લૅપટૉપમાં ધમાકો થતાં પહેલાં ચાર્જિંગ પૉઇન્ટમાંથી ઝેરી ધુમાડો નીકળવા લાગે છે જેને કારણે અચાનક જ ચાલુ ક્લાસે રૂમને ખાલી કરવાની નોબત આવી જાય છે.
લૅપટૉપમાં આગ લગાવવાનો જોખમી ટ્રેન્ડ શરૂ કર્યો છે અમેરિકન બાળકોએ
અમેરિકામાં ટિકટૉક પર એક અતિવિચિત્ર ટ્રેન્ડ શરૂ થયો છે. બાળકો પોતાના લૅપટૉપના ચાર્જિંગ પૉઇન્ટમાં કોઈક ચીજ ફસાવી દે છે જેને કારણે ચાર્જરમાં આગ લાગીને ઝેરી ધુમાડો ફેલાવા લાગે છે. આ જોખમી ઘટના બાળકોમાં ટ્રેન્ડિંગ થઈ ગઈ છે. બાળકો આ ઘટનાનો વિડિયો લઈને ટિકટૉક પર શૅર કરી રહ્યાં છે. #chromebookchallenge સાથે અમેરિકાની સ્કૂલના સ્ટુડન્ટ્સ લૅપટૉપને આગ લગાવે છે. એનાથી સ્કૂલના ટીચર્સ અને બાળકોના પેરન્ટ્સ બન્ને પરેશાન છે. ચીની વેબસાઇટ ટિકટૉક પર એનો ટ્રેન્ડ દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે. ઘણાં બાળકો લૅપટૉપના ચાર્જિંગ પૉઇન્ટમાં કાગળ, પેન્સિલની લીડ કે ફૉઇલ પેપર જેવી ચીજો નાખી દે છે અને પછી એને ચાર્જ કરવા મૂકે છે. એનાથી શૉર્ટ-સર્કિટ થાય છે. લૅપટૉપમાં ધમાકો થતાં પહેલાં ચાર્જિંગ પૉઇન્ટમાંથી ઝેરી ધુમાડો નીકળવા લાગે છે જેને કારણે અચાનક જ ચાલુ ક્લાસે રૂમને ખાલી કરવાની નોબત આવી જાય છે.
અમેરિકાના કનેક્ટિકટની ન્યુઇંગ્ટન હાઈ સ્કૂલમાં પહેલી વાર આ ઘટના નોંધાઈ હતી. લૅપટૉપની બૅટરી બહુ સરળતાથી આગ પકડી લે છે. એ પછી કૅલિફૉર્નિયા, કૅરોલિના, પેન્સિલ્વેનિયા, ન્યુ જર્સી રોડ આઇલૅન્ડ, વિસ્કોન્સિન અને વૉશિંગ્ટનની સ્કૂલોમાં પણ આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. કેટલાક યંગસ્ટર્સ #chromedurabilitytestના નામે પણ વિડિયો ટ્રેન્ડ પોસ્ટ કરી રહ્યા છે.

