આ વિશેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ઝેરી હવા પર હવે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)એ કડક વલણ અપનાવ્યું છે. ગયા અઠવાડિયે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ને જાણ કરવામાં આવી હતી કે ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન (GRAP) હેઠળની કાર્યવાહી હજી પણ ૨૦૧૮ના જૂના ઉત્સર્જન ડેટા પર આધારિત છે. આ પહેલાં ૨૩ ઑક્ટોબરે વડા પ્રધાનના મુખ્ય સચિવ પી. કે. મિશ્રાની અધ્યક્ષતા હેઠળ એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકમાં ઉત્સર્જનને લગતા નવા અભ્યાસને ઝડપથી પૂર્ણ કરવા માટે કડક સૂચના જારી કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવો તેમ જ પર્યાવરણ, વીજળી, ગૃહનિર્માણ અને કૃષિ સહિત આઠ મંત્રાલયોના સચિવોએ હાજરી આપી હતી.
ધૂળ સૌથી મોટી સમસ્યા
દિલ્હી-NCRમાં ધૂળ (ડસ્ટ), પાર્ટિક્યુલેટ મૅટર (PM) 2.5 અને PM 10 પ્રદૂષણનો સૌથી મોટો સ્રોત છે એથી PMOએ તમામ મુખ્ય શહેરી અને ઔદ્યોગિક રસ્તાઓ પરથી ઊડતી ધૂળને હટાવવા માટે ટાઇમ-બાઉન્ડ ઍક્શન પ્લાનનો આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ રસ્તાઓ પર પેવિંગ કરવામાં આવશે અને રોડને હરિયાળા બનાવવામાં આવશે. કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM)એ જણાવ્યું હતું કે NCRમાં હજારો કિલોમીટર ઔદ્યોગિક રસ્તાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. દરરોજ ૮૦૦૦ ટન બાંધકામ અને ડિમોલિશન કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રોસેસિંગની ક્ષમતા અપૂરતી રહે છે.
ADVERTISEMENT
મહિનાઓ પહેલાં શરૂ થઈ સ્ટડી
દિલ્હીમાં પ્રદૂષણના સ્રોત શોધવાની સ્ટડી ઘણા મહિનાઓ પહેલાં શરૂ થઈ હતી. સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. વાહનોના ધુમાડાથી વધારે પ્રદૂષણ ફેલાય છે. સમગ્ર NCRમાં કુલ વાહનોમાંથી અડધાથી વધુ દિલ્હીમાં છે. ૩૭ ટકા વાહનો હજી પણ જૂનાં BS-Iથી BS-III ધોરણોનું પાલન કરે છે. ૫૦,૦૦૦ ઔદ્યોગિક એકમો છે જેમાંથી ૧૧,૦૦૦ પ્રદૂષણ ફેલાવે છે. પ્રદૂષણ માટે ૩૯ ટકા પરિવહન, ૧૮ ટકા રસ્તાની ધૂળ, ૧૧ ટકા પાવર પ્લાન્ટ અને ૩ ટકા ઉદ્યોગો જવાબદાર છે. હવે ઉપલબ્ધ નવા ડેટા સાથે GRAP નિયમો વધુ કડક બની શકે છે.
૧૦ ડિસેમ્બરે સુનાવણી
કોર્ટે પ્રદૂષણ ઘટાડવાની યોજનાઓ પર CAQM પાસેથી રિપોર્ટ માગ્યો હતો. કોર્ટે CAQMને એક અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને હવે આગામી સુનાવણી ૧૦ ડિસેમ્બરે થશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતનો મહત્ત્વનો સવાલ: કોવિડમાં પરાળી સળગાવવાનું ચાલુ રહ્યું હતું છતાં આકાશ કેમ બ્લુ રહેતું હતું?
દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે. આ વિશેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘આ કોઈ મોસમી વિવાદ નથી પરંતુ સતત દેખરેખ રાખવાની જરૂરનો મુદ્દો છે. અમે ચૂપ રહી શકીએ નહીં. કોરોનાના રોગચાળા દરમ્યાન પણ ખેડૂતોએ પરાળી બાળી હતી છતાં આકાશ બ્લુ રહ્યું હતું. આ મુદ્દો હવે ફક્ત ઑક્ટોબર-નવેમ્બરમાં જ ઉઠાવવામાં આવશે નહીં, પરંતુ નિયમિતપણે સૂચિબદ્ધ કરવામાં આવશે જેથી સરકારોએ મોસમ સમાપ્ત થવાની રાહ જોવી ન પડે. જ્યારે ખેડૂતોનું નીતિનિર્માણમાં મર્યાદિત પ્રતિનિધિત્વ હોય છે ત્યારે દર વર્ષે પરાળી બાળવા બદલ દોષી ઠેરવવાનું સરળ છે. ખેડૂતોને જાગ્રત અને સંવેદનશીલ બનાવવાની જરૂર છે. આપણે તેમને જરૂરી મશીનરી પૂરી પાડવી જોઈએ.’


