આ બહેનનું જડબું એટલું ખસી ગયેલું કે સામાન્ય ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા.
ઇન્કિલાદેવી
ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં એક ઠેલા પર પાણીપૂરી ખાવા ગયેલી મહિલાને એવી તકલીફ થઈ ગઈ કે હવે ડૉક્ટરો પણ એનું સૉલ્યુશન શોધી નથી શકતા. વાત એમ છે કે કિશનપુર ગામમાં રહેતા વીરેન્દ્ર સિંહ નામના ભાઈની પત્ની ઇન્કિલાદેવીને કામસર ઓરૈયા જવાનું થયું હતું. શહેરમાં કામ પતાવ્યા પછી બપોરે સરકારી હૉસ્પિટલની પાસે આવેલા એક પાણીપૂરીવાળાને ત્યાં બધી જ સહેલીઓ રોકાઈ. બધા હસીમજાક કરીને પાણીપૂરીનો લુત્ફ ઉઠાવી રહ્યા હતા એવામાં અચાનક જ ઇન્કિલાદેવીનું જડબું લૉક થઈ ગયું. તેમણે મોટી પૂરી મોંમાં મૂકવા માટે મોંઢું ખોલ્યું એ જ વખતે જડબું ડિસલોકેટ થઈ જવાથી મોં ખુલ્લું જ રહી ગયું. સામાન્ય રીતે ઉપર અને નીચેનાં જડબાંનાં હાડકાં એકબીજામાં સેટ થઈ જાય એ રીતે ગોઠવાયેલાં હોય છે, જે એક રીતે દરવાજાના મિજાગરા જેવું કામ આપે છે. જોકે ઇન્કિલાદેવીનાં જડબાંના મિજાગરા જેવા સેટઅપમાંથી એક હાડકું ખસી જવાથી ખૂલેલું મોં બંધ થઈ જ ન શક્યું. જેવું તેઓ મોં બંધ કરવાનો પ્રયાસ કરે કે પીડા થઈ આવે. ખૂબ પ્રયત્ન કર્યો પણ મોં બંધ જ ન થતાં તેમની બહેનપણીઓ તેમને પાસેની હૉસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં હાજર ડૉ. મનોજ કુમાર અને ડૉ. શત્રુઘ્ન સિંહે જડબું પાછું બેસાડવાની કોશિશ કરી પણ સફળતા ન મળી. ડૉક્ટરોનું કહેવું હતું કે જ્યારે વધુ પરાણે મોં ખોલવામાં આવે છે ત્યારે ક્યારેક આવું થઈ શકે છે અને હાડકાંનું લૉક ખસી જતાં મોં ખોલ-બંધ કરવાનું ફંક્શન અટકી જાય છે. સામાન્ય રીતે નિષ્ણાત એ હાડકાંને ખસેડીને પાછું પોતાની મૂળ જગ્યાએ લાવી શકે છે. જોકે આ બહેનનું જડબું એટલું ખસી ગયેલું કે સામાન્ય ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા.


