શ્રીનગરના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ડૉ. જી. વી. સંદીપ ચક્રવર્તીએ જૈશ-એ-મૌહમ્મદના એક પોસ્ટરને ગંભીરતાથી ન લીધું હોત તો ૧૦ નવેમ્બરનો કાર-બ્લાસ્ટ ન થયો હોત, પણ ૬ ડિસેમ્બરે દેશભરમાં કાર-બૉમ્બ ધણધણી ઊઠ્યા હોત
ડૉ. જી. વી. સંદીપ ચક્રવર્તી
ડૉક્ટરોના વાઇટ કૉલર ટેરર નેટવર્કને પકડવા માટે ભારતને શ્રીનગરમાં તહેનાત પોલીસ-ઑફિસરની સજાગતા કામ આવી હતી. દિલ્હીમાં બ્લાસ્ટ ૧૦ નવેમ્બરે થયો, પરંતુ આ પ્રકારના સંભવિત હુમલાને ખાળવા માટે પોલીસ અને સુરક્ષા-એજન્સીઓ છેક વીસ દિવસ પહેલાંથી સક્રિય થઈ ગઈ હતી. શ્રીનગરમાં ૧૯ ઑક્ટોબરે રાતે નૌગામ-બુનપોરામાં જૈશ-એ-મોહમ્મદનું પોસ્ટર ફરતું થયું એમાં સુરક્ષાદળોને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવેલી. મોટા ભાગના સ્થાનિક લોકોએ આ ચેતવણીને કાશ્મીરના હિંસક અતીતની ભુતાવળ સમજીને નજરઅંદાજ કરી દીધી હતી, પરંતુ શ્રીનગરના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ડૉ. જી. વી. સંદીપ ચક્રવર્તીને આ સંકેતો ખૂબ ખતરનાક અને નજરઅંદાજ ન કરી શકાય એવા લાગ્યા.
ડૉક્ટરમાંથી IPS ઑફિસર બનેલા ડૉ. સંદીપે વીસમી ઑક્ટોબરે સવારે જ નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટક પદાર્થ અને શસ્ત્રોની ધારાનો કેસ નોંધ્યો અને આ પોસ્ટર કોણ અને ક્યાંથી લગાવી ગયું એનાં CCTV કૅમેરાનાં ફુટેજ ફંફોસવામાં આવ્યાં. ફ્રેમ–બાય-ફ્રેમ તપાસ કરતાં ત્રણ લોકોની અટક થઈ. તેમની પૂછતાછમાં શોપિયાંમાં રહેતા મૌલવી ઇરફાન અહમદનું નામ આવ્યું જે ૨૦૨૦થી નૌગામ મસ્જિદમાં નમાજ પઢાવે છે. પોલીસે અહમદના ઘરે તલાશી લીધી ત્યાંથી મળેલી શંકાસ્પદ ડિજિટકલ કમ્યુનિકેશન ફુટપ્રિન્ટ્સ પરથી જમ્મુ-કાશ્મીરની બહાર ફેલાયેલા તેના સાથીદારો વિશે લીડ મળી. આ સાથીદારો હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલા હતા. આ કડીઓને સાધવા માટે પોલીસ ફરીદાબાદની મેડિકલ કૉલેજમાં કાર્યરત અને જૈશ-એ-મોહમ્મદ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું મનાતા પુલવામા નિવાસી ડૉ. મુઝમ્મિલ અહમદ સુધી પહોંચી અને પછી તો વિસ્ફોટકો મળ્યા એટલે કંઈક બહુ જ મોટી ઘટનાને અંજામ આપવાની શંકા સાચી ઠરી હતી.
ADVERTISEMENT
કોણ છે આ પોલીસ-અધિકારી ?
સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ડૉ. જી. વી. સંદીપ ચક્રવર્તી ૨૦૧૪ના બૅચના IPS ઑફિસર છે. તેમણે તાજેતરના ઑપરેશન મહાદેવમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવીને પહલગામ હુમલા સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓને માર્યા હતા. એ માટે ગૃહ પ્રધાન અમિત શાહે તેમને કેન્દ્રીય ગૃહપ્રધાન દક્ષતા ચંદ્રકથી નવાજ્યા હતા. આંધ્ર પ્રદેશના કુર્નૂલના કલ્લૂર ગામમાં તેમનો જન્મ થયો હતો. માતા-પિતા બન્ને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલા હતા. કુર્નૂલ મેડિકલ કૉલેજમાં મેડિકલનો અભ્યાસ કરીને ૨૦૧૦માં ડૉક્ટર બન્યા હતા. બેથી ત્રણ વર્ષ મેડિકલ પ્રૅક્ટિસ કર્યા પછી તેમણે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)માં જોડાવાનું નક્કી કર્યું અને ૨૦૧૪માં તેઓ IPS અધિકારી બન્યા.


