Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૫૨૫ કરોડને લીધે ગુજરાતીના હાથમાંથી અમદાવાદ સરકી ગયું

૫૨૫ કરોડને લીધે ગુજરાતીના હાથમાંથી અમદાવાદ સરકી ગયું

26 October, 2021 08:50 AM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંડનની સીવીસી કૅપિટલે ૫૬૨૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધી અમદાવાદની ટીમ : લખનઉની ટીમ ગોએન્કાએ ૭૦૯૦ કરોડ રૂપિયામાં ખરીદી : આઇપીએલની નવી બે ટીમ ખરીદી લેવા માટે લાગી અધધધ રૂપિયાની બોલી

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી


ટીમ-ઑક્શનમાં ગુજરાતીઓને મૂળ તો ઇન્ટરેસ્ટ હતો કે આપણાઈ અમદાવાદની ટીમ કોની પાસે જશે? મુંબઈની ટીમ મુકેશ અંબાણી પાસે છે એ જ રીતે અમદાવાદની ટીમ બીજા ગુજરાતી ગૌતમ અદાણીના હાથમાં જશે એવું લગભગ પાકું મનાતું હતું. આમેય અદાણી આજકાલ જ્યાં હાથ નાખે ત્યાંથી સોનું જ નીકળે છે એટલે તે હારે એવું કોઈ માનતું નહોતું. જોકે થયું સાવ જુદું અને યુકેના સીવીસી કૅપિટલ પાર્ટનર્સે ૫૬૨૫ કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી લીધી.

એવું કહેવાય છે કે અદાણી ગ્રુપ દ્વારા ૫૧૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી, પણ તેમની અને અમદાવાદની ટીમ વચ્ચે ૫૨૫ કરોડ રૂપિયાનું છેટું રહી ગયું. આમ અંગ્રેજો અમદાવાદ લઈ ગયા, આપણે ગુજરાતીઓ રહી ગયા.



વિશ્વની સૌથી ધનિક અને સૌથી લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)એ વેચવા મૂકેલી બે નવી ટીમ માટેની દુબઈ ખાતેની હરાજીમાં ગઈ કાલે કરોડો રૂપિયાનો ખેલો થયો હતો. ૨૦૨૨થી આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓની ક્લબમાં જોડાનાર લખનઉ અને અમદાવાદ સ્થિત બે નવી ટીમો ખરીદવા માટેની રેસ લાગી હતી, જેમાં બે મોટાં બિઝનેસ-હાઉસ કલકત્તા સ્થિત આરપી ગોએન્કા ગ્રુપ (આરપીએસજી) અને લંડનમાં મુખ્ય ઑફિસ ધરાવતી તેમ જ યુરોપ-અેશિયામાં બિઝનેઝ ધરાવતી સીવીસી કૅપિટલ પાર્ટનર્સ (આઇરેલિયા કંપની) મેદાન મારી ગયાં છે.


બે ટીમ ખરીદવા માટે ગઈ કાલે કુલ મળીને એક અબજ ડૉલર (૭૫.૦૨ અબજ રૂપિયા)ની કિંમતની બિડ રેસમાં હતી. બાવીસ દાવેદારોએ બે ટીમ ખરીદવા માટે દોડ લગાવી હતી, જેમાં ગોએન્કા અને સીવીસી નામની પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ કંપનીએ સૌથી ઊંચી બિડ સાથે ટીમ ખરીદવામાં સફળતા મેળવી હતી. ગોએન્કા ગ્રુપે ઉત્તર પ્રદેશના લખનઉની ટીમ ૭૦૯૦ કરોડ રૂપિયાની હાઇએસ્ટ બિડ સાથે ખરીદી હતી, જ્યારે સીવીસીએ અમદાવાદની ટીમ ૫૬૨૫ કરોડ રૂપિયાની સેકન્ડ-બેસ્ટ બિડ સાથે ખરીદી લીધી હતી.

એ સાથે, બીસીસીઆઇએ આ બે ટીમ કુલ મળીને ૧૨,૭૧૫ કરોડ રૂપિયામાં વેચી છે. આગામી આઇપીએલ ૨૦૨૨ના એપ્રિલ-મેમાં યોજાશે.


અદાણી ગ્રુપ તથા મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ની માલિકી ધરાવતું ગ્લેઝર ગ્રુપ ટીમ ખરીદવામાં નિષ્ફળ રહ્યું હતું. અદાણી ગ્રુપની બિડ ૫૧૦૦ કરોડ રૂપિયાની હતી. એની અમદાવાદ તથા લખનઉ માટેની આ બિડ તમામ ફાઇનલ ૯ બિડમાં થર્ડ હાઇએસ્ટ હતી. ખાસ કરીને અદાણી ગ્રુપ ૫૨૫ કરોડ રૂપિયાની નીચી બિડ બદલ અમદાવાદની ટીમ ચૂકી ગયું. ગોએન્કા ગ્રુપે લખનઉ ઉપરાંત અમદાવાદ માટે પણ ૭૦૯૦ કરોડ રૂપિયાની બિડ મૂકી હતી.

બન્ને નવા ફ્રૅન્ચાઇઝી-માલિકોએ બીસીસીઆઇને ૧૦ વર્ષમાં પૂરી રકમ ચૂકવવાની રહેશે.

ટૂંકમાં, અમદાવાદની ટીમની હરાજી ઘણાં વર્ષોથી ચર્ચામાં હતી અને ગૌતમ અદાણી જ એ ખરીદવામાં સફળ થશે એવી મોટા ભાગના ક્રિકેટપ્રેમીઓની ધારણા હતી, પણ એ આશા ફળીભૂત નથી થઈ. અદાણી ગ્રુપ ૫૨૫ કરોડ રૂપિયા માટે અમદાવાદની ટીમ મેળવવાનું ચૂકી ગયું.

હવે મજબૂત ટીમ બનાવીશું : ગોએન્કા

ગોએન્કાએે કહ્યું હતું કે ‘આઇપીએલમાં પાછા આવવા બદલ (અગાઉ પુણે સુપર જાયન્ટ્સની માલિકી) મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આ તો પહેલું પગલું છે, હવે અમારે સારી ટીમ બનાવીને સારું પર્ફોર્મ કરવાનું છે.’

બીસીસીઆઇએ ટીમ ખરીદવા માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝ નક્કી કરી હતી જેની સામે ગોએન્કા ગ્રુપની બિડ ૨૫૦ ટકા વધુ હતી, જ્યારે સીવીસીની બિડ ૧૬૦ ટકા વધુ હતી.

બાવીસમાંથી ૯ દાવેદારના પ્રતિન‌િધિઓ જ દુબઈની વૉક-ઇન બિડ ઇવેન્ટમાં હાજર હતા.

બીસીસીઆઇની એક શરત હતી

કટક, ધરમાશાલા, ઇન્દોર અને ગુવાહાટી પણ રેસમાં હતાં, પરંતુ લખનઉ અને અમદાવાદ સ્થિત ટીમ આઇપીએલના મુખ્ય પ્રવાહમાં જોડાવામાં સફળ રહી. બિડ મૂકનાર કંપની કે ઉદ્યોગગૃહનું છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન વાર્ષિક ઓછામાં ઓછું ૩૦૦૦ કરોડનું ટર્નઓવર હોવું જરૂરી હતું.

“આઇપીએલનો વ્યાપ ૧૪ વર્ષમાં જે રીતે વધ્યો છે અને જે રીતે ગ્લોબલ બ્રૅન્ડ બની છે એનું સચોટ પ્રતિબિંબ એટલે બે નવી ટીમની હરાજીને લગતી ઇવેન્ટ. નવી ટીમોનાં મૂલ્ય નહીં, પણ જેમણે એ ખરીદવામાં રસ બતાડ્યો એ અમારા માટે વધુ મહત્ત્વનું છે. જેમ કે, મૅન્ચેસ્ટર યુનાઇટેડ, સીવીસી કૅપિટલ કે ન્યુ યૉર્ક યાન્કીસ. અદાણી ગ્રુપ વિશે હું એટલું જ કહીશ કે ટીમ ખરીદવામાં એ સફળ ન રહ્યું.” : અરુણ ધુમાલ - બીસીસીઆઇના ખજાનચી, ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં

6

દુબઈમાં ગઈ કાલે આઇપીએલની બે નવી ટીમની હરાજીની ઇવેન્ટ આટલા કલાક ચાલી હતી.

75

ગઈ કાલે દુબઈમાં બે ટીમને ખરીદવા કુલ આટલા અબજ રૂપિયાનો ખેલો થયો અને એમાં બે ગ્રુપ હાઇએસ્ટ તથા સેકન્ડ હાઇએસ્ટ બિડ સાથે સફળ રહ્યા

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2021 08:50 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK