કોઈ રસ્તે જનારાએ આ ઘટના જોઈ અને તરત પોલીસ તેમ જ પરિવારને જાણ કરી હતી. હૉસ્પિટલમાં લઈ જતાં પહેલાં જ ઉમાશંકર મૌર્યએ દમ તોડી દીધો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના ઘટી. તુલસી આશ્રમ પાસે રહેતા ૩૦ વર્ષના વ્રજેશ યાદવ નામના યુવાને સવારે પાંચ વાગ્યે મૉર્નિંગ વૉક દરમ્યાન ૬૨ વર્ષના ઉમાશંકર મૌર્યને લાકડીથી મરણતોલ માર માર્યો હતો. વાત એમ છે કે ઉમાશંકર મૌર્ય રોજ સવારે પાંચ વાગ્યે મૉર્નિંગ વૉક કરવા નીકળતા હોય છે. તેઓ ગામના છોકરાઓ સાથે કંઈક ને કંઈક મજાક-મસ્તી અને વાતચીત કરતા રહેતા હતા. તેઓ જ્યારે પણ વ્રજેશ યાદવને મળતા ત્યારે પૂછતા કે તારાં લગ્ન ક્યારે થવાનાં છે. બીજી તરફ વ્રજેશને છોકરી મળવામાં મુશ્કેલી થઈ રહી હતી. એને કારણે વ્રજેશ લગ્નની વાત નીકળતાં જ ધૂંધવાઈ ઊઠતો હતો. શુક્રવારે સવારે ઉમાશંકરભાઈ ચાલવા નીકળ્યા ત્યારે સ્ટેશન રોડ પાસે જ વ્રજેશે તેમને રોકીને લાકડી-દંડાથી માર માર્યો હતો. આ હુમલામાં વડીલ લોહીલુહાણ થઈ ગયા એટલે તે ભાગી ગયો. કોઈ રસ્તે જનારાએ આ ઘટના જોઈ અને તરત પોલીસ તેમ જ પરિવારને જાણ કરી હતી. હૉસ્પિટલમાં લઈ જતાં પહેલાં જ ઉમાશંકર મૌર્યએ દમ તોડી દીધો હતો.


