કોલકાતા નાઇટ રાઇડર્સના CEO વેન્કી મૈસુરે કર્યો રસપ્રદ ખુલાસો
શાહરુખ ખાન અને ઍન્દ્રે રસેલ
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના CEO વેન્કી મૈસુરે ધુરંધર ઑલરાઉન્ડર ઍન્દ્રે રસેલની IPLમાંથી નિવૃત્તિ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘હું જોઈ શકતો હતો કે રસેલ ટીમમાંથી રિલીઝ થવા વિશે ખૂબ જ ચિંતિત હતો. તેથી જ્યારે મેં આ વાત ટીમના માલિક શાહરુખ ખાન સાથે શૅર કરી ત્યારે શાહરુખે તેને IPLમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી.’
વેન્કી મૈસુરે વધુમાં કહ્યું હતું કે ‘ખેલાડીઓ ભાગ્યે જ એવું અનુભવે છે કે તેમનું કામ આ લીગમાં પૂરું થઈ ગયું છે, પરંતુ તેને એ પણ સમજાયું કે ૨૦૨૬ની IPL આવશે ત્યાં સુધીમાં તે ૩૮ વર્ષનો થઈ જશે. ઍન્દ્રે રસેલ હજી પણ શાનદાર છે અને અન્ય લીગ રમી રહ્યો છે. દરેક વ્યક્તિ તેને પાવરકોચ કહેવા લાગ્યા છે અને મને લાગે છે કે એ વસ્તુ તેને ગમે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણય સ્વીકારી લેવામાં આવ્યો છે અને હવે ટીમમાં બધા ખુશ છે.’


