હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં મણિકર્ણ ઘાટી પાસેના ઢડેઈ ગામમાં રવિવારે મોડી રાતે અચાનક આગ લાગતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી
અગ્નિકાંડ
હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં મણિકર્ણ ઘાટી પાસેના ઢડેઈ ગામમાં રવિવારે મોડી રાતે અચાનક આગ લાગતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં એક પ્રાચીન મંદિરનો ભંડાર, મંદિરને અડીને આવેલો આશ્રમ પરિસર અને બે ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. મંદિરનો જે ભંડાર સળગી ગયો એમાં દેવતાઓ અને મંદિરની મહત્ત્વપૂર્ણ ધાર્મિક ચીજો રાખવામાં આવી હતી. આ ભંડાર સદીઓથી આસ્થાનું કેન્દ્ર રહ્યો છે, જે રવિવારની રાતે લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ ખબર નથી પડી, પરંતુ આગ લાગ્યાની ખબર પડી એ પછી બળી ગયેલા મંદિર કે ઘરોમાંથી લોકો કોઈ સામાન બહાર કાઢી શક્યા નહોતા. ફાયરબ્રિગેડની ગાડી આવી ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. ચાર કલાકે આગ ઠરી હતી. પ્રારંભિક અંદાજ મુજબ અગ્નિકાંડમાં લગભગ એક કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.


