Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ બન્યું ચૅમ્પિયન

ન્યુ ઝીલૅન્ડ બન્યું ચૅમ્પિયન

24 June, 2021 08:13 AM IST | Southampton
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદના વિઘ્નવાળી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને ૮ વિકેટથી હરાવ્યું, ફાસ્ટ બોલર જૅમિસન, સાઉધી અને બોલ્ટ સામે ભારતીય બૅટસમેનોએ સ્વીકારી શરણાગતિ

સાથી ખેલાડીઓ સાથે કોહલીની વિકેટની ઉજવણી કરતો કાઇલ જૅમિસન (તસવીરઃ એ.એફ.પી.)

સાથી ખેલાડીઓ સાથે કોહલીની વિકેટની ઉજવણી કરતો કાઇલ જૅમિસન (તસવીરઃ એ.એફ.પી.)


ઇંગ્લૅન્ડના સધમ્પ્ટનમાં રમાયેલી વરસાદના વિઘ્નવાળી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને ૮ વિકેટથી હરાવી ન્યુ ઝીલૅન્ડ ચૅમ્પિયન બન્યું હતું. ન્યુ ઝીલૅન્ડ માટે આ પહેલી જ આઇસીસી ટ્રોફી હતી. ભારતે જીત માટે આપેલા ૧૩૯ રનના લક્ષ્યાંકને એણે ૪૫.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આંબ્યો હતો, જેમાં કૅપ્ટન કેન વિલિયમસને (નૉટઆઉટ ૫૨) રન અને રૉસ ટેલરે (નૉટઆઉટ ૪૭) રનનું યોગદાન આપ્યું હતું. યુવા બોલર કાઇલ જૅમિસન અને સાઉધી સામે ભારતીય બૅટિંગ લાઇનઅપ સેકન્ડ ઇનિંગ્સમાં માત્ર ૧૭૦ રનમાં જ ધરાશાયી થઈ હતી, જેમાં સૌથી વધુ રન વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે (૪૧) ફટકાર્યા હતા. તેની આક્રમક રમત જ તેના પતનનું કારણ બની હતી. તેને બાદ કરતાં સિનિયર બૅટ્સમેનો ન્યુ ઝીલૅન્ડના બોલિંગ આક્રમણ સામે ઘૂંટણિયે પડ્યા હતા. આમ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત બીજી વખત આઇસીસીની ફાઇનલમાં હાર્યું છે. આ અગાઉ ચૅમ્પિયનશિપમાં પાકિસ્તાન સામે હાર્યું હતું.

વિલિયમસનની લાજવાબ કૅપ્ટન્સી



ન્યુ ઝીલૅન્ડનો કેન વિલિયમસન માત્ર થોડા એવા કૅપ્ટનોમાં સ્થાન પામ્યો છે કે જેણે ભારતને સતત છ ઇનિંગ્સમાં ૨૫૦થી ઓછા રનમાં આઉટ કર્યું હોય, જે તેની ચતુરાઈ દર્શાવે છે. ટિમ સાઉધીએ પોતાની સ્વિંગ બોલિંગ થકી (૪૮ રનમાં ૪ વિકેટ) શરૂઆતમાં ભારતને મથાવ્યું હતું. ટ્રેન્ટ બોલ્ટે (૪૪ રન આપી ૩ વિકેટ) પણ પોતાની ક્ષમતાને પુરવાર કરી હતી. કાઇલ જૅમિસન (૩૦ રનમાં ૨ વિકેટ) બીજી વખત વિરાટ કોહલીને આઉટ કર્યો.


પંતનો ખરાબ શૉટ

ભારતની છ વિકેટ પડી ગઈ હતી. એકમાત્ર આશા રિષભ પંત પર હતી. તેણે ૪૧ રન પણ બનાવ્યા, પરંતુ બોલ્ટની ઓવરમાં ખરાબ શૉટ ફટકારવામાં આઉટ થયો હતો. તેને એક વખત જીવતદાન પણ મળ્યું હતું. તેમ છતાં, એનો લાભ ન ઉઠાવી શક્યો. હેન્રી નિકોલ્સે પંતનો સુંદર કૅચ પકડ્યો હતો. પંત આઉટ થતાં જ ભારતની જીતની આશા પર પાણી ફરી ‍વળ્યું હતું, પરંતુ એ પહેલાં વિલિયમસને વૅગનરને રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવા જણાવીને જાડેજાને જાળમાં ફસાવ્યો હતો.


પુજારાની ધીમી બૅટિંગ

પંતના બેફિકરભર્યા અભિગમની જરૂર ટીકા થાય, પરંતુ પુજારાની ધીમી બૅટિંગે ભારતને ફાયદો કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું હતું. તેણે ૮૦ બૉલમાં માત્ર ૧૫ રન કર્યા હતા. પુજારા બોલરોને થકવી નાખે છે એ થિયરી સાથે હવે ઘણા લોકો અસહમત છે, કારણ કે ઘણાને એવું લાગે છે કે પુજારાને રન કરવા જ નથી. કાઇલ જૅમિસનની ઓવરમાં તેણે સરળ કૅચ રૉસ ટેલરને આપી દીધો.

પૂછડિયાઓ નિષ્ફળ

રહાણેએ ૪૦ બૉલમાં ૧૫ રન બનાવ્યા, પરંતુ સૌથી ખરાબ વાત એ હતી કે ભારતના પૂછડિયા ફરી એક વાર માત્ર ૨૮ રનનો ઉમેરો કરીને આઉટ થઈ ગયા. ત્રણ ચોગ્ગા ફટકારનાર શમીને વિલિયમસને શૉર્ટ થર્ડમૅન પણ નહીં અને ટ્રેડિશનલ થર્ડમૅન પણ નહીં એ બન્નેની વચ્ચે ફ્લાય થર્ડમૅન પર ફીલ્ડર મૂકી જાળમાં ફસાવ્યો. ન્યુ ઝીલૅન્ડના પૂછડિયા બૅટ્સમેનો જેવું પ્રદર્શન ભારત કરી શક્યું નહીં. પહેલી ઇનિગ્સમાં પણ છેલ્લી ચાર વિકેટ માત્ર ૩૫ રનની અંદર જ પડી ગઈ હતી.

વિજેતા ન્યુ ઝીલૅન્ડને મળ્યું ૧૧.૮૭ કરોડનું ઇનામ

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ જીતનારી ન્યુ ઝીલૅન્ડની ટીમને ૧૬ લાખ ડૉલર એટલે કે ૧૧ કરોડ ૮૭ લાખ રૂપિયા મળ્યા હતા. તો રનરઅપ ભારતને ૮ લાખ ડૉલર એટલે કે ૫ કરોડ ૯૩ લાખ રૂપિયા મળ્યા હતા. આ ઉપરાંત વિજેતાને આઇસીસીની એક ગદા પણ મળી હતી. ૯ દેશો વચ્ચે રમાયેલી સ્પર્ધામાં ત્રીજા ક્રમાંકે રહેનાર ટીમને ૪.૫ લાખ ડૉલર અંદાજે ૩.૩ કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. તો ચોથા સ્થાને રહેલી ટીમને ૩.૫ લાખ ડૉલર અટલે કે ૨.૫ કરોડ રૂપિયા મળ્યા હતા.

 

આંગળીમાં થયેલી ઈજા છતાં છેલ્લી મૅચમાં રમ્યો વૅટલિંગ

જમણા હાથની રિંગ ફિન્ગર સાંધામાંથી ખસી જવા છતાં પોતાની છેલ્લી મૅચમાં અભૂતપૂર્વ સાહસ દર્શાવતાં ન્યુ ઝીલૅન્ડનો વિકેટકીપર બી. જે. વૅટલિંગ મેદાનમાં પાછો ફર્યો હતો. મૅચમાં રિઝર્વ-ડેના દિવસે વૅટલિંગ મેદાનમાં ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓનું નેતૃત્વ કરતાં પ્રવેશ્યો હતો. ૩૫ વર્ષના ખેલાડીને એ વખતે મેદાનમાં હાજર વિરાટ કોહલીએ હાથ મિલાવીને અભિનંદન આપ્યાં હતાં. ફસ્ટ સેશન દરમ્યાન તેની આંગળી ખસી ગઈ હતી, જેની સારવાર તેણે લંચ બ્રૅક દરમ્યાન કરીને મેદાનમાં પરત ફર્યો હતો. ગયા મહિને જ તેણે ઘોષણા કરી હતી કે ફાઇનલ મૅચ બાદ તે ક્રિકેટમાંથી નિવૃ ​િત્ત લેશે. વૅટલિંગની કરીઅરની આ ૭૫મી ટેસ્ટ છે.

 

જાડેજા ટેસ્ટનો નંબર-વન ઑલરાઉન્ડર

આઇસીસી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા રૅન્કિંગ મુજબ રવીન્દ્ર જાડેજા વિશ્વનો નંબર-વન ઑલરાઉન્ડર બન્યો છે. તેના જેસન હોલ્ડર કરતાં બે પૉઇન્ટ વધારે એટલે કે ૩૮૬ પૉઇન્ટ છે. ૩૭૭ પૉઇન્ટ સાથે ઇંગ્લૅન્ડનો બેન સ્ટોક્સ ત્રીજા ક્રમાંક પર છે, તો ૩૫૩ પૉઇન્ટ સાથે રવિચન્દ્રન અશ્વિન ચોથા ક્રમાંક પર છે. ૩૨ વર્ષનો જાડેજા ઈજાને કારણે ઘરઆંગણેની ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ રમી શક્યો નહોતો. ન્યુ ઝીલૅન્ડ સામે રમાતી ટેસ્ટમાં તેણે પહેલી ઇનિંગ્સમાં એક વિકેટ લેવા ઉપરાંત ૧૫ રન પણ ફટકાર્યા હતા. જાડેજા છેલ્લે સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ખરાબ પ્રદર્શનને કારણે હોલ્ડરે પોતાનો પ્રથમ ક્રમાંક ગુમાવ્યો હતો.

 

ટેલર સામે વંશીય ટિપ્પણી કરનારા બે દર્શકોને સ્ટેડિયમમાંથી કરાયા આઉટ

વિલિયમસન અને ટેલર વચ્ચે થઈ નૉટઆઉટ ૯૬ રનની પાર્ટનરશિપ (તસવીરઃ એ.એફ.પી.)

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલના પાંચમા દિવસે વંશીય વિવાદ જોવા મળ્યો હતો. ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમૅન રૉસ ટેલર સામે વંશીય ટિપ્પણી કરનારા બે દર્શકોને આઇસીસીએ સિક્યૉરિટીની મદદથી સ્ટેડિયમની બહાર કાઢ્યા હતા. આઇસીસીના જનરલ મૅનેજર ક્લેર ફર્લોન્ગે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ‘ખરાબ વર્તન કરનારી બે વ્યક્તિની ઓળખ કરીને તેમને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવી છે. ક્રિકેટમાં અમે આવું વર્તન ચલાવી લેવા માગતા નથી.’

આ પગલું ટીવીના એક દર્શક ડૉમિનિક ડા સોઝાએ કરેલી ફરિયાદના આધારે લેવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે ‘બે વ્યક્તિ ન્યુ ઝીલૅન્ડની ટીમ સામે ખરાબ વર્તન કરે છે. વળી એમાં પણ ટેલરને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. વળી આ ટિપ્પણી ટીવી પર પણ સંભળાય છે. માત્ર કેટલાક દર્શકો જ આવી ટિપ્પણી કરી રહ્યા છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2021 08:13 AM IST | Southampton | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK