ગરમી અને ક્લાઇમેટ ચેન્જને કારણે જળચર જીવો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
છત્તીસગઢના કોયલીબેડા વિસ્તારમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીને કારણે મૂંગાં પશુઓની હાલત કથળી રહી છે. જોકે પાણીમાં રહેતા જીવો પર પણ કંઈ ઓછી તવાઈ નથી. કોયલીબેડા વિસ્તારમાં ૧૯ મેએ ભારે ગરમીને કારણે તળાવનું પાણી ઊકળી ઊઠ્યું હતું એને કારણે પાણીમાં જીવતા જીવોનું પણ નિકંદન નીકળી ગયું હતું. ગ્રામપંચાયતે જોયું હતું કે ૨૦ મેએ તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ સપાટી પર તરી રહી હતી. એવું મનાઈ રહ્યું છે કે તાપને કારણે તળાવનું પાણી વધુ ગરમ થઈ ગયું હશે અને પાણીનું સ્તર ઘટી રહ્યું હતું એને કારણે પાણીમાં સામાન્ય રીતે જેટલો ઑક્સિજન હોય એની માત્રા ઘટી જાય છે. ઑક્સિજન વિનાના પાણીમાં માછલીઓ માટે જીવવું મુશ્કેલ થઈ પડ્યું હશે. માછલીઓ મરવાને કારણે એ વિસ્તારમાં ખૂબ દુર્ગંધ ફેલાઈ ત્યારે ગ્રામપંચાયતે મરેલી માછલીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. એ વખતે ખબર પડી હતી કે લગભગ ૧૦૦ કિલો જેટલી માછલીઓ મરી ગઈ હતી. ગરમી અને ક્લાઇમેટ ચેન્જને કારણે જળચર જીવો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
