ્યા છે.

 

આંદોલન પાછું નહીં ખેંચાય : રાકેશ ટિકૈત

ગાઝીપુર બૉર્ડર નજીક ખેડૂતનેતા રાકેશ ટિકૈત (તસવીર : પી.ટી.આઇ.)

કૌસંબી : ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ગઈ કાલે કહ્યું હતું કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને અન્ય મુદ્દે ચર્ચા નહીં થાય ત્યાં સુધી ખેડૂતો પોતાનાં ધરણાં પાછાં નહીં ખેંચે. સરકાર એવું ઇચ્છે છે કે દેશભરમાં કોઈ વિરોધ નહીં થાય, પરંતુ ટેકાના ભાવ તેમ જ અન્ય મુદ્દે વાતચીત નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ધરણાસ્થળેથી હટશે નહીં. સંસદમાં રદ કરવામાં આવેલા કૃષિ બિલ વિશે કિસાન નેતાએ કહ્યું હતું કે આ ધરણાં દરમ્યાન મૃત્યુ પામેલા ૭૫૦ ખેડૂતોને મળેલી આ અંજલિ છે. જોકે અન્ય મુદ્દોઓનો ઉકેલ હજી બાકી હોવાથી વિરોધ યથાવત્ રહેશે. 

 

દિલ્હીમાં નિર્માણકાર્ય પર પ્રતિબંધ

નવી દિલ્હી : હવાના પ્રદૂષણને કારણે દિલ્હીના પર્યાવરણપ્રધાન ગોપાલ રાયે તમામ ડિપાર્ટમેન્ટ સાથે કરેલી ચર્ચાઓ બાદ નવો આદેશ ન આવે ત્યાં સુધી બાંધકામને લગતી તમામ પ્ર​વૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરોના ખાતામાં ૫૦૦૦ રૂપિયા પણ જમા કરવામાં આવશે. જોકે ઇલેક્ટ્રિક વર્ક, ઇન્ટિરિયર ડેકોરેશન અને પ્લમ્બિંગ કામ ચાલુ રાખી શકાશે. સાત ડિસેમ્બર સુધી દિલ્હીમાં ટ્રકના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરમાં તાપણું કરનારાઓ પર કાર્યવાહી કરીને એમની પાસેથી ૨૮.૭૬ લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડની મદદથી પાણીનો છંટકાવ કરવાનો કાર્યક્રમ પણ ચાલુ રાખવામાં આવશે. જે કારમાં પીયુસી સર્ટિફિકેટ નહીં હોય એની પણ ચકાસણી કરવામાં આવશે.

 

વિરોધ પક્ષના ૧૨ સંસદસભ્યો સસ્પેન્ડ

નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્રમાં ૧૧ ઑગસ્ટે ગૃહમાં ધાંધલ કરવા બદલ રાજ્યસભાએ ગઈ કાલે સંસદના સંપૂર્ણ શિયાળુ સત્ર માટે ૧૨ સંસદસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા.  સસ્પેન્ડ થયેલા સભ્યોમાં કૉન્ગ્રેસ, સીપીઆઇ, સીપીઆઇ-એમ અને શિવસેનાના સભ્યો સામેલ હતા. સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાનો મુદ્દો ગઈ કાલથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે વિખવાદનો એક વધુ મુદ્દો બની શકે છે. સવારના રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ  સંસદના અગાઉના સત્રમાં થયેલી ધાંધલને લઈને તેઓ નારાજ હોવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે સંસદના છેલ્લા સત્ર દરમ્યાન કેટલાક સભ્યોના વિક્ષેપ અને બેજવાબદારભર્યા વર્તનથી બધાને પરેશાની વેઠવી પડી હતી. તેમણે સંસદસભ્યોને આ ઘટનામાંથી બોધપાઠ લેવા વિનંતી કરી હતી. 

 

શ્રીલંકામાં ભારે વરસાદ, ૧૪નાં મૃત્યુ

કોલંબો : શ્રીલંકામાં ગયા અઠવાડિયાથી ભારે પવન સાથે પડી રહેલા અવિરત વરસાદને પગલે લગભગ ૧૪ વ્યક્તિ મૃત્યુ પામી છે, જ્યારે કે એક વ્યક્તિ ગુમ થઈ હોવાનું ડિઝેસ્ટર મૅનેજમેન્ટ સેન્ટર (ડીએમસી)એ જણાવ્યું હતું. ડીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા આંકડાઓ મુજબ પ્રતિકૂળ હવામાનને કારણે કુલ ૯ જિલ્લાના એક લાખ જેટલા પરિવાર અસરગ્રસ્ત થયા છે, જ્યારે કે ૧૧૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું ઝીનહુઆ ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું. વરસાદને કારણે બનેલી ઘટનાઓમાં આશરે બાવીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે. શ્રીલંકાના હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે લગભગ ૧૯ જિલ્લાઓમાં ૧૦૦ મિલીમીટર જેટલો ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં આ તમામ ૧૯ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 09:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK