ખતરનાક બોલર મિચલ સ્ટાર્ક બૅટિંગમાં પણ ઝળક્યો, તેના ૭૭ રનની મદદથી ઑસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગ્સમાં ૫૧૧ રન કર્યા : ત્રીજા દિવસના અંતે ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટે ૧૩૪ રન કર્યા પણ હજી ૪૩ રન પાછળ
૧૪૧ બૉલમાં ૭૧ રનની મોટી ઇનિંગ્સ રમી મિચલ સ્ટાર્કે. આ તેની બારમી ટેસ્ટ-ફિફ્ટી હતી. જો રૂટ અને જેમી સ્મિથની વિકેટ લઈને સાથી-પ્લેયર્સ સાથે ઉજવણી કરતો મિચલ સ્ટાર્ક. તેણે પહેલી ઇનિંગ્સમાં ૬ વિકેટ લીધી હતી.
બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં ત્રીજા દિવસની રમતમાં ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કના ઑલરાઉન્ડ પ્રદર્શનને આધારે ઑસ્ટ્રેલિયાએ ૪૩ રનની લીડ જાળવી રાખી છે. પિન્ક બૉલ ટેસ્ટ-મૅચમાં યજમાન ટીમે મિચલ સ્ટાર્કના ૭૭ રન સહિત પાંચ ફિફ્ટીના આધારે ૧૧૭.૩ ઓવરની રમતમાં પહેલી ઇનિંગ્સમાં ૫૧૧ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૩૩૪ રન કરનાર ઇંગ્લૅન્ડે ત્રીજા દિવસે ૩૫ ઓવરમાં ૧૩૪ રન કરીને ૬ વિકેટ ગુમાવી હતી.
ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ૭૪મી ઓવરમાં ૩૭૮/૬ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. વિકેટકીપર-બૅટર ઍલૅક્સ કૅરીએ ૬૯ બૉલમાં ૬ ફોરના આધારે ૬૩ રન કરીને ટીમનો સ્કોર ૪૦૦ રનને પાર કર્યો હતો. નવમા ક્રમે રમીને મિચલ સ્ટાર્કે ૧૪૧ બૉલનો સામનો કરીને ૧૩ ફોરના આધારે ૭૭ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લૅન્ડ તરફથી ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે ૪ વિકેટ અને બેન સ્ટોક્સે ૩ વિકેટ ઝડપી હતી.
મોટો ટાર્ગેટ સેટ કરવા ઊતરેલી અંગ્રેજ ટીમે બીજી ઇનિંગ્સમાં ૯૦થી ૧૨૮ રનના સ્કોરની વચ્ચે ૩૮ રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઇંગ્લૅન્ડ માટે ઓપનર ઝૅક ક્રૉલી ૫૯ બૉલમાં ૬ ફોરની મદદથી ૪૪ રનની ઇનિંગ્સ રમી શક્યો હતો. ત્રીજા ક્રમે રમી ઑલી પોપે ૩૨ બૉલમાં ૨૬ રન કર્યા હતા. ઓપનર બેન ડકેટ, સ્ટાર બૅટર જો રૂટ અને વાઇસ કૅપ્ટન હૅરી બ્રૂક ૧૫-૧૫ રનની ઇનિંગ્સ જ રમી શક્યા હતા જ્યારે વિકેટકીપર-બૅટર જેમી સ્મિથ માત્ર ૪ રન કરી શક્યો હતો.
ઑસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર્સ સ્કૉટ બૉલૅન્ડ, મિચલ સ્ટાર્ક અને માઇકલ નેસરે ૨-૨ વિકેટ ઝડપી હતી. ૪-૪ રનના સ્કોર પર અણનમ રહેનાર કૅપ્ટન બેન સ્ટોક્સ અને ઑલરાઉન્ડર વિલ જૅક્સ આજે ચોથા દિવસે ઇંગ્લૅન્ડની ઇનિંગ્સને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
11
આટલામી વખત ટેસ્ટમાં જો રૂટને આઉટ કરવાના મામલે જસપ્રીત બુમરાહ અને પૅટ કમિન્સના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી મિચલ સ્ટાર્કે.
ADVERTISEMENT
4
આટલામી વખત એક પણ શતકીય ભાગીદારી વગર ૫૦૦ કે એથી વધુ રન એક ટેસ્ટ-ઇનિંગ્સમાં થયા.
5
આટલા બૅટરે ડે-નાઇટ ટેસ્ટ-મૅચની ઇનિંગ્સમાં ૫૦+ રન કર્યા હોય એવી પહેલી ટીમ બની ઑસ્ટ્રેલિયા.
6
આટલામી વખત એક પણ સદી વગર ૫૦૦ કે એથી વધુ રન એક ટેસ્ટ-ઇનિંગ્સમાં બન્યા.
1000
આટલા રન ડે-નાઇટ ટેસ્ટ-મૅચમાં કરનાર પહેલો બૅટર બન્યો માર્નસ લબુશેન.
ડે-નાઇટ ટેસ્ટ-મૅચમાં પહેલી વખત ૧૧ બૅટરનો ડબલ-ડિજિટ સ્કોર
ઑસ્ટ્રેલિયાના તમામ ૧૧ બૅટરે બ્રિસબેન ટેસ્ટ-મૅચની પોતાની પહેલી ઇનિંગ્સમાં ડબલ-ડિજિટમાં સ્કોર નોંધાવ્યો હતો. ડે-નાઇટ ટેસ્ટ-મૅચના ઇતિહાસમાં પહેલી વખત એક ટીમના ૧૧ બૅટરે આવી કમાલ કરી છે. ઍશિઝ ટેસ્ટ-સિરીઝના ઇતિહાસમાં પણ ઑસ્ટ્રેલિયાએ પોતાના તરફથી પહેલી વખત આ કામ કર્યું છે. ઍશિઝમાં ઇંગ્લૅન્ડના ૧૧ બૅટરે ૧૮૯૪ અને ૧૯૨૮માં આવી કમાલ કરી હતી.


