એઇટ-પૅક્સ બનાવવા માટે હાઇલ્યુરોનિક ઍસિડનાં ૧૦,૦૦૦ ઇન્જેક્શન્સ લેવાનું નક્કી કર્યું છે.
ચાઇનીઝભાઈ
ચીનમાં એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ભારે એક્સરસાઇઝ અને ડાયટ કર્યા પછી પણ મનગમતા સિક્સ-પૅક્સ મળી ન શકતાં ભાઈ કૃત્રિમ વિકલ્પ તરફ વળ્યા છે. તેણે આર્ટિફિશ્યલી સિક્સ-પૅક્સ નહીં, એઇટ-પૅક્સ બનાવવા માટે હાઇલ્યુરોનિક ઍસિડનાં ૧૦,૦૦૦ ઇન્જેક્શન્સ લેવાનું નક્કી કર્યું છે. આવો વિચાર તેને કઈ રીતે આવ્યો અને આ કામમાં તેને કોણ મદદ કરી રહ્યું છે એ વિશે તેણે કોઈ સ્પષ્ટતા નથી કરી. ઍન્ડી હાઓ નામના આ ભાઈના સોશ્યલ મીડિયા પર એક લાખથી વધુ ફૉલોઅર્સ છે અને તેને એમાં ઝટપટ વધારો કરવો છે. ૧૦,૦૦૦ ઇન્જેક્શન માટે તેણે ૫,૬૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. અત્યાર સુધીમાં ઍન્ડી હાઓભાઈએ ૪૦૦૦ ઇન્જેક્શન્સ પેટ, છાતી, ખભા, કૉલબૉન પર લગાવી લીધાં છે. એને કારણે ૮ નાની-નાની ખોબલીઓ જેવું પેટ પર ઊપસી રહ્યું છે. જો ઇન્જેક્શન્સને કારણે બનેલા એઇટ-પૅક્સ ૩ વર્ષ ટક્યા તો તેની ઇચ્છા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં આવેદન કરવાની છે.
વળી એક પોસ્ટમાં ભાઈસાહેબ પોતાના કૃત્રિમ એઇટ-પૅક્સને બતાવીને લખે છે, ‘મેં એટલાં ઇન્જેક્શન્સ લઈ લીધાં છે કે હવે હું કાયર નથી રહ્યો. શું તમે પણ આવું કરવાની હિંમત કરી શકો છો?’
ભલે ચાઇનીઝભાઈએ આવી ચૅલૅન્જ આપી હોય, એ કોઈ કાળે લેવા જેવી નથી એવું નિષ્ણાતોનું કહેવું છે.


