Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કચ્છી ‍વીસા ઓસવાળ જૈન અને વાગડ વીસા ઓસવાળ જૈનનું શાનદાર કમબૅક

કચ્છી ‍વીસા ઓસવાળ જૈન અને વાગડ વીસા ઓસવાળ જૈનનું શાનદાર કમબૅક

05 December, 2021 12:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રથમ લીગમાં હાર્યા બાદ બન્નેની સૉલિડ જીત : મેમણ સામે કચ્છી કડવા પાટીદારે વિજયરથ જાળવી રાખ્યો, ધમાકેદાર શરૂઆત બાદ નવગામ વીસા નાગર વણિક ટીમ ફસડાઈ પડી

સીઝનની બીજી હૅટ-ટ્રિક હર્શુલ નંદુના નામે : ગઈ કાલે મિડ-ડે કપની આ ૧૪મી સીઝનના ચોથા જ દિવસે બીજી વાર હૅટ-ટ્રિકની કમાલ જોવા મળી હતી. ગયા શનિવારે માહ્યાવંશીના મયંક મહેંદીવાળાની ધમાલ બાદ ફરી ગઈ કાલે શનિવારના જ દિવસે વાગડ વીસા ઓસવાળ જૈન ટીમના કૅપ્ટન હર્શુલ નંદુએ છેલ્લી ઓવરમાં ત્રીજા, ચોથા અને પાંચમા બૉલે નવગામ વીસા નાગર વણિકના નવમા, દસમા અને ૧૧મા ક્રમાંકના બૅટરોના દાંડિયા ડૂલ કરીને તરખાટ મચાવી દીધો હતો.

સીઝનની બીજી હૅટ-ટ્રિક હર્શુલ નંદુના નામે : ગઈ કાલે મિડ-ડે કપની આ ૧૪મી સીઝનના ચોથા જ દિવસે બીજી વાર હૅટ-ટ્રિકની કમાલ જોવા મળી હતી. ગયા શનિવારે માહ્યાવંશીના મયંક મહેંદીવાળાની ધમાલ બાદ ફરી ગઈ કાલે શનિવારના જ દિવસે વાગડ વીસા ઓસવાળ જૈન ટીમના કૅપ્ટન હર્શુલ નંદુએ છેલ્લી ઓવરમાં ત્રીજા, ચોથા અને પાંચમા બૉલે નવગામ વીસા નાગર વણિકના નવમા, દસમા અને ૧૧મા ક્રમાંકના બૅટરોના દાંડિયા ડૂલ કરીને તરખાટ મચાવી દીધો હતો.


કમોસમી વરસાદે ‘મિડ-ડે’ કપના શેડ્યુલ પર તો અસર પાડી જ હતી, પરંતુ મેદાનમાં પણ એની અસર જોવા મળી હતી. પિચ પર રહેલા ભેજને કારણે ગઈ કાલની તમામ મૅચો લો સ્કોરિંગ રહી હતી. પોઇસર જિમખાનાના સંચાલકો દ્વારા ત્રણ દિવસના વરસાદ બાદ પણ મેદાનને બે જ દિવસમાં ફરી રમવા યોગ્ય બનાવ્યું હતું. એથી ગઈ કાલે પહેલી મૅચનો મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ ગ્રાઉન્ડ્સમૅન ઉગ્રપ્રસાદ ભારતી અને વિજય માંજરેકરના હસ્તે અપાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મેદાન પર હાજર તમામે આ બન્નેની જહેમતને બિરદાવી હતી. ચાહકો મજાકમાં કહેતા પણ હતા કે મુંબઈમાં મોટા ભાગની મૅચો રદ કરવાની ફરજ પડી છે ત્યારે ફક્ત બે જ જગ્યાએ મૅચો રમાઈ રહી છે. એક, વાનખેડેમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ અને બીજી પોઇસર જિમખાનમાં ‘મિડ-ડે’ કપની મૅચો.
મૅચ-૧
પાંચ દિવસના બ્રેક બાદ ફરી શરૂ થયેલા લીગ રાઉન્ડમાં બે દિવસ પહેલાં ભારે વરસાદ અને ભેજને લીધે પિચ અને આઉટફીલ્ડ ભીનું હોવાથી પ્રથમ લીગ મૅચ વીસેક મિનિટ મોડી શરૂ કરવામાં આવી હતી. ગ્રુપ-Eની ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સામેની ટક્કરમાં કચ્છી વીસા ઓસવાળ જૈનના કૅપ્ટન તુષાર ગોગારીએ ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ લીગમાં જીત બાદ બીજીમાં હાર જોનાર ભટ્ટ મેવાડા બ્રાહ્મણ ટીમ માટે પ્રી-ક્વૉર્ટર ફાઇનલ માટેની દાવેદારી મજબૂત કરવામાં આ તેમની છેલ્લી લીગ મૅચમાં જીતવું જરૂરી હતું. પ્રથમ ઓવરમાં બે રન અને બીજીમાં ૧૧ રન સાથે સંયમી શરૂઆત કરી હતી. જોકે ત્રીજી ઓવરમાં ઓપનર મયૂર જોષી સાત બૉલમાં છ રન બનાવીને આઉટ થયો હતો. ચોથી ઓવરમાં તેમને વધુ બે ઝટકા અજય જોષી (૧૨) અને હર્શિલ જોષીના રૂપમાં લાગ્યા હતા. ચોથી ઓવરને અંતે સ્કોર ૩ વિકેટે ૨૨ રન થયા હતા, પણ પાંચમી અને પાવર ઓવરમાં સાત રન બનાવી ૧૪ રન મેળવીને સ્કોરને ૩૬ રન પર પહોંચાડી દીધો હતો. તેમના સ્ટાર ખેલાહી હિરેન જોષીએ ૩ ફોર સાથે ૧૮ બૉલમાં ૨૧ રન બનાવતાં ટીમનો સ્કોર ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૬૭ રન સુધી પહોંચી શક્યો હતો. કચ્છી વીસા ઓસવાળ જૈન ટીમના સૌથી અનુભવી ધીરેન દેઢિયાએ ગ્રાઉન્ડ કન્ડિશનનો યોગ્ય ફાયદો ઉઠાવ્યો હતો અને બે ઓવરમાં માત્ર ૯ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ૬૮ રનના ટાર્ગેટને કચ્છી વીસા ઓસવાળ જૈનના અનુભવી અને આક્રમક ઓપનરો ધીરેન દેઢિયા (અણનમ ૩૫) અને માનવ પાસડ (અણનમ ૨૪)એ માત્ર ૫.૨ ઓવરમાં મેળવી લીધો હતો. ભટ્ટ મેવાડા બ્રાહ્મણ ટીમના ફીલ્ડરોએ ઓપનર ધીરેન દેઢિયાને ત્રણ-ત્રણ જીવતદાન પણ આપ્યાં હતાં. 
૧૭ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સરની મદદથી અણનમ ૩૫ રન અને ૩ વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ ધીરેન દેઢિયા મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. 
ટૂંકો સ્કોર 
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૬૭ રન (હિરેન જોષી ૧૮ બૉલમાં ૩ ફોર સાથે ૨૧ રન, અજય જોષી ૧૩ બૉલમાં એક ફોર સાથે ૧૨. ધીરેન દેઢિયા ૯ રનમાં ત્રણ તથા ડેનિલ સાવલા અને ભાવિન ગાલા અનુક્રમે ૧૦ રન અને ૧૮ રનમાં એક-એક વિકેટ). 
કચ્છી વીસા ઓસવાળ જૈન : ૫.૨ ઓવરમાં વિના વિકેટે ૭૭ રન (ધીરેન દેઢિયાએ ૧૭ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોરની મદદથી અણનમ ૩૫, માનવ પાસડ ૧૫ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૨૦ રન)  
મૅચ-૨
બીજી મૅચમાં ગ્રુપ-Aની ટીમો ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદાર અને મેમણ વચ્ચે હતી. કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન રમેશ જબુઆણીએ ટૉસ જીતી પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. પિચ પરના ભેજની અસર કચ્છી કડવા પાટીદારની આક્રમક બૅટિંગ પર પણ જોવા મળી હતી. મેમણની ટીમે પણ સામે શાનદાર બોલિંગ કરીને બૅટરોને બાંધી રાખ્યા હતા. આક્રમક ઓપનર ભાવિક ભગત (૨૦) અને વેદાંશ ધોળુ (અણનમ ૪૮) વચ્ચે પહેલી વિકેટ માટે ૫૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. ભાવિક ભગતની વિકેટ ફૈઝાન સત્તારે લીધી હતી. ભાવિક ભગતની વિદાય બાદ વેદાંશ ધોળુએ બાજી પોતાના હાથમાં લઈ લીધી હતી અને ૩ ફોર અને એટલી જ સિક્સર સાથે સ્કોર-બોર્ડને ફરતું રાખ્યું હતું અને વન-ડાઉન રમવા આવેલા તેજસ શેઠિયાએ પાંચ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૧ રન ફટકારતાં કચ્છી કડવા પાટીદાર ૧૦ ઓવરમાં એક વિકેટે ૮૬ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી પહોંચી શકી હતી. 
બૅટિંગ બાદ વેદાંશ ધોળુએ બોલિંગમાં પણ કમાલ કરી હતી અને પહેલી જ ઓવરમાં મેમણના બન્ને ઓપનરોને આઉટ કરીને ટીમની જીત ફાઇનલ કરી નાખી હતી. મેમણ ટીમ આ બે ફટકાના આઘાતમાંથી બહાર નહોતી આવી શકી. ૧૦ ઓવરમાં ચાર વિકેટે માત્ર ૫૦ રન જ બનાવી શકી હતી. સ્પર્ધામાં ટકી રહેવા મેમણની ટીમ માટે આ મૅચ જીતવી જરૂરી હતી. જોકે તેમના બોલરોની મહેનત પર પહેલાં ફીલ્ડરોએ ત્રણ-ત્રણ કૅચ છોડીને દાટ વાળ્યો હતો અને ત્યાર બાદ બૅટરો પાણીમાં બેસી જતાં હવે પ્રી-ક્વૉર્ટરના દરવાજા તેમના માટે ઑલમોસ્ટ બંધ થઈ ગયા છે.  
બે વિકેટ તેમ જ અણનમ ૪૮ રનના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ કચ્છી કડવા પાટીદારના વેદાંશ ધોળુને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 
ટૂંકો સ્કોર
કચ્છી કડવા પાટીદાર : ૧૦ ઓવરમાં એક વિકેટે ૮૬ રન (વેદાંશ ધોળુ ૨૮ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૪૮, ભાવિક ભગત ૨૭ બૉલમાં એક ફોર સાથે ૨૦, તેજશ સેઠિયા પાંચ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૧ રન. ફૈઝાન સત્તાર ૨૩ રનમાં એક વિકેટ) 
મેમણ : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૫૦ રન (સુહૈલ મીઠાઈવાલા ૨૦ બૉલમાં ૨ સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૩૨, સુફિયાન સત્તાર ૧૭ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન. વેદાંશ ધોળુ ૬ રનમાં ૨ તેમ જ ભાવિક ભગત અને હિરેન રંગાણીએ અનુક્રમે ૬ અને ૧૯ રનમાં એક-એક વિકેટ).
મૅચ-૩
ત્રીજી મૅચ ગ્રુપ-Bની ટીમો વાગડ વીસા ઓસવાળ જૈન અને નવગામ વીસા નાગર વણિક વચ્ચે હતી. નવગામ વીસા નાગર વણિકના કૅપ્ટન મનન શાહે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાના નિર્ણયને ઓપનર કરન શાહે પહેલી જ ઓવરમાં ફોર અને સિક્સરની રમઝટ બોલાવતાં ૨૯ રન ફટકારીને વધાવી લીધો હતો. બીજી ઓ‍વરમાં સ્કોર ૪૦ રને પહોંચી ગયો હતો અને દિવસનાં પહેલી વાર કોઈ ટીમ ૧૦૦ પ્લસનો સ્કોર બનાવશે એવું લાગી રહ્યું હતું, પણ બીજી ઓવરના છેલ્લા બૉલમાં નીરવ શાહ (૬)ની વિકેટ બાદ રીતસરની લાઇન લાગી ગઈ હતી અને ૫.૫ ઓવર સુધી તો ૬ બૅટરો આઉટ થઈ ગયા હતા. પાંચમી પાવર ઓવરમાં વિકેટ ગુમાવવાની પરંપરાને પણ નવગામ વીસા નાગર વણિક ટીમે જાળવી રાખી હતી તેમ જ નવમી ઓવરમાં હૅટ-ટ્રિકનો ખતરો ટાળ્યા બાદ છેલ્લી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બૉલમાં છેલ્લા ત્રણેય બૅટરો ક્લીન બોલ્ડ થઈ ગયા હતા અને ૯.૫ ઓવરમાં ઑલઆઉટ થઈ ગયા હતા. આમ પાવર ઓવરના ૧૦ અને હૅટ-ટ્રિકના ૨૦ મળી કુલ ૩૦ રનના ફટકાને લીધે નવગામ નાગર વણિક ટીમ વાગડ ટીમને માત્ર ૫૬ રનનો ટાર્ગેટ આપી શક્યું હતું. વાગડ વીસા ઓસવાળ જૈન ટીમે આમ પહેલી ઓવરમાં ૨૯ રન આપ્યા બાદ કમાલનું કમબૅક કર્યું હતું. ૫૬ રનનો ટાર્ગેટ તેઓ આસાનીથી મેળવી લેશે એવું લાગી રહ્યું હતું, પણ નવગમ વીસા નાગર વણિકના અનુભવી બોલરો સામે છેલ્લી ઓવર સુધી ઝઝૂમવું પડ્યું હતું. વાગડ વીસા ઓસવાળ જૈને આખરે છેલ્લી ઓવરના ત્રીજા બૉલમાં પાંચ વિકેટ ગુમાવીને ખૂબ જરૂરી જીત મેળવી હતી. પહેલી લીગ મૅચમાં કચ્છી લોહાણા સામે હાર્યા બાદ આ યાદગાર જીતને લીધે વાગડ વીસા ઓસવાળ જૈન માટે હવે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટે આવતી કાલે તેમની છેલ્લી લીગમાં ગ્રુપ ટૉપર ઘોઘારી લોહાણાને આંચકો આપવો પડશે.
હૅટ-ટ્રિક સહિત ૧૪ રનમાં ૪ વિકેટ લેનાર વાગડ વીસા ઓસવાળ જૈનના હર્શુલ નંદુને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 
ટૂંકો સ્કોર 
નવગામ ​વીસા નાગર વણિક : ૯.૫ ઓવરમાં ૫૫ રનમાં ઑલઆઉટ (કરણ શાહ ૧૭ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૨૯, મનન શાહ એક ફોર સાથે ૧૪. હર્શુલ નંદુ ૧૪ રનમાં ૪, વિરલ શાહ ૨૩ રનમાં ૨ અને નિસર્ગ કારિયા, નિસર્ગ છેડા અને વિવેક ગાલા અનુક્રમે ૬, ૧૩ અને ૧૬ રનમાં એક-એક વિકેટ).
વાગડ વીસા ઓસવાળ જૈન : ૯.૩ ઓવરમાં પાંચ વિકેટે ૫૬ રન (રોમલ ગડા ૧૨ બૉલમાં બે ફોર સાથે ૧૪, નિસર્ગ છેડા ૧૧ બૉલમાં એક સિક્સર સાથે ૧૨, અંકિત સત્રા ૬ બૉલમાં એક સિક્સર અને ફોર સાથે અણનમ ૧૦ રન. શ્યામ શાહ ૧૧ રનમાં ૩, પ્રણવ શાહ અને પલક શાહે અનુક્રમે ૧૦ અને ૨૦ રનમાં એક-એક વિકેટ). 
મૅચ-૪
ચોથી અને છેલ્લી મૅચ ગ્રુપ-CDની કચ્છ-વાગડ લેઉવા પટેલ અને  સોરઠિયા મુસ્લિમ ઘાંચી વચ્ચે રમાઈ હતી, જેમાં કૅપ્ટન માહી કરવાતરે ટૉસ જીતીને પહેલાં બૅ​ટિંગ પસંદ કરી જેમાં તેમનો સ્ટાર ઓપનર સુફિયાન ચૌહાણ ખાતું ખોલાવ્યા વિના જ પહેલી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. આટલું ઓછું હોય એમ એ ઓવર મેઇડન રહેતાં ૬ રન માઇનસનો ફટકો પણ પડ્યો હતો. બીજી ઓવરના અંતે તેમનો સ્કોર માઇનસ એક રન હતો. જોકે ત્યાર બાદ મોઇન ચૌહાણે ૨૭ બૉલમાં બે સિક્સર અને છ ફોર સાથે અણનમ બાવન રનની શાનદાર ઇનિંગ્સને લીધે સોરઠિયા મુસ્લિમ ઘાંચી ટીમે શાનદાર કમબૅક કરતાં ૧૦ ઓવરમાં ૩ વિકેટે દિવસનો હાઇએસ્ટ સ્કોર (૯૯ રન) બનાવ્યો હતો. ૧૦૦ રનના ટાર્ગેટ સામે કચ્છ-વાગડ લેઉવા પટેલના ઓપનરો વીરેન દુબરિયા (૨૬) અને અલ્પેશ બંગારીએ ૫.૫ ઓવરમાં ૪૯ રનની પાર્ટનરશિપ સાથે યોગ્ય શરૂઆત કરી હતી. છેલ્લી ચાર ઓવરમાં જીતવા માટે ૫૦ રનની જરૂર હતી અને સાતમીમાં ૮, આઠમીમાં પાંચ અને નવમી ઓવરમાં ૧૦ રન બનતાં છેલ્લી ઓવરમાં જીતવા માટે કચ્છ-વાગડ લેઉવા પટેલને ૨૭ રનની જરૂર હતી. બીજા અને ત્રીજા બૉલમાં વિકેટ ગુમાવ્યા બાદ તેમને છેલ્લા બે બૉલમાં ૨૫ રનની જરૂર હતી. ભાવિક વાવિયાએ છેલ્લા બન્ને બૉલમાં સિક્સર ફટકારીને કમાલ કરી હતી અને ટીમને ૯ રન બૉનસના અપાવ્યા હતા અને કચ્છ-વાગડ લેઉવા પટેલને માત્ર ૩ રનથી હાર જોવી પડી હતી. કચ્છ-વાગડ પટેલને તેમના ઓપનર અલ્પેશ બંગારીની ૨૧ બૉલમાં ૧૪ રનની ધીમી રમત આખરે ભારે પડી ગઈ હતી. 
અણનમ બાવન રનની ઇનિંગ્સ બદલ સોરઠિયા મુસ્મિલ ઘાંચીનો મોઇન ચૌહાણ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. 
ટૂંકો સ્કોર 
સોરઠિયા મુસ્લિમ ઘાંચી : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૯૯ રન (મોઇન ચૌહાણ ૨૭ બોલમાં ૨ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ બાવન, અતિક ચૌહાણ ૧૧ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૫, રિયાઝ અગવાન ૧૭ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન. આકાશ ચામરિયા, હસમુખ હથિયાણી અને કુશ પટેલ અનુક્રમે ૧૬, ૧૬ અને ૨૭ રનમાં એક-એક વિકેટ).
કચ્છ-વાગડ લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૯૬ રન (વીરેન દુબરિયા ૧૫ બૉલમાં ચાર ફોર સાથે ૨૬, અલ્પેશ બંગારી ૨૧ બૉલમાં એક ફોર સાથે ૧૪, ભાવિક વાવિયા ૩ બૉલમાં બે સિક્સર સાથે અણનમ ૧૨, કલ્પેશ નોર ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૨ તેમ જ આકાશ ચામરિયા ૧૦ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન. સુફિયાન ચૌહાણ ૨૩ રનમાં બે અને ઝૈદ અગવાન ૧૨ રનમાં ૧ વિકેટ) 




Whatsapp-channel Whatsapp-channel

05 December, 2021 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK