આવકમાં IPL તરફથી સૌથી વધુ ૫૯ ટકાનું યોગદાન
તસવીર સૌજન્ય : મિડ-ડે
વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ ગણાતા ભારતીય ક્રિકેટ બોર્ડની કમાણીના વધુ કેટલાક શાનદાર આંકડા સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં કુલ ૯૭૪૧.૭ કરોડ રૂપિયાની આવક મેળવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) તરફથી ૫૭૬૧ કરોડ રૂપિયા એટલે કે કુલ આવકનો ૫૯ ટકા ભાગ મળ્યો હતો.
રેડિફ્યુઝન નામની એજન્સીએ જાહેર કરેલા આ રિપોર્ટ અનુસાર બોર્ડ નૉન-IPL મીડિયા રાઇટ્સ વેચીને ૩૬૧ કરોડ રૂપિયા કમાયું જેમાં ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટના પ્રસારણના અધિકારોનો પણ સમાવેશ છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી બોર્ડને મળતા ભાગરૂપે ૧૦૪૨ કરોડ રૂપિયા એટલે કે ૧૦.૭૦ ટકાની આવક મળી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે બોર્ડ પાસે લગભગ ૩૦,૦૦૦ કરોડનું અનામત ભંડોળ છે જે એને વાર્ષિક ૧૦૦૦ કરોડનું વ્યાજ પણ આપે છે. આ આવક માત્ર ટકાઉ નથી પરંતુ સ્પૉન્સરશિપ, મીડિયા ડીલ્સ અને મૅચની કમાણીમાં વધારો થવાને કારણે વાર્ષિક ૧૦-૧૨ ટકા વધવાની શક્યતા છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ક્રિકેટ બોર્ડ પાસે રણજી ટ્રોફી જેવી પરંપરાગત ડોમેસ્ટિક ટુર્નામેન્ટનું વ્યાપારીકરણ કરીને નૉન-IPL આવક વધારવાની અપાર સંભાવના છે.

