યુટ્યુબ પર તે પોતાની લક્ઝરી લાઇફ-સ્ટાઇલ, મોંઘાં ઘરેણાં, રોકડ રકમની થોકડીઓ બતાવતી હોય એવા વિડિયો શૅર કરતી રહે છે
આટલી મજાની હિન્ટ સોશ્યલ મીડિયા પર મળી હોય તો ચોરોને તો સામેથી તેડું મળ્યા બરાબર થાયને?
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાની રચના ગુર્જર નામની મહિલા આમ તો સામાન્ય ગૃહિણી છે, પરંતુ યુટ્યુબ પર તે પોતાની લક્ઝરી લાઇફ-સ્ટાઇલ, મોંઘાં ઘરેણાં, રોકડ રકમની થોકડીઓ બતાવતી હોય એવા વિડિયો શૅર કરતી રહે છે. તેની પાસે જે નાની-મોટી મૂડી છે એ બધાને તે યુટ્યુબ પર ફ્લૉન્ટ કરતી રહે છે. કેટલાક વિડિયોમાં તો તે ઘરેણાં ઘરની કઈ તિજોરીમાં રાખે છે એ પણ સ્પષ્ટ બતાડે છે. આટલી મજાની હિન્ટ સોશ્યલ મીડિયા પર મળી હોય તો ચોરોને તો સામેથી તેડું મળ્યા બરાબર થાયને? આવી ભીતિ રચનાને પોતાને પણ હતી જ, અને એવું થયું પણ ખરું. થોડા દિવસ પહેલાં તેના ઘરમાંથી મોડી રાતે લગભગ સાતથી ૮ લાખ રૂપિયાનો સામાન ચોરી થઈ ગયો. ચોરો રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણાંની સાથે અન્ય સામાન પણ ઉઠાવી ગયા હતા. રચનાના કહેવા મુજબ ચોરોએ બારીની જાળી કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને પછી તેનો અને પતિનો રૂમ બહારથી કૂંડી લગાવીને બંધ કરી દીધો હતો. ઘરમાં લગાવેલા CCTV કૅમેરાને પણ ઉપરની છત તરફ ઘુમાવી દીધા હતા. ચોરો તિજોરી અને રૂમોનાં તાળાં તોડીને ૧.૯૧ લાખ રૂપિયાની રોકડ રકમ, સોનાનું મંગળસૂત્ર, વીંટીઓ અને ચાંદીની ચીજો ઉપાડી ગયા હતા. રચના વહેલી સવારે ૪ વાગ્યે તે પાણી પીવા ઊઠી ત્યારે રૂમ બહારથી બંધ હતો. રૂમની બીજી બારીમાંથી બહાર નીકળીને તપાસ કરતાં ખબર પડી હતી કે ઘરફોડી થઈ ચૂકી છે.
